Narmada

નર્મદાના મોસ્કુટની આશ્રમશાળામાં 11 બાળકો અચાનક ધૂણવા લાગતાં અફરાતફરી!, રાજપીપળા હોસ્પિટલ ખસેડાયા

By GS Team
19 Sep 20262 mins read
TukuTouch Logo
નર્મદાના દેડિયાપાડાની મોસ્કુટ આશ્રમશાળામાં 11 બાળકો અચાનક ધૂણવા લાગતાં અફરાતફરી મચી હતી. શિક્ષકોએ 108 મારફતે બાળકોને રાજપીપળા સિવિલ ખસેડ્યા હતા. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા હતી, પરંતુ તબીબી રિપોર્ટ નોર્મલ આવ્યા. જિલ્લા આરોગ્ય અધિકારીએ આને 'માસ હિસ્ટિરિયા' ગણાવ્યું. આંતરિક વિખવાદની પણ શક્યતા સેવાઈ રહી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નર્મદાના મોસ્કુટની આશ્રમશાળામાં 11 બાળકો અચાનક ધૂણવા લાગતાં અફરાતફરી!, રાજપીપળા હોસ્પિટલ ખસેડાયા

Narmada News: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં આવેલી મોસ્કુટ ગામની આશ્રમશાળામાં 11 જેટલા બાળકો અચાનક ધૂણવા લાગતાં શાળા સંકુલમાં અફરાતફરી સર્જાઈ હતી. બનાવને પગલે શિક્ષકો અને સંચાલકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ બાળકોને દેડિયાપાડા સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ તબીબી તપાસ અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. ઘટનાના પ્રારંભિક તબક્કે ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ તબીબી તપાસમાં ઝાડા, ઉલટી કે પેટના દુ:ખાવા જેવાં કોઈ લક્ષણો મળ્યાં ન હતાં.

તમામ બાળકોના રિપોર્ટ નોર્મલ

આ અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. જનક મઢકે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, 'બાળકોના તમામ તબીબી પરીક્ષણો સામાન્ય (નોર્મલ) આવ્યા છે. બાળકોની પીડિયાટ્રિશિયન અને મનોચિકિત્સક દ્વારા પણ તપાસ કરવામાં આવી છે. તબીબી ભાષામાં આ સ્થિતિને કન્વર્ઝન ઈવેન્ટ (Conversion Event) અથવા માસ હિસ્ટીરિયા કહેવામાં આવે છે. આ કોઈ શારીરિક કે માનસિક બીમારી નથી, તેમજ કોઈ અંધશ્રદ્ધા કે ભૂત-પ્રેતનો મામલો નથી. નાની વયના બાળકો પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા માટે અથવા આસપાસના વાતાવરણમાં મોટા લોકોને જોઈને તેનું કોપી કરતાં હોય છે.'

આચાર્ય પદ માટેનો આંતરિક વિખવાદ કે અન્ય કારણ?

આશ્રમશાળાના મુખ્ય શિક્ષકના જણાવ્યા મુજબ, ઘટના બનતાં જ વાલીઓને જાણ કરવામાં આવી હતી અને હાલ તમામ બાળકો સુરક્ષિત છે. બીજી તરફ, સ્થાનિક આગેવાનો અને સરપંચ દ્વારા સંસ્થામાં આંતરિક વિખવાદના આક્ષેપો કરવામાં આવ્યા છે. હાલમાં પોલીસ અને સંબંધિત વિભાગ સમગ્ર ઘટનાના સાચા કારણો જાણવા આગળની તપાસ ચલાવી રહ્યા છે.