સિમેન્ટ બ્લોક પડતાં યુવતીના મોત માટે બે સાઈટ એન્જિનિયરની ધરપકડ

કન્સ્ટ્રક્શન સાઈટ પર સલામતીના પગલાં લેવાયાં ન હતાં
જેગેશ્વરીમાં 22 વર્ષની યુવતી નવી મળેલી નોકરીએ જવા નીકળી ને બ્લોક પડતાં પ્રાણ ગુમાવ્યા હતા
પોલીસના જણાવ્યા મુજબ, ૨૨ વર્ષીય સંસ્કૃતિ અમીન જે તેના પરિવાર સાથે જોગેશ્વરી પૂર્વના મજાસવાડી વિસ્તારમાં રહેતી હતી અને તેણે હોટલ મેનેજમેન્ટનો કોર્ષ પૂર્ણ કરીને ચારથી પાંચ દિવસ પહેલા જ ગોરેગાવના આરબીએલ બેંકમાં નોકરી મેળવી હતી.
તે બુધવારે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ કામ પર જવા માટે ઘરેથી નિકળી હતી. તે સમયે ધોબીઘાટ વિસ્તારમાં એક નિર્માણધીન ઈમારતમાં કામ ચાલી રહ્યું હતુ. સંસ્કૃતિ અહીંથી પસાર થતાં તેના માથા પર એક સિમેન્ટ બ્લોક પડયો હતો. જેથી તે બેભાન થઈને ત્યાં જ પડી ગઈ હતી. આ અંગે તેના પરિવારને જાણ થતાં જ તેઓ તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સંસ્કૃતિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે, સારવાર મળે તે પહેલા જ ભારે રક્તસ્ત્રાવને કારણે તેનું મોત નીપજ્યું હતું.
નિર્માણધીન સ્થળ પર બાંધકામ દરમિયાન સલામતીના પગલા જરુરી હતા. જો કે તે લેવામાં આવ્યા ન હતા. તેથી સંસ્કૃતિના પિતા અનિલે આ સંદર્ભમાં મેઘવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે નિર્માણધીન ઈમારતના બિલ્ડર, કોન્ટ્રાક્ટર, સુપરવાઈઝર વગેરે સામે કેસ નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.
વધુમાં આ અકસ્માત બાદ સ્થાનિકોએ નિર્માણધીન ઈમારત સામે આક્રોષ વ્યક્ત કર્યો હતો અને આ મામલે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
દરમિયાન પોલીસે કાર્યવાહી કરતા શનિવારે આ અકસ્માતના સંદર્ભમાં શનિવારે બંને સાઈટ એન્જિનિયરો ૨૯ વર્ષીય શંભુકુમાર પાસવાન અને ૩૯ વર્ષીય ગૌરવ સોંડાગરની ધરપકડ કરી હતી અને તેમની સામે સદોષ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. વધુમાં આ અકસ્માત માટે અન્ય કોણ જવાબદાર છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








