કામમાં ખલેલ બદલ મહિલાનો વિડીયો ઉતાર્યો તો નોકરી ગઈ, હાઈકોર્ટ વહારે આવી

નાબાર્ડ દ્વારા ફરજીયાત નિવૃત્તિની સજાને હાઈકોર્ટે રદ કરી
ઓફિસમાં ગપસપ કરી ગીતો ગાતી મહિલાનો વિડીયો ઉતારજો જાતીય સતામણી નથી તેવું કમિટીએ ઠરાવ્યા છતાં સજા થઈ હતી
મુંબઈ - ઓફિસમાં મહિલા કર્મચારી સાથે બેસીને હસીને ગપસપ કરીને તથા ગીતો ગાઈને કામના કલાકોમાં ખલેલ પહોંચાડતી હોવાથી તે બદલ તેનું વિડીયો રેકોર્ડિંગ કરનારા નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રુરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના એક કર્મચારીને અધિકારીને ફરજિયાત રજા પર ઉતારી દેવાના બેન્કના નિર્ણયને હાઈકોર્ટ દ્વારા રદ કરાયો હતો.
બેન્કની કેન્દ્રીય ફરિયાદ નિવારણ સમિતીએ બેન્કના કર્મચારી ડો. મોહિન્દર કુમાર દ્વારા મહિલા કર્મચારીનાં વર્તનનો વિડીયો ઉતારવાની ચેષ્ટા કાર્યસ્થળ પર મહિલાઓના જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, ૨૦૧૩ (પોશ) હેઠળ નિર્ધારિત 'જાતીય સતામણી' સમાન નથી તેમ ગણાવ્યું હતું. જોકે, કમિટીએ તેનાથી આગળ વધીને આ કર્મચારી સામે દંડનીય કાર્યવાહી કરવાની ભલામણ કરી દીધી હતી. વિડીયો શૂટ કરવાનું કૃત્ય જાતીય સતામણી ન હતું પરંતુ વાજબી આચરણ પણ ન હતું તેમ સીસીસીએ ઠરાવ્યું હતું. આ ભલામણોને ધ્યાનમાં રાખીને, નાબાર્ડના ચીફ જનરલ મેનેજરે કુમારને 'ફરજિયાત નિવૃત્તિ' કરવાનો આદેશ આપ્યો હતો.
સીસીસીના તારણો અને સક્ષમ અધિકારી દ્વારા સજાને પડકારતા, કુમારે પોશ કાયદાની કલમ ૧૩(૨) પર આધાર રાખ્યો હતો જે જોગવાઈ કરે છે કે જ્યારે આંતરિક ફરિયાદ સમિતિ (આઈસીસી) એવા નિષ્કર્ષ પર પહોંચે છે કે કોઈ વ્યક્તિ સામેના આરોપો સાબિત થયા નથી, ત્યારે તેણે નોકરીદાતાને ભલામણ કરવી પડશે કે ઉપરોક્ત બાબતમાં કોઈ કાર્યવાહીની જરૃર નથી. કેસની હકીકતોને ધ્યાનમાં લેતા, ન્યાયાધીશોએ ૧૨ જાન્યુઆરીના તેમના આદેશમાં જણાવ્યું હતું કે, સક્ષમ અધિકારી દ્વારા ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ લાદવામાં આવેલી સજાના આદેશને વાંચ્યા પછી, એ સ્પષ્ટ થાય છે કે શિસ્ત સત્તાવાળાએ ફક્ત સીસીસી દ્વારા કરવામાં આવેલી ભલામણના આધારે સજા કરી છે.
સીસીસીએ જાતીય સતામણીની ફરિયાદોને સંબોધવા માટે ખાસ રચાયેલી સમિતિ છે, તેથી એકવાર સમિતિ એવાં તારણ પર આવી કે અરજદારનું વર્તન 'જાતીય સતામણી' નથી, તો તે અરજદાર સામે કોઈ કાર્યવાહી કરવાની ભલામણ કરી શકતી ન હતી. તેણે ફરિયાદ બંધ કરીને મામલો ફગાવી દેવાની જ જરુર હતી.
બોમ્બે હાઈકોર્ટ બેન્ચે કહ્યું કે, આ કેસમાં સીસીસીએ તેની સત્તાની બહાર કામ કર્યું છે. સીસીસીએ અરજદાર સામે યોગ્ય પગલાં લેવા માટે સક્ષમ અધિકારીને ભલામણ કરીને તેના અધિકારક્ષેત્રની સીમા ઓળંગી છે. તેવી જ રીતે, સીસીસીની ભલામણ પર કાર્ય કરીને, સક્ષમ અધિકારીએ તેમના મનનો ઉપયોગ કર્યા વિના અથવા કોઈપણ સ્વતંત્ર તપાસ કર્યા વિના સજા લાદીને ભૂલ કરી છે, તેથી ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૦ ના રોજ ચીફ જનરલ મેનેજર અને સક્ષમ અધિકારી દ્વારા પસાર કરાયેલ આદેશ રદ કરવા પાત્ર છે.




