Mumbai

ઉદ્ધવ જૂથમાં બળવો નક્કી પરંતુ કાનૂની ભાંજગડમાં જાહેરાત અટકી

By GS Team
18 Jun 20263 mins read
ઉદ્ધવ  જૂથમાં બળવો નક્કી  પરંતુ કાનૂની ભાંજગડમાં જાહેરાત અટકી

સાંસદોને ૫૦ કરોડ , કેસોમાં અનુકૂળ ચુકાદાની ઓફરનો રાઉતનો દાવો

ઉદ્ધવ જૂથે આજે સંસદીય દળની બેઠક બોલાવી વ્હિપ  જારી  કર્યો, સ્પીકરને પત્ર પાઠવી  બળવાખોર જૂથને માન્યતા ન આપવા માંગ કરી

છ બળવાખોર  સાંસદો દ્વારા મોડે સુધી કોઈ જાહેરાત નહિ , જોકે, સ્પીકરને    શિવસેના યુબીટી છોડવા  બાબતેનો પત્ર અપાઈ ચૂક્યાની ચર્ચા

મુંબઈ   બાળ ઠાકરેએ સ્થાપેલી શિવસેનાનો આગામી તા. ૧૯મી જૂને સ્થાપના દિન ઉજવાય તે પહેલાં જ ઉદ્ધવ ઠાકરેને વધુ એક ફટકા રુપે પક્ષના છ સાંસદો પક્ષ છોડી રહ્યાનું આજે સ્પષ્ટ બની ગયું  હતું. ઉદ્ધવ સેનાએ આવતીકાલે  પક્ષના સંસદીય દળની  બેઠક બોલાવી છે અને તેમાં તમામ સાંસદોને હાજર રહેવા  વ્હિપ પાઠવ્યો છે. આ સાથે જ ઉદ્ધવ સેનાએ લોકસભા સ્પીકરને એક પત્ર પાઠવી બળવાખોર જૂથને  માન્યતા નહિ આપવા જણાવ્યું  હતું. બીજી તરફ બળવાખોર સાંસદો દ્વારા આજે મોડે સુધી પક્ષ છોડવા બાબતે  કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ ન હતી. જોકેબળવાખોરો લોકસભા સ્પીકરને મળી  પોતે  શિવસેના યુબીટી છોડી દીધી  હોવાનો પત્ર પાઠવી ચૂક્યા છે એમ ચર્ચાય છે.

રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે કે 'ઓપરેશન ટાઈગર' પૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ કેટલીક કાનૂની બારીકીઓને કારણે સત્તાવાર જાહેરાત અટકી છે. મોટાભાગે તા. ૧૯મીએ શિવસેનાના સ્થાપના દિવસ પહેલાં જ સમગ્ર ઓપરેશન આટોપી લેવાશે તેમ કહેવાય છે.

આજે ઉદ્ધવ જૂથના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે આરોપ મૂક્યો હતો કે પક્ષના સાંસદોને રાજ્યનાં જુદાં જુદાં શહેરોમાં ખાનગી પ્લેન મોકલી દિલ્હી બોલાવી લેવાયા છે અને ૫૦-૫૦ કરોડ રુપિયાની તથા કાનૂની કેસોમાં અનુકૂળ ચુકાદા સહિતની ઓફરો થઈ છે. ઉદ્ધવ સેનાએ લોકસભાના સ્પીકર સમક્ષ પણ એક કેવિયેટ કરી બળવાખોર જૂથને માન્યતા આપતાં પહેલાં તેમની રજૂઆત સાંભળવા જણાવ્યું હતું. આજે દિલ્હીમાં રાઉતે યોજેલી પત્રકાર પરિષદમાં ફક્ત ત્રણ જ સંસદસભ્ય અનિલ દેસાઈ, અરવિંદ સાવંત તથા રાજાભાઉ વઝે હાજર રહ્યા હતા.   જ્યારે સસંજય જાધવ (પરભણી), સંજય દેશમુખ (યવતમાળ-વાશિમ), નાગેશ પાટિલ અષ્ટિકર (હિંગોલી), ઓમરાજે નિમ્બાલકર (ધારાશિવ), ભાઈસાહેબ વાકચૌરે (શિરડી) અને સંજય દિના પાટિલ (ઉત્તરપૂર્વ મુંબઈ) પક્ષ છોડવાનું નક્કી કરી ચૂક્યા હોવાનું કહવાય છે.

