17 મેટ્રો સ્ટેશન બંધ, અનેક સ્થળે બેરિકેડ, રસ્તા પર લાંબો ટ્રાફિક... જંતર-મંતર આંદોલનથી ‘દિલ્હી જામ’
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Delhi Traffic Jam : જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન અને કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે ગુરુવારે સેન્ટ્રલ દિલ્હીમાં ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. પોલીસે અનેક મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવી દીધા હતા અને 17 મેટ્રો સ્ટેશનો બંધ રાખ્યા હતા, જેના કારણે હજારો મુસાફરોને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવું પડ્યું હતું.
મુખ્ય રસ્તાઓ પર વાહનોની લાંબી લાઈનો
વિકાસ માર્ગ, સંસદ માર્ગ, ટોલ્સ્ટોય માર્ગ, કનોટ પ્લેસ આઉટર સર્કલ, પટેલ ચોક, ઈન્ડિયા ગેટ સર્કલ, ડીડીયુ માર્ગ, મિન્ટો રોડ અને આઈટીઓ ટનલ આસપાસ વાહનોની અવરજવર અત્યંત ધીમી રહી હતી. આઈટીઓ ટનલ નજીક રસ્તાનો એક ભાગ બંધ કરાતા વાહનચાલકોની લાંબી લાઈનો લાગી હતી.
મુસાફરીમાં લાગ્યો બમણો સમય
રોજિંદા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં સામાન્ય દિવસો કરતા બમણો સમય લાગ્યો હતો. નોઈડાથી મંડી હાઉસ જતા એક મુસાફરે જણાવ્યું કે, 'જે સફર સામાન્ય રીતે 45 મિનિટમાં પૂરી થાય છે, તેમાં ગુરુવારે 1.5 કલાકથી વધુ સમય લાગ્યો હતો.' સોશિયલ મીડિયા પર લોકોએ ટ્રાફિક પોલીસને વિનંતી કરી કે રસ્તા બંધ કરતા પહેલા જાહેર એડવાઈઝરી બહાર પાડવી જોઈએ.
17 મેટ્રો સ્ટેશન સુરક્ષાના કારણે બંધ
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ સુરક્ષાના કારણોસર સતત બીજા દિવસે લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બારાખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવા તીર્થ, જનપથ, મંડી હાઉસ, કેન્દ્રીય સચિવાલય, આઈટીઓ, દિલ્હી ગેટ, ઈન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોર બાગ, શિવાજી સ્ટેડિયમ અને ઝંડેવાલાન જેવા 17 સ્ટેશનો બંધ રાખ્યા હતા.
જાહેર પરિવહન પર વધ્યું દબાણ અને વેપારને અસર
મેટ્રો સેવાઓ બંધ હોવાથી બસ, ઓટો અને કેબ માટે ભારે ભીડ જોવા મળી હતી, જેથી મુસાફરોને 40 થી 45 મિનિટ વધારાની રાહ જોવી પડી હતી. ટ્રાફિક પોલીસે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અપીલ કરી હતી. બીજી તરફ કનોટ પ્લેસના વેપારી સંગઠને પોલીસ સૂચના બાદ દુકાનો અને રેસ્ટોરન્ટ સાંજે 6:30 વાગ્યા સુધીમાં બંધ કરવાની સલાહ આપી હતી.
શું છે વિરોધ પ્રદર્શનનું કારણ?
કોકરોચ જનતા પાર્ટી (CJP) છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી જંતર-મંતર પર પ્રદર્શન કરી રહી છે. પેપર લીક અને પરીક્ષાની અનિયમિતતાઓના મુદ્દે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે તેવી તેમની માંગ છે. આ જ કારણસર રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.









