India

ખજાનાના ચક્કરમાં કરોડપતિ વેપારીની 'બલિ' ચઢાવનારા 3 પકડાયા, નદી કિનારે દફનાવેલો મૃતદેહ મળ્યો

By GS Team
15 Jul 20263 mins read
TukuTouch Logo
મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં કરોડપતિ વેપારી વિજય જૈનની ઘાતકી હત્યાથી ખળભળાટ મચી ગયો છે. ગુમ થયેલા જૈનનો મૃતદેહ પરાસિયા નદી કિનારે દફનાવેલો મળ્યો હતો. પોલીસે 24 કલાકમાં 3 આરોપીઓની ધરપકડ કરી. પ્રાથમિક તપાસ મુજબ, નદી કિનારે છુપાયેલો ખજાનો મેળવવા તાંત્રિક વિધિ કરી વેપારીની 'બલિ' ચડાવાઈ હતી. જોકે, મૃતકની કૃત્રિમ આંખ હોવાથી 'બલિદાન'ની થિયરી પર સવાલો ઉઠી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ખજાનાના ચક્કરમાં કરોડપતિ વેપારીની 'બલિ' ચઢાવનારા 3 પકડાયા, નદી કિનારે દફનાવેલો મૃતદેહ મળ્યો

Raisen Jeweller Vijay Jain Murder Case Madhya Pradesh 2026 : મધ્ય પ્રદેશના રાયસેન જિલ્લામાંથી અંધશ્રદ્ધા અને લાલચની એક અત્યંત ચોંકાવનારી અને સનસનાટીપૂર્ણ ઘટના સામે આવી છે. અહીંના ગેરતગંજ વિસ્તારમાંથી છેલ્લા 6 દિવસથી ગુમ થયેલા કરોડપતિ સર્રાફા (સોની) વેપારી વિજય જૈનની કુહાડી વડે ગળું કાપીને ઘાતક હત્યા કરી દેવામાં આવી છે. તેમનો મૃતદેહ પરાસિયા નદી કિનારે માટીમાં દફનાવેલી હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગણતરીના 24 કલાકમાં ખુલાસો કરીને મૃતકના જ બે નજીકના મિત્રો સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, નદી કિનારે છુપાયેલો રહસ્યમય ખજાનો મેળવવા માટે તાંત્રિક વિધિ કરીને વેપારીની ‘બલિ’ ચડાવવામાં આવ્યું હતું. જો કે, આ કથિત બલિદાનની થિયરી સામે હવે સ્થાનિક લોકોમાં અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે.

કુતરાઓએ પગ ચૂંથવાનું શરૂ કર્યું અને ભાંડો ફૂટ્યો

ચોક બજારના રહીશ અને કરોડોના લેણદેણના કારણે આસપાસના વિસ્તારમાં ‘ખજાનચી’ તરીકે ઓળખાતા વિજય જૈન અચાનક ગુમ થતાં ચિંતા પ્રસરી હતી. હત્યાના છ દિવસ બાદ નદી કિનારેથી પસાર થતા એક ભરવાડે જોયું કે કેટલાક કુતરાઓ જમીનમાં દટાયેલા કોઈ મૃતદેહના પગને ચૂંથી રહ્યા હતા. ભરવાડે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ખોદકામ કરાવતાં સોની વેપારીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થળ પરથી મળેલા મોબાઈલ અને ચપ્પલના આધારે તેમની ઓળખ વિજય જૈન તરીકે થઈ હતી.

નજીકના જ મિત્રોએ રચ્યું મોતનું ષડયંત્ર

પોલીસે વેપારીના મોબાઈલ લોકેશન, કોલ ડિટેલ્સ (CDR), એફએસએલ (FSL) ટીમ અને ડોગ સ્ક્વોડની મદદથી તપાસ લંબાવી હતી. શંકાના આધારે 6 લોકોની કડક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાંથી આખરે ત્રણ આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પકડાયેલા આરોપીઓમાં હિનોતિયાના પ્રહલાદ સાહુ, તેનો પુત્ર ટીકમ સાહુ અને ઉદ્દમાઉના કરીમ ખાનનો સમાવેશ થાય છે.

આરોપીઓએ પોલીસને જણાવ્યું કે, તેમને એવી શ્રદ્ધા હતી કે પરાસિયા નદી કિનારે અઢળક ખજાનો દટાયેલો છે અને જો કોઈ વ્યક્તિની બલિ આપવામાં આવે તો તે ખજાનો બહાર આવી શકે છે. આ લાલચમાં તેમણે વિજય જૈનને નદી કિનારે પૂજા પાઠના બહાને બોલાવ્યા હતા. પૂજા માટે અગરબત્તી સળગાવતા જ વિજય જૈન બેહોશ થઈ ગયા હતા અને તરત જ કુહાડીના ઘા ઝીંકી તેમનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું. પુરાવાનો નાશ કરવા માટે તેમણે શુષ્ક નદીના કિનારે ખાડો ખોદી લાશ દાટી દીધી હતી.

કૃત્રિમ આંખ હોવાથી ‘બલિદાન’ની થિયરી શંકાના દાયરામાં!

પોલીસે ભલે આ કેસને અંધશ્રદ્ધા હેઠળ કરાયેલી બલિનો ગણાવ્યો હોય, પરંતુ સ્થાનિક સ્તરે હવે આ થિયરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. સામાજિક અને તાંત્રિક માન્યતાઓ અનુસાર, અંધશ્રદ્ધાની વિધિઓમાં ક્યારેય પણ એવી વ્યક્તિની બલિ ચડાવવામાં આવતી નથી જે દિવ્યાંગ (વિકલાંગ) હોય અથવા જેના શરીરનું કોઈ અંગ કૃત્રિમ હોય. મૃતક વિજય જૈનની એક આંખ આર્ટિફિશિયલ (નકલી) હતી અને આ વાતની જાણ તેમના અત્યંત નજીકના બંને આરોપીઓને પણ સારી રીતે હતી. આ સંજોગોમાં લોકો શંકા વ્યક્ત કરી રહ્યા છે કે, કરોડો રૂપિયાની લેણદેણ અથવા તો પ્રોપર્ટીના વિવાદની અસલી વરવી વાસ્તવિકતાને છુપાવવા માટે આરોપીઓએ ‘બલિદાન’ની આખી કાલ્પનિક વાર્તા ઘડી કાઢી છે.

પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે

રાયસેનના એડિશનલ એસપી દીપક નાયકના નેતૃત્વમાં પોલીસ અને વહીવટી તંત્ર આ કેસના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે. હાલ મૃતદેહને ગેરતગંજ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, હત્યાનું સાચું કારણ અને મોતનો ચોક્કસ સમય પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને ઝીણવટભરી તપાસ પૂરી થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે.