નર્મદામાં જંગલ જમીનનો વિવાદ વકર્યો: હલગામપાડી ગામે ખેડૂતો અને ફોરેસ્ટ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Narmada Forest Land Dispute : નર્મદા જિલ્લામાં જંગલ જમીનનો વિવાદ સતત ચર્ચામાં રહે છે અને આ મામલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. તાજેતરમાં હલગામપાડી ગામના ગ્રામજનો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ગ્રામજનો પોતાની જમીન ખેડાણ માટે પહોંચ્યા હતા, ત્યારે ફોરેસ્ટ અધિકારીઓએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. આ વિસ્તારમાં લાંબા સમયથી જમીન અધિકારોને લઈને અસંતોષ પ્રવર્તી રહ્યો છે.
કોંગ્રેસ નેતા સંદીપ માંગરોલા અને ACF ગૌરવ લોઢા વચ્ચે બેઠક
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મામલો થાળે પાડવા માટે પહેલ કરી હતી. તેમણે સૌપ્રથમ ગ્રામજનો સાથે બેઠક કરીને તેમની રજૂઆતો સાંભળી હતી. ત્યારબાદ, ફોરેસ્ટ વિભાગના એસીએફ (ACF) ગૌરવ લોઢા સાથે સ્થળ પર જ એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગ્રામજનોના અગ્રણીઓ અને ફોરેસ્ટ અધિકારીઓ વચ્ચે સામસામે ચર્ચા થઈ હતી. ગ્રામ આગેવાન રાજુભાઈએ અધિકારીઓને સવાલ કર્યો હતો કે કઈ કલમના આધારે અને શા માટે ખેડૂતોને ખેડાણ કરતા અટકાવવામાં આવી રહ્યા છે.
608 ખેડૂતોના પેન્ડિંગ દાવા અને સોમવાર સુધીનો વિરામ
ચર્ચા દરમિયાન કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલાએ સોમવાર સુધી ફોરેસ્ટ વિભાગ અને ગ્રામજનો વચ્ચે કામચલાઉ વિરામ રાખવાની વાત મૂકી હતી. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે સોમવાર સુધીમાં એ સ્પષ્ટ કરી દેવું જોઈએ કે કુલ 608 ખેડૂતોની દાવા અરજીઓ પેન્ડિંગ છે કે નહીં. જો આ અરજીઓ પેન્ડિંગ હોય, તો નિયમો અનુસાર ફોરેસ્ટ વિભાગે તે ખેડૂતોને ખેડાણ કરતા રોકવા જોઇએ નહીં. અધિકારીઓ સાથેની ચર્ચા બાદ હાલ પૂરતી સ્થિતિ શાંત થઈ છે અને ગ્રામજનોએ સોમવાર સુધી રાહ જોવાની ખાતરી આપી છે. આગામી દિવસોમાં આ મામલે તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.




