વિરાર રમાબાઈ એપા. દુર્ઘટનાનું એક વર્ષ ઃ ૧૦ સામે ચાર્જશીટ, ૩ આરોપીનાં મોત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વસઈ વિરાર મહાપાલિકાના બે અધિકારીઓ પણ આરોપી
ઈમારત જોખમી હોવા છતાં ખાલી કરાવાઈ ન હતીઃ ૧૭ મૃતકોના પરિવારજનોના આંસુ હજુ અટક્યાં નથી
મુંબઈ - વિરારના વિજયનગર વિસ્તારમાં આવેલી ચાર માળની અનધિકૃત ઇમારત રમાબાઈ એપાર્ટમેન્ટ ધરાશાયી થવાની કરુણ દુર્ઘટનાને બુધવારે એક વર્ષ પૂર્ણ થયું છે. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ બનેલી આ ઘટનામાં ૧૭ લોકોનાં મોત થયા હતા, જ્યારે નવ લોકો જખમી થયા હતા. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ દસ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં વસઈ-વિરાર મહાનગરપાલિકાના બે આસિસ્ટન્ટ કમિશનરનો પણ સમાવેશ છે. જોકે, ત્રણ આરોપીઓના મૃત્યુ થતાં તેમના નામ ચાર્જશીટમાંથી બાકાત કરવામાં આવ્યા છે.
રમાબાઈ એપાર્ટમેન્ટ ચાર માળની અનધિકૃત ઇમારત હતી, જેમાં બાવન ફ્લેટ અને ચાર ગાળાઓ આવેલા હતા. પોલીસ તપાસ મુજબ, મુખ્ય આરોપી અને ડેવલપર ૪૮ વર્ષના નીતલ સાનેએ મૂળ જમીનમાલિક પાસેથી જમીન ખરીદીને ઇમારતનું બાંધકામ કરાવ્યું હતું. વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૨ દરમિયાન બનેલી આ ઇમારત માટે જરૃરી પરવાનગીઓ લેવામાં આવી ન હોવાનું અને બાંધકામ દરમિયાન કોઈ આકટેક્ટ કે એન્જિનિયરની યોગ્ય સલાહ લેવામાં આવી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.
થોડા જ વર્ષોમાં ઇમારત જોખમી બની ગઈ હતી. મહાનગરપાલિકા દ્વારા ઇમારતને ત્રણ વખત નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં તેને ખાલી કરાવવામાં આવી નહોતી. ગણેશોત્સવના પ્રથમ દિવસે, ૨૬ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ ઇમારત અચાનક ધરાશાયી થઈ હતી અને અનેક પરિવારો માથે આભ તૂટી પડયું હતું.
૧૧૯ સાક્ષીઓના નિવેદન બાદ ૨૫૦૦ પાનાની ચાર્જશીટ
આ ગંભીર દુર્ઘટનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ-ત્રણ ને સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે ૧૧૯ સાક્ષીઓના નિવેદનો નોંધ્યા બાદ કોર્ટમાં અંદાજે ૨,૫૦૦ પાનાની ચાર્જશીટ રજૂ કરી હતી. આ કેસના આરોપીઓમાં ડેવલપર નીતલ સાને ઉપરાંત જમીનમાલિક પરશુરામ દલવી, સદાશિવ દલવી, વિજયા પરશુરામ દલવી, તેમની પુત્રી શુભાંગી ભોઈર, સંધ્યા પાટિલ તેમજ તેમના જમાઈ સુરેન્દ્ર ભોઈર અને મંગેશ પાટિલનો સમાવેશ છે. આ ઉપરાંત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર ગિલસન ઘોંસાલ્વેસ અને સુભાષ જાધવ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
સ્ટ્રક્ચરલ ઓડિટમાં ઇમારત જોખમી હોવાનું બહાર આવ્યું..
ઇમારતના સ્ટ્રક્ચરલ ઓડિટમાં તેને સીટુબી શ્રેણીમાં, એટલે કે અત્યંત જોખમી સ્થિતિમાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમ છતાં ઇમારત ખાલી કરાવવામાં આવી ન હોવાનો આરોપ છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ઇમારતના રહેવાસીઓને ઘરભાડું ચૂકવવામાં આવ્યું હતું અને પાણીનું જોડાણ પણ ચાલુ રાખવામાં આવ્યું હતું.
આ કેસમાં આસિસ્ટન્ટ કમિશનર ગિલસન ઘોંસાલ્વેસની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અન્ય આસિસ્ટન્ટ કમિશનર સુભાષ જાધવને આગોતરા જામીન મળ્યા હતા. એક વર્ષ બાદ પણ રમાબાઈ એપાર્ટમેન્ટ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ૧૭ લોકોની યાદ પરિવારજનો અને વિરારના રહેવાસીઓ માટે આજે પણ તાજી છે. હવે આ કેસમાં આગળની કાનૂની કાર્યવાહી અને મૃતકોના પરિવારજનોને ન્યાય ક્યારે મળે છે તેના પર સૌની નજર છે.




