India

મુંબઈ પોલીસના 10 'ભૂતો'એ લીધો 6.5 કરોડનો પગાર, જાણો શું છે સમગ્ર મામલો

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ પોલીસમાં 10 "ભૂતિયા કર્મચારીઓ" ના નામે ₹6.41 કરોડનું પગાર કૌભાંડ સામે આવ્યું છે. 2019-20 દરમિયાન, અસ્તિત્વમાં ન હોય તેવા લોકોને પગાર ચૂકવાયો, જેનો ખુલાસો 6 વર્ષ પછી ડેટા ટ્રાન્સફર સમયે થયો. આ મામલે 5 અધિકારીઓ સામે FIR નોંધાઈ છે, જેમાં વિજયા ચૌહાણ અને અમોલ મેશ્રામને સસ્પેન્ડ કરાયા છે. મુખ્યમંત્રી ફડણવીસે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઈ પોલીસના 10 'ભૂતો'એ લીધો 6.5 કરોડનો પગાર, જાણો શું છે સમગ્ર મામલો
AI તસવીર

Mumbai Police Ghost Employees: મુંબઈ પોલીસ વિભાગમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે સેલેરી સિસ્ટમ પર મોટા સવાલો ઊભા કર્યા છે. જે કર્મચારીઓનું વાસ્તવિક અસ્તિત્વ જ નહોતું, તેમના નામે કરોડો રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે. કાગળ પર નોંધાયેલા 10 કથિત બોગસ કર્મચારીઓને વર્ષ 2019-20 દરમિયાન અંદાજે 6.41 કરોડ રૂપિયા પગાર તરીકે ચૂકવી દેવામાં આવ્યા. આ આખા કૌભાંડનો ખુલાસો આશરે છ વર્ષ પછી થયો, જ્યારે કર્મચારીઓનો ડેટા જૂના પે પોર્ટલ 'સેવાર્થ' પરથી નવા સોફ્ટવેર પ્લેટફોર્મ પર ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો.

એક અધિકારીની ફરિયાદ બાદ ફૂટ્યો ભાંડો

તપાસ દરમિયાન સામે આવ્યું કે, જે લોકોને પગાર આપવામાં આવી રહ્યો હતો, તેઓ મુંબઈ પોલીસના કર્મચારી હતા જ નહીં. આમ છતાં તેમના નામ સેલેરી લિસ્ટમાં સામેલ હતા, અને દર મહિને તેમના બેંક ખાતામાં પગાર જમા થતો હતો. આ મામલાનો ખુલાસો મુંબઈ પોલીસના ઉત્તર ક્ષેત્રીય વિભાગના એક અધિકારીની ફરિયાદ બાદ થયો હતો. ફરિયાદ મુજબ, 10 બિન-પોલીસ વ્યક્તિઓને વિભાગના કર્મચારી દર્શાવીને નિયમિતપણે પગાર ચૂકવવામાં આવ્યો હતો.

10 બોગસ કર્મચારીઓના નામ

FIRમાં જે 10 બોગસ કર્મચારીઓના નામ નોંધાયેલા છે, તેમાં રામદાસ ભોગલે, સુધાકર કદમ, સરજૂ યાદવ, ભગવત ભોસલે, ગુણાજી ખવકર, મહાદેવ હલદંકર, રાજેન્દ્ર સોનાર, ઉત્તમ થોરાત, સૂર્યકાંત પાટીલ અને પાંડુરંગ કદમ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ બોગસ પગાર ચૂકવણું મુખ્યત્વે બે તબક્કામાં થયું હતું. જેમાં પહેલું ડિસેમ્બર 2019 થી ફેબ્રુઆરી 2020 અને બીજું જૂન 2020 થી સપ્ટેમ્બર 2020.

કરોડો રૂપિયાના પગાર કૌભાંડનો ખુલાસો

તપાસમાં આરોપ છે કે, તે સમયે મંત્રાલય સ્તરના કેટલાક ક્લાર્કોએ મળીને બોગસ હાજરી પત્રક અને અન્ય રેકોર્ડ તૈયાર કર્યા હતા. બહારના લોકોના નામ પગાર યાદીમાં ઉમેરી દેવામાં આવ્યા, અને તેમને વિભાગના કર્મચારી દર્શાવીને પગાર જારી કરવામાં આવ્યો. આ કેસમાં તે સમયે પદ પર રહેલા પાંચ લોકો સામે FIR નોંધવામાં આવી છે. જેમાં પૂર્વ વહીવટી અધિકારી રામકિશન ગોસ્વામી, નાગેશ તલવડેકર અને વિજયા ચૌહાણ ઉપરાંત હેડ ક્લાર્ક અજય રાઠોડ અને સિનિયર ક્લાર્ક અમોલ મેશ્રામ સામેલ છે. આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023 હેઠળ છેતરપિંડી, ષડયંત્ર અને કાવતરાની કલમો લગાવાઈ છે. આરોપો બાદ મુંબઈ પોલીસ વિભાગે વિજયા ચૌહાણ અને અમોલ મેશ્રામને સસ્પેન્ડ કરી દીધા છે. તેમના પર બોગસ સર્વિસ આઈડી અને DCPS આઈડી બનાવીને અનધિકૃત પગાર જારી કરવાનો આરોપ છે.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન

આ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, 'આ મામલો વર્ષ 2020 નો છે, આજનો નથી. તેમણે ઉમેર્યું કે, જે લોકોએ ગડબડ કરી છે, તેમની સામે કાર્યવાહી થઈ છે, અને આગળ પણ ચાલુ રહેશે. જ્યાં પણ શંકા અને પુરાવા મળશે ત્યાં પૂરી તપાસ કરવામાં આવશે.'