Mumbai

શોલેના જેલર પીઢ અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન

By GS TEAM
21 Oct 20251 min read
શોલેના જેલર પીઢ અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન

અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું     

અસંખ્ય  હિંદી ફિલ્મોમાં કોમેડી અને ચરિત્ર ભૂમિકા ભજવી, ફિલ્મ  નિર્માણ પણ કર્યું હતું

મુંબઈ -  વિખ્યાત ફિલ્મ અભિનેતા અસરાનીનું ૮૪ વર્ષની વયે નિધન થયું છે.  'શોલે' ફિલ્મમાં જેલરની ટૂંકી પણ યાદગાર ભૂમિકા તેમણે ભજવી હતી. જોકે, તે સિવાય  પણ અસરાનીએ અનેક સુપરહિટ ફિલ્મોમાં કોમેડી અને ચરિત્ર ભૂમિકા ભજવી હિંદી સિનેમામાં પુષ્કળ પ્રદાન આપ્યું હતું. તેમણે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. 

મૂળ જયપુરના વતની અસરાનીનું મૂળ આખું નામ ગોવર્ધન અસરાની હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. આજે બપોરે ચાર વાગ્યે તેમણે અંતિમ   શ્વાસ લીધા હતા. 

તેમણે અનેક હિંદી ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હિંદી સિને જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. શોલે ઉપરાંત મેરે અપને, બાવર્ચી, ચુપકે ચુપકે, પરિચય, અભિમાન, છોટી સી બાત, રફુચક્કર સહિતની ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ યાદગાર છે.  તેમણે  ફિલ્મ નિર્માણ પર પણ હાથ અજમાવ્યો હતો અને ચલા મુરારી હિરો બનને નામની ફિલ્મ બનાવી હતી. હજુ છેક તાજેતરનાં વર્ષો સુધી અસરાની ફિલ્મોમાં સક્રિય હતા. તાજેતરની ધમાલ ફિલ્મ સીરિઝમાં પણ તેમની ભૂમિકા લોકોએ પસંદ કરી હતી.