Narmada

'વિરોધ પક્ષ' અત્યારે 'અવરોધ પક્ષ' બની ગયો, દેશને વહેંચવાના ષડયંત્રો કરી રહ્યા છે': એકતા પરેડમાં PM મોદી

By GS Team
31 Oct 20264 mins read
TukuTouch Logo
આજે 31 ઑક્ટોબરે એકતાનગરમાં PM મોદીની હાજરીમાં સરદાર પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ભવ્ય ઉજવણી થઈ. PMએ દેશવાસીઓને એકતાના શપથ લેવડાવ્યા. સુરક્ષા દળોની શિસ્તબદ્ધ પરેડ અને 'નક્સલ મુક્ત ભારત' થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ સમારોહમાં નક્સલવાદના ખાતમાની ઉજવણી કરાઈ, જેમાં BSF, CRPF સહિત અન્ય રાજ્યોની પોલીસે ભાગ લીધો.

Summarized by AI; it may make mistakes. Check important info

'વિરોધ પક્ષ' અત્યારે 'અવરોધ પક્ષ' બની ગયો,  દેશને વહેંચવાના ષડયંત્રો કરી રહ્યા છે': એકતા પરેડમાં PM મોદી

Rashtriya Ekta Diwas 2026: આજે 31 ઓકટોબરની સાંજે એકતાનગરમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતી નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆતમાં PM મોદીએ દેશવાસીઓને એકતાના શપથ લેવડાવ્યા, સુરક્ષા દળો અને પોલીસ ટુકડીઓના શિસ્તબદ્ધ કદમતાલથી હાલ પરેડ ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતું. નકસલ મુક્ત ભારત પર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.

આજનો આ કાર્યક્રમ કંઈક અલગ છે: PM

'આજનો આ કાર્યક્રમ કંઈક અલગ છે. અત્યાર સુધી આપણે એકતા દિવસ પર આ કાર્યક્રમ સવારે કરતા આવ્યા છીએ. આ વખતે થોડો ફેરફાર થયો છે, આપણે સૌ સાંજે એકત્ર થયા છીએ. સવારે લાખો દેશવાસીઓએ એકતાના સંકલ્પ સાથે એકતા દોડમાં ભાગ લીધો. આપણે 'Run For Unity'માં દેશવાસીઓનો ઉત્સાહ જોયો'

PM મોદીએ કહ્યું કે-

સરદાર પટેલ એટલા માટે આ કરી શક્યા, કારણ કે તેઓ ભારતના ચરિત્ર અને ચેતનાથી પરિચિત હતા. તેઓ જાણતા હતા કે ભારતની વિવિધતા તેની બાધા નથી, પરંતુ ભારતની એકતાનો વાસ્તવિક આધાર છે. આપણે હજારો વર્ષોથી આ જ રીતે જીવતા આવ્યા છીએ, આપણે આ જ રીતે પ્રગતિ અને સમૃદ્ધિના શિખરોને સ્પર્શ્યા છે. સરદાર પટેલ ભારતના ઇતિહાસનું એવું મહાન વ્યક્તિત્વ છે, જેના વિના આજના ભારતની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સરદાર પટેલે ભારતના વર્તમાન સ્વરૂપનું સર્જન કર્યું છે. વિભાજન પછી પણ જેમણે હિમાલયથી હિંદ મહાસાગર સુધી ભારતને સુરક્ષિત રાખ્યું… તે સરદાર પટેલ જ હતા! સરદાર પટેલે ફરી એકવાર એ જ ભારતની પાયો મજબૂત કર્યો. તેઓએ માત્ર દેશના ભૂગોળને જ નથી જોડ્યું, તેમણે દેશને ભાવનાત્મક એકતાના સૂત્રમાં પણ પરોવ્યો.

