Narmada

સાગબારા જંગલ જમીન ખેડાણ વિવાદ વકર્યો: 10મા દિવસે આંદોલનને મળ્યું મહારાષ્ટ્રના ધારાસભ્યનું સમર્થન

By GS Team
17 Aug 20262 mins read
TukuTouch Logo
નર્મદા-સુરત સરહદે સાગબારા-ઉમરપાડામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે આદિવાસીઓનું આંદોલન આજે 10મા દિવસે પણ ઉકેલ વિના ચાલુ છે. મહારાષ્ટ્રના ધારાસભ્ય અમશા પાડવીએ આંદોલનકારી ખેડૂતોને સમર્થન આપતા જણાવ્યું કે, "અમે પહેલા આદિવાસી સમાજના ભાઈ છીએ." 2002થી ખેડાણ કરતા ખેડૂતોને કાયદેસર હક મળવો જ જોઈએ. આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સાગબારા જંગલ જમીન ખેડાણ વિવાદ વકર્યો: 10મા દિવસે આંદોલનને મળ્યું મહારાષ્ટ્રના ધારાસભ્યનું સમર્થન

Sagbara Forest Land Protest: નર્મદા અને સુરત જિલ્લાની સરહદ પર આવેલા સાગબારા અને ઉમરપાડા વિસ્તારમાં જંગલ જમીન ખેડાણનો પ્રશ્ન હવે સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જંગલ જમીનના હક અને ખેડાણને લઈને સ્થાનિક આદિવાસીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા ધરણા પ્રદર્શન અને આંદોલનને આજે (17મી ઓગસ્ટ) 10મો દિવસ છે, છતાં હજુ સુધી તંત્ર દ્વારા કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો નથી.

મહારાષ્ટ્રના ધારાસભ્ય અમશા પાડવી આંદોલનમાં જોડાયા

ગુજરાતના સ્થાનિક નેતાઓ બાદ હવે આ આંદોલનને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રથી પણ સમર્થન સાંપડ્યું છે. મહારાષ્ટ્રના અક્કલકુવા વિધાનસભાના ધારાસભ્ય અમશા પાડવી સાગબારા ખાતે આંદોલનકારી ખેડૂતોની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમને સંપૂર્ણ સહકાર અને સમર્થનની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, 'હું મહારાષ્ટ્ર કે ગુજરાતનો નહીં, પરંતુ પહેલા આદિવાસી સમાજનો ભાઈ છું. આ ધરણા પર બેઠેલા ખેડૂતો અમારા સમાજના આદિવાસી ભાઈઓ છે. વર્ષ 2002થી આ ખેડૂતો અહીં જમીન ખેડીને પોતાનું ગુજરાન ચલાવે છે, તેથી જમીન ખેડાણનો કાયદેસરનો હક તેમને મળવો જ જોઈએ.'

10મા દિવસે પણ ઉકેલ નહીં, રાજકારણ ગરમાયું

આદિવાસીઓના હક અને પ્રશ્નો માટે સતત અવાજ ઉઠાવતા ધારાસભ્ય અમશા પાડવીના આગમનથી આ આંદોલનમાં નવો વળાંક આવ્યો છે. જંગલ જમીનના મુદ્દે શાસક અને વિપક્ષના નેતાઓ સામસામે આવી જતાં રાજકીય ગરમાવો વધી ગયો છે.10-10 દિવસથી આંદોલન ચાલુ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નિરાકરણ ન લાવવામાં આવતાં આદિવાસીઓ અને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આગામી દિવસોમાં આ ધરણાં પ્રદર્શન વધુ ઉગ્ર આંદોલનમાં ફેરવાય તેવા સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે.

ઉમરપાડામાં 'જંગલ બચાવો' રેલી અને વિરોધ

ઉલ્લેખનીય છે કે, એક તરફ સાગબારાના ખેડૂતો હક્ક માટે લડી રહ્યા છે, તો બીજી તરફ ઉમરપાડા ખાતે 'જંગલ બચાવો, આદિવાસી બચાવો' રેલી યોજાઈ હતી. આ રેલીમાં સાગબારાના ખેડૂતો દ્વારા ઉમરપાડાની જમીન પર થઈ રહેલા ખેડાણ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટનાક્રમ જોતાં સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, શું જંગલની જમીન માટેનો આ જંગ હવે 'આદિવાસીઓ વિરુદ્ધ આદિવાસીઓ' અને 'રાજકીય જંગ' બની ગયો છે? બે જિલ્લાનું રાજકારણ અને શાસક પક્ષના નેતાઓની પોતાની જ સરકાર સામેની અસહાયતા ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર અને રાજકીય દબાણ તરફ ઈશારો કરી રહી છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર આ વિવાદનો ક્યારે અને કેવો ઉકેલ લાવે છે.