Mumbai

પતિ માટે કિડની મેળવી આપવાના બહાને પત્ની સાથે 31 લાખની છેતરપિંડી

By GS Team
8 May 20262 mins read
પતિ માટે કિડની મેળવી આપવાના બહાને પત્ની સાથે 31 લાખની છેતરપિંડી

પત્નીએ પતિને કિડની આપી પણ  ટ્રાન્સપ્લાન્ટ ફેઈલ ગયું

ઉલ્હાસનગરની હતાશ મહિલા સાથે ડોકટરે જ એક ગેંગનો પરિચય કરાવ્યોઃ પૈસા લીધા બાદ પણ  ડોનર ન મેળવી અપાયાઃ મોટું રેકેટ હોવાની શંકા

મુંબઈ -  ઉલ્હાસનગરમાં પતિનો જીવ બચાવવા માટે પત્નીએ પોતાની કિડનીનું દાન કર્યું હતું પરંતુ કમનસીબે  નસીબે સાથ ન આપતાં કિડની ટ્રાન્સપ્લાન્ટ ફેઈલ ગયું હતું. ત્યારબાદ હતાશામાં સરી પડેલી મહિલાને અન્ય ડોનરની કિડની મેળવી આપવાના બહાને તેની પાસેથી ૩૧ લાખ રુપિયા પડાવી લેવાયા હોવાની ફરિયાદ થઈ છે. મહિલાના ફેમિલી ડોકટરે જ આ કિડની ટ્રાન્સપ્લાન્ટના નામે છેતરપિંડી કરતી ગેંગનો સંપર્ક કરાવ્યો હોવાનો પણ આરોપ મૂકાયો છે.

 વિઠ્ઠલવાડી પોલીસે ડાક્ટર સહિત સાત  લોકો સામે કેસ નોંધ્યો છે, અને આ ગુનાના તાર ઓડિશા રાજ્ય સુધી ફેલાયેલા હોવાનું માનવામાં આવે છે. જોકે, કેસમાં આરોપી દર્શાવાયેલા ડોક્ટર સામે પોલીસે હજુ કોઈ કાર્યવાહી કરી નથઈ અને તેનું ક્લિનિક પણ ચાલુ છે. પોલીસ  દ્વારા કોઈ આરોપીની ધરપકડ નહિ કરાતાં તપાસમાં ઢીલાશના પણ આક્ષેપો થઈ રહ્યા છે.

 પ્રાપ્ત વિગત અનુસાર ઉલ્હાસનગરના ચિંચપાડા વિસ્તારમાં રહેતી દિપાલી ચવ્હાણના પતિની કિડની ફેલ થઈ જતાં, દિપાલીએ પોતાની કિડની તેના પતિને દાન કરી હતી.જોકે, કમનસીબે, તેમાં ચેપ લાગ્યો હતો. આથી ટ્રાન્સપ્લાન્ટ ફેઈલ થઈ ગયું હતુ.ં

દિપાલીનો પતિ હજુ પણ મોત સામે લડી રહ્યો હોવાથી ફેમિલી ડોકટર ગૌરવ ધર્મા નાયરે તેનો   મોસમી બિશ્વાસ, જયદેવ બિશ્વાસ અને અન્ય સાથીઓનો પરિચય કરાવ્યો. આ ગેંગે ૨ જુલાઈ,૨૦૧૫ થી ૭ માર્ચ, ૨૦૧૬ દરમિયાન સમયાંતરે દિપાલી પાસેથી કિડની ડોનર મેળવી આપવા અને સર્જરી માટે રોકડ અને ઓનલાઈન  સ્વરૃપમાં ૩૧.૬૭ લાખ રૃપિયા લીધા હતા. આ રકમ લીધા બાદ પણ કોઈ કિડની ડોનરની વ્યવસ્થા થઈ નહોતી કે ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું નહોતું.

આથી દિપાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસને શંકા છે કે આ કોઈ મોટું કિડની રેકેટ હોઈ શકે છે. . બીજી તરફ આરોપી ડાક્ટરે માધ્યમોને  જણાવ્યું હતું કે  આ કેસમાં તેનો કોઈ હાથ નથી. તેણે ફક્ત કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે મહિલાની ઓળખાણ એક વ્યક્તિ સાથે કરાવી આપી હતી. જ્યારે છેતરપિંડી થઈ હોવાનું જણાયું ત્યારે તેણે જ સામેથી મહિલાને પોલીસમાં ફરિયાદ કરવાની સલાહ આપી હતી. તેમ છતાં પોલીસે  તેનું નામ આરોપી તરીકે નોંધ્યું હતું.