Narmada

નર્મદા: નેશનલ હાઈવે 56ને લઈને ખેડૂતો અને સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા!, કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી

By GS Team
10 Jul 20262 mins read
TukuTouch Logo
નર્મદા જિલ્લામાં NH-56ના નિર્માણ સામે ખેડૂતો અને શ્રી રામ હેરિટેજ સોસાયટીના રહીશોએ ઉગ્ર વિરોધ કર્યો. શામળાજીથી વાપી સુધી લંબાવાઈ રહેલા આ હાઈવે પ્રોજેક્ટમાં હજારો એકર કિંમતી જમીનનું યોગ્ય વળતર ન મળતાં તથા સોસાયટીના 22 મકાનો કપાતમાં જતાં લોકો રોષે ભરાયા. 10મી જુલાઈએ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરી, યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદા: નેશનલ હાઈવે 56ને લઈને ખેડૂતો અને સોસાયટીના રહીશો રસ્તા પર ઉતર્યા!, કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની ચીમકી

Narmada Farmers Protest NH-56 Project: નર્મદા જિલ્લામાં શામળાજીથી વાપી સુધી લંબાવવામાં આવી રહેલા નેશનલ હાઈવે 56 (NH-56)ના નિર્માણ સામે ખેડૂતો અને સોસાયટીના રહીશો દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યું છે. હાઈવે પ્રોજેક્ટમાં હજારો એકર કિંમતી જમીન ગુમાવનારા ખેડૂતોને યોગ્ય વળતર ન મળતાં અને સોસાયટીના મકાનો કપાતમાં જતાં આજે (10મી જુલાઈ) મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈને દેખાવો કર્યો હતો અને નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું.

હજારો એકર જમીન સામે યોગ્ય વળતર ન મળતા ખેડૂતો આકરા પાણીએ

મળતી માહિતી મુજબ, નર્મદા જિલ્લાના વાવડી, વડીયા અને જીતનગર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો આ હાઈવે પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આ હાઈવેના નિર્માણમાં તેમની હજારો એકર જમીન સંપાદન કરવામાં આવી રહી છે, પરંતુ તેની સામે તંત્ર દ્વારા તેમને યોગ્ય કે બજાર કિંમત મુજબનું વળતર આપવામાં આવ્યું નથી. જમીન વિહોણા થવાના ડરે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શ્રી રામ હેરિટેજ સોસાયટીના 22 મકાનો કપાતમાં

માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ હાઈવેના રૂટમાં આવતી એક રહેણાંક સોસાયટીના રહીશો પણ આ વિરોધમાં જોડાયા છે. નેશનલ હાઈવે 56નો આ માર્ગ ‘શ્રી રામ હેરિટેજ સોસાયટી’ની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે. આ સોસાયટીમાં બનેલા કુલ 60 મકાનોમાંથી 22 જેટલા મકાનો હાઈવેના રસ્તામાં કપાતમાં જઈ રહ્યા છે. જેના કારણે સોસાયટીના લોકોએ ન્યાયની માંગ સાથે દેખાવો કર્યા હતા.

ખેડૂતો અને સોસાયટીના રહીશોએ આજે એકઠા થઈને નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને પોતાની માંગણીઓ અંગેનું આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. આ ઉપરાંત તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે વળતર અને મકાનોની કપાત અંગે કોઈ યોગ્ય અને સંતોષકારક નિરાકરણ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વહીવટી તંત્ર સામે વધુ ઉગ્ર આંદોલન કરાશે.