નર્મદા: બિરસા મુંડા યુનિવર્સિટી કમિટી મુદ્દે ભાજપ સાંસદ નારાજ; આગેવાનોની અવગણનાનો આક્ષેપ કરી પ્રદેશ પ્રમુખને પત્ર લખ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada News: નર્મદા જિલ્લામાં આવેલી પ્રતિષ્ઠિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની કમિટીની જાહેરાત થતાં જ ભાજપમાં મોટો આંતરિક અસંતોષ સપાટી પર આવ્યો છે. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ નવી જાહેર થયેલી એજ્યુકેટિવ કાઉન્સિલ કમિટીમાં સ્થાનિક આગેવાનોની અવગણના થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ મુદ્દે નારાજગી વ્યક્ત કરીને તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને પત્ર લખ્યો છે, જેને પગલે રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
કમિટીમાં વરિષ્ઠ આગેવાનો, સાંસદ-ધારાસભ્યોની ઘોર અવગણના
સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે, નર્મદા જિલ્લાને મળેલી બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીની ભેટ દેશને વિકસિત ભારત બનાવવા માટે ખૂબ મહત્ત્વની સાબિત થશે. પરંતુ, તાજેતરમાં જાહેર થયેલી એજ્યુકેટિવ કાઉન્સિલ કમિટીના મહત્ત્વના હોદ્દાઓની વહેંચણીમાં સ્થાનિક સાંસદ સભ્યો, ધારાસભ્યો અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનોને બિલકુલ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. એટલું જ નહીં, ડેડીયાપાડા, સાગબારા, ચીકદા તાલુકાઓ તેમજ ભરુરૂચ જિલ્લામાંથી આ કમિટીમાં સભ્ય તરીકે કોઈને પણ સ્થાન આપવામાં આવ્યું નથી.
શિક્ષણ જગત સાથે લેવા-દેવા ન હોય તેવા નામો કેમ?
મનસુખ વસાવાએ કમિટીના સભ્યોની યોગ્યતા સામે પણ સીધા સવાલો ઉઠાવ્યા છે. તેમણે પત્રમાં આક્ષેપ કર્યો છે કે, 'કમિટીમાં જે નામો જાહેર થયા છે તેને શિક્ષણ જગત સાથે કોઈ લેવાદેવા જ નથી. નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નિલ રાવના ધર્મપત્ની પ્રેમપ્યારીનું નામ કમિટી સભ્ય તરીકે મૂકવામાં આવ્યું છે. તેમનું કે તેના પરિવારનું પાર્ટીમાં કોઈ યોગદાન નથી, તેમજ તેઓને શિક્ષણની વહીવટી બાબતોનું પણ કોઈ નોલેજ નથી.'
'બીજા બધાને નિયમો નડે, તો જિલ્લા પ્રમુખને કેમ નહીં?'
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પત્રમાં આક્રોશ પૂર્વક પૂછ્યું છે કે, 'પક્ષમાં બીજા બધા કાર્યકરોને નિયમો નડે છે, તો શું જિલ્લા પ્રમુખ નીલ રાવ અને તેમના પત્નીને આ નિયમો લાગુ નથી પડતા? કમિટી જાહેર થયા બાદ શિક્ષણ જગત સાથે જોડાયેલા લોકોમાં આ બાબતને લઈને ભારે ટીકા થઈ રહી છે અને આમ પ્રજામાં પણ ભારે નારાજગી ઊભી થઈ છે.'
પોતાની પીડા ઠાલવતા વરિષ્ઠ સાંસદે પત્રના અંતે લખ્યું છે કે, 'નર્મદા જિલ્લા અને ભરુચ જિલ્લામાં ભાજપ પાર્ટીને ઊભી કરવા માટે અમે અમારી આખી જિંદગી ખર્ચી નાખી છે. તેમ છતાં યુનિવર્સિટીના આવા મહત્ત્વના નિર્ણયો લેવામાં અમને જ વિશ્વાસમાં લેવામાં આવતા નથી, જે બિલકુલ યોગ્ય નથી.'
હવે જોવાનું એ રહેશે કે સાંસદ મનસુખ વસાવાના આ આકરા પત્ર બાદ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આ મામલે કેવા પગલાં લેવામાં આવે છે.