હવે આવતીકાલે યોજાનારી શિવસેના યુબીટીની સંસદીય દળની  બેઠકમાં  આ સભ્યો ગેરહાજર રહે છે કે કેમ તેના પર સૌની  નજર છે. જોકે, કાનૂની નિષ્ણાતોના મતે વ્હિપ કેવળ ગૃહની અંદરની કાર્યવાહી  માટે જ લાગુ પડે છે. ગૃહની બહાર  સંસદીય દળની  બેઠક માટે વ્હિપ લાગુ  પડતો નથી.

બળવાખોર સાંસદોએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને આપેલા પત્રમાં તેઓ એક અલગ  જૂૂથ રચી રહ્યા હોવાનું  કહ્યું હોવાનો દાવો થઈ રહ્યો છે. જોકે, આજે આ સાંસદો કે સ્પીકરની કચેરી તરફથી પણ આ બાબતે કોઈ સમર્થન અપાયું ન હતું.

નાયબ સીએમ એકનાથ શિંદેએ ૨૦૨૨માં કરેલા બળવા પછી આ બીજા સૌથી મોટા બળવાના નાટકીય ઘટનાક્રમમાં ગઈકાલે રાત સુધીમાં તમામ સાંસદો અને ખુદ શિંદે  દિલ્હી પહોંચ્યા હતા. તેની સાથે સાથે ઉદ્ધવ  જૂથમાંથી રાઉત તથા અન્ય સાંસદો પણ દિલ્હી પહોંચ્યા હતા.

 પક્ષપલટા વિરોધી કાયદા મુજબ, સ્વતંત્ર જૂથ બનાવવા માટે ધારાસભ્યો અથવા સાંસદોની કુલ સંખ્યાના બે તૃતીયાંશ ભાગ જરૃરી છે. ઠાકરે જૂથ પાસે કુલ નવ સાંસદો છે. આમાંથી છ સાંસદોએ સ્વતંત્ર જૂથ બનાવ્યું છે. તેથી, આ જૂથને સત્તાવાર મંજૂરી મળી ગઈ  હોવાનું કહેવાય છે.  દરમિયાન, સાંસદ સંજય રાઉત, અરવિંદ સાવંત અને અનિલ દેસાઈ દિલ્હીમાં કાનૂની નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે અને લોકસભા સ્પીકર સમક્ષ બળવાખોરોને ગેરલાયક ઠેરવવાની રણનીતિ બનાવી રહ્યા છે.

 છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં ઓપરેશન ટાઈગરની ચર્ચા ચાલી રહી હતી. જોકે, દિલ્હીમાં ભાજપના નેતાઓએ આ ઓપરેશન માટે લીલી ઝંડી આપી ન હતી. આખરે, ૧૦ જૂને દિલ્હીમાં યોજાયેલી  એનડીએની બેઠક બાદ મંજૂરી અપાતાં ે દિલ્હીની એક હોટલમાં ઠાકરે જૂથના બળવાખોર સાંસદ એકનાથ શિંદેને મળ્યા, ત્યારબાદ ઓપરેશન ટાઈગરને ખરેખર વેગ મળ્યા  હતો.

         રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે અસંતુષ્ટ સાંસદોને આગામી લોકસભા ચૂંટણીમાં ટિકિટ, મંત્રીપદ અને વિકાસ કાર્યો માટે વિશેષ ફંડની ખાતરી આપવામાં આવી રહી છે.