15 હજાર કરોડનો પ્રોજેક્ટ, ચીનની ગતિવિધિઓ પર નજર... ભારત બનાવશે હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India To Build 15000 Crore High Altitude Airship : ભારતે 20 કિલોમીટરથી વધુની ઊંચાઈએ ઉડી શકે તેવા સ્વદેશી હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ બનાવવાની મહત્ત્વાકાંક્ષી યોજના શરૂ કરી છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 15,000 કરોડ રૂપિયા થશે. તેનો મુખ્ય હેતુ લાંબા સમય સુધી દેખરેખ, ગુપ્ત માહિતી એકત્રિત કરવા અને સંદેશાવ્યવહાર વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાનો છે. આ પ્રોજેક્ટ ભારતીય વાયુસેનાના ડાયરેક્ટોરેટ ઑફ ઓપરેશન્સ(રિમોટ)ની દેખરેખ હેઠળ ચલાવવામાં આવી રહ્યો છે. તેને સંરક્ષણ મંત્રાલયની ‘મેક-I’ યોજના અંતર્ગત વિકસાવવામાં આવશે, જેમાં સરકાર સંશોધન અને વિકાસ(R&D) ખર્ચના 70 ટકા સુધીનો હિસ્સો ભોગવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એરશિપને 'એરશિપ-બેઝ્ડ હાઇ ઑલ્ટિટ્યુડ સ્યુડો સેટેલાઇટ' (AS-HAPS) નામ આપવામાં આવ્યું છે. તે 20 કિલોમીટરથી વધુની ઊંચાઈએ સતત કેટલાક મહિનાઓ સુધી ઉડવા માટે સક્ષમ હશે. આ એરશિપમાં રડાર, હાઇ-રિઝોલ્યૂશન કેમેરા અને ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ સિસ્ટમ જેવા આધુનિક સેન્સર લગાવવામાં આવશે, જે દુશ્મનની ગતિવિધિઓ પર સતત નજર રાખશે.
ડ્રોન અને સેટેલાઇટ વચ્ચેનું અંતર પૂરું કરશે
આ સિસ્ટમ ડ્રોન અને સેટેલાઇટ વચ્ચેની ક્ષમતાના અંતરને દૂર કરશે. સામાન્ય સૈન્ય ડ્રોન આશરે 12 કિલોમીટરની ઊંચાઈ સુધી ઉડે છે, અને લો-અર્થ ઓર્બિટ સેટેલાઇટ્સ 500 થી 2,000 કિલોમીટરની ઊંચાઈ પર કાર્ય કરે છે, જ્યારે આ એરશિપ તેમની વચ્ચે રહીને સતત દેખરેખની સુવિધા આપશે. તે જમીન પરથી સેટેલાઇટ સુધી ડેટા પહોંચાડવામાં પણ મદદરૂપ સાબિત થશે. સંરક્ષણ મંત્રાલય આ પ્રોજેક્ટ માટે ઓછામાં ઓછી બે ખાનગી કંપનીઓની પસંદગી કરશે. કંપનીઓની પસંદગી તેમની તકનીકી ક્ષમતા અને નાણાકીય મજબૂતીના આધારે કરવામાં આવશે. આ અગાઉ ભારતે મે 2025માં મધ્યપ્રદેશમાં DRDOની મદદથી આશરે 17 કિલોમીટરની ઊંચાઈ પર એરશિપનું સફળ પરીક્ષણ કર્યું હતું.
ચીન પર રહેશે નજર
આ ટેક્નોલોજીથી ભારતને ચીન અને અન્ય સરહદી વિસ્તારોમાં લાંબા સમય સુધી નજર રાખવાની મોટી ક્ષમતા મળશે. ચીન પહેલેથી જ હાઇ ઑલ્ટિટ્યુડ બલૂન અને એરશિપ ટૅક્નોલૉજી પર કામ કરી રહ્યું છે, અને તેના આવા બલૂન વિશ્વના અલગ-અલગ ભાગોમાં જોવા મળ્યા છે. આ સ્થિતિમાં ભારતનો આ પ્રોજેક્ટ વ્યૂહાત્મક દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.