'છેલ્લા કેટલાક મહિનાઓમાં આપણે દુનિયાને ઊર્જા સંકટ સામે ઝઝૂમતી જોઈ છે. કેટલાક દેશોમાં તો પેટ્રોલ-ડીઝલની ખરીદી પર લિમિટ પણ લગાવી દેવામાં આવી હતી. ભારત માટે પણ કહેવાઈ રહ્યું હતું કે અહીં એટલી બધી વસતી છે, પેટ્રોલિયમનું ઉત્પાદન પણ અહીં થતું નથી, એટલા માટે સૌથી મોટું સંકટ ભારત સામે ઊભું થશે. આ જ આશંકાઓ વચ્ચે ભારત વિરોધી તાકતો પણ સક્રિય થઈ ગઈ હતી. પરંતુ, આ ભારતનું સામર્થ્ય છે કે આપણે આ વૈશ્વિક ઊર્જા સંકટની અસર આપણા નાગરિકો પર પડવા દીધી નથી.': PM મોદી

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર સાધ્યું નિશાન

વડાપ્રધાને કહ્યું, "આ આપણું દુર્ભાગ્ય છે કે આ સમયે દેશનો વિપક્ષ પોતાના કર્તવ્યને ભૂલી ગયો છે અને 'વિરોધ પક્ષ' નહીં પરંતુ 'અવરોધ પક્ષ' બની ગયો છે. પોતાની હતાશા અને નિરાશામાં, આ લોકો દેશના વિકાસના રસ્તે અડચણો ઊભી કરી રહ્યા છે. આ કોઈ સ્વસ્થ વિપક્ષ નથી, આ તો પૂરી રીતે અડચણ નાખવાની રાજનીતિ છે. તેમણે તેને જ પોતાની મુખ્ય રાજનીતિ બનાવી લીધી છે અને તેઓ સંવિધાનની ગરિમા અને તેની મર્યાદાઓને ધૂળમાં મેળવવામાં લાગેલા છે.

'આ તાકાતો દેશને વહેંચવાના ષડયંત્રોમાં સતત જોડાયેલી છે.'

વડાપ્રધાને આરોપ લગાવ્યો કે-'કેટલીક તાકાતો દેશમાં સતત વિભાજન પેદા કરવાનો પ્રયાસ કરી રહી છે. એક દાયકા કરતાં વધુ સમયની રાજકીય હતાશા અને નિરાશા પછી હવે આ લોકો ખુલ્લેઆમ સામે આવી ગયા છે. કોણ વિદેશમાં ભારત વિરોધી તાકાતો સાથે ગુપ્ત રીતે મળી રહ્યું છે? કોણ દેશ વિરોધી તત્ત્વો જેવી ભાષા બોલી રહ્યું છે? આવી તાકાતો સામે આખા દેશે એકસંપ થવાની જરૂર છે.'

ભવ્ય પરેડ આકર્ષણ, નક્સલવાદના ખાતમાની ઉજવણી

આ સમારોહમાં ભારતની સાંસ્કૃતિક ઝાંખી, શાનદાર પ્રસ્તુતિઓ, પોલીસ અને અર્ધલશ્કરી દળોનું શિસ્ત અને એક ભવ્ય પરેડ જોવા મળી. કાર્યક્રમમાં પોલીસ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓનાં ઉત્કૃષ્ટ કાર્યોને દર્શાવવામાં આવ્યાં. આ વખતનાં સમારોહની સૌથી મોટી વિશેષતા દેશમાંથી સશસ્ત્ર નક્સલવાદના ખાતમાની ઉજવણી રહી. પરેડમાં BSF, CRPF, CISF, ITBP અને SSBના જવાનોની સાથે-સાથે એ રાજ્યોની પોલીસની ટુકડીઓ પણ સામેલ થઈ, જેમણે નક્સલવાદ સામેની આ લડાઈમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા દ્વારા 'નક્સલ મુક્ત ભારત' વિષય પર એક નાટ્ય પ્રસ્તુતિ આપવામાં આવી રહી છે. તેમાં વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત 126 જિલ્લાઓના લગભગ 2,000 કલાકારોએ ભાગ લીધો છે.

વડાપ્રધાન મોદીએ સવારે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર દ્વારા સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર પુષ્પવર્ષા કરીને તેમને ભાવવંદના અર્પણ કરાઈ હતી. એકતા પરેડમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન રાત્રે 8:00 વાગ્યે એકતા નગરથી બાય રોડ વડોદરા ઍરપૉર્ટ જશે તેમજ રાત્રે 9:10 વાગ્યે વડોદરા ઍરપૉર્ટથી દિલ્હી જવા રવાના થશે.