Mumbai

અમરાવતીમાં સતત 25 કલાક ઢોસા બનાવવાનો વિશ્વ વિક્રમ

By GS TEAM
21 Oct 20251 min read
અમરાવતીમાં સતત 25 કલાક ઢોસા બનાવવાનો વિશ્વ વિક્રમ

શેફ વિષ્ણુ પ્રભાકરે પોતાનો ૅજ રેકોર્ડ તોડયો

દિવાળી ટાણે મફત ઢોસાની જ્યાફત માણવા લોકોનો ધસારો

મુંબઈ -  અમરાવતી શહેરમાં જાણીતા શેફ વિષ્ણુ પ્રભાકરે દિવાળીના દિવસોમાં સતત ૨૫ કલાક સુધી ઢોસા બનાવવાનો અનોખો વિશ્વ વિક્રમ કર્યો હતો. શનિવારે સવારે બરાબર સાતના ટકોરે ઢોસા બનાવવાની શરૃઆત કરવામાં આવી હતી.

જાતજાતના રેકોર્ડ નોંધાવવા માટે મશહૂર વિષ્ણુ પ્રભાકરે સતત ઢોસા બનાવતા રહીને નવો વિક્રમ નોંધાવવા માટે હામ ભીડી છે. એવી ખબર પડતાની સાથે અમરાવતીના રહેવાસીઓ સ્વાદિષ્ટ ઢોસાનો સ્વાદ માણવા માટે ઉમટવા લાગ્યા હતા. બધાને આ ઢોશા નિઃશુલ્ક ખવડાવવામાં આવ્યા હતા.

ગયા વર્ષે વિષ્ણુ પ્રભાકરે નાગપુરમાં દિવાળી વખતે સતત ૨૪ કલાક ઢોસા બનાવવાનો રેકોર્ડ કર્યો હતો. આમ આ દિવાળીમાં તેમણે પોતાનો જ આગલો રેકોર્ડ તોડયો હતો.

શનિવારે આખો દિવસ અને રાત વિષ્ણુ પ્રભાકર ઢોસા બનાવતા રહ્યા હતા અને કતારમાં ઉભેલા લોકો ખાતા જતા હતા.

વિષ્ણુ પ્રભાકરે અને પાકકલા સંબંધિત ૩૦ રેકોર્ડ કર્યા છે. અમરાવતીમાં નોંધાયેલા રેકોર્ડ સાથે વિક્રમની સંખ્યા ૩૧ થઈ છે. ભારતીય વાનગીઓ અને પાકકલાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળે એ આશાયથી તેઓ જુદા જુદા વિક્રમો નોંધાવતા રહે છે.