સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે 600 મુસાફરો ક્ષમતાવાળી નવી ક્રૂઝ લોન્ચ, આધુનિક સુવિધાઓથી સજ્જ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

New Cruise Service Introduced At Statue of Unity: નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવી ક્રૂઝ તમામ જરૂરી સુરક્ષા ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની જરૂરી પૂર્વ મંજૂરી પ્રાપ્ત કર્યા બાદ પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ કરાવાશે.
વધતી માંગને ધ્યાનમાં રાખી વિશાળ ક્રૂઝનું આયોજન
સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતે અગાઉથી 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી ક્રૂઝ સફળતાપૂર્વક સંચાલિત થઈ રહી છે, જેને પ્રવાસીઓ તરફથી અત્યંત સારો પ્રતિસાદ મળ્યો છે. નર્મદા નદીમાં ક્રૂઝ પ્રવાસ દરમિયાન કુદરતી સૌંદર્ય સાથે સ્ટેચ્યુ ઑફ યુનિટી અને આસપાસના રમણીય દૃશ્યો નિહાળવાનો અનોખો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર બન્યો છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને માંગને ધ્યાનમાં રાખીને હવે વધુ વિશાળ, આધુનિક સુવિધાઓ ધરાવતી નવી ક્રૂઝ સેવા લોન્ચ કરવામાં આવી છે.
નવી ક્રૂઝ માત્ર નદીમાં પ્રવાસ માટે જ નહીં પરંતુ વિવિધ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવી છે. આ ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો તેમજ અન્ય વિશેષ ઉજવણીઓનું આયોજન કરી શકાશે. નર્મદા નદીના મનોહર વાતાવરણ વચ્ચે યોજાતા આવા કાર્યક્રમો પ્રવાસીઓને અનોખો અને યાદગાર અનુભવ કરાવશે.
રાત્રિના સમયે ક્રૂઝનું સૌંદર્ય અનેકગણું વધી જશે
નવી ક્રૂઝને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં વિશેષ ડેકોરેટિવ લાઇટિંગની સુવિધા આપવામાં આવી છે, જેના કારણે ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે ક્રૂઝનું સૌંદર્ય અનેકગણું વધી જશે. આધુનિક સુવિધાઓ અને વિશાળ ક્ષમતાથી સજ્જ આ ક્રૂઝ એકતા નગરના પર્યટન ક્ષેત્રે આકર્ષણનું કેન્દ્ર બનશે.
નવી ક્રૂઝની વિશેષતા
•600 પ્રવાસીઓની મુસાફરી ક્ષમતા
•250 લોકો માટે ડાઇનિંગ સુવિધા
•લંબાઈ: 30 મીટર
•પહોળાઈ: 12 મીટર
•5 x 4 મીટરનું વિશાળ સ્ટેજ
•આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ
•સેલિબ્રેશન, પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, પ્રોડક્ટ લોન્ચ અને વિશેષ કાર્યક્રમો માટે વિશેષ ડિઝાઇન
નવી ક્રૂઝ કદ, ક્ષમતા અને સુવિધાઓની દ્રષ્ટિએ હાલની ક્રૂઝ કરતાં નોંધપાત્ર રીતે વધુ આધુનિક અને વિશાળ છે. મુસાફરી ક્ષમતા, વિશાળ ડાઇનિંગ વિસ્તાર અને મોટા સ્ટેજને કારણે મોટા પાયે કાર્યક્રમોનું આયોજન સરળતાથી કરી શકાશે. આ સુવિધાથી લગ્ન સમારંભો, કોર્પોરેટ કાર્યક્રમો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ખાનગી ઉજવણીઓ માટે પણ એક અનોખું અને આકર્ષક સ્થળ ઉપલબ્ધ બનશે.
પ્રવાસન અને સ્થાનિક રોજગારીને મળશે વેગ
વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન સાથે હવે પ્રવાસીઓ નર્મદા નદીમાં આ ભવ્ય અને આધુનિક ક્રૂઝનો પણ આનંદ માણી શકશે, જે તેમની મુલાકાતને વધુ યાદગાર બનાવશે. આ નવી સુવિધાથી રાજ્યના પર્યટન વિકાસને વધુ વેગ મળશે તેમજ સ્થાનિક રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહન મળશે.









