ગરમીને કારણે ફસાયેલાં કાચબા, અજગરને બચાવાયા

ગરમીથી પ્રાણી, પક્ષી , સરિસૃપોને માઠી અસર
દહીંસર અને મુલુન્ડના રહેણાંક વિસ્તારમાંથી બે અજગરનું રેસ્ક્યુ ઓપરેશન
મુંબઈ - વરસાદમાં વિલંબ વચ્ચે
સતત ગરમીથી અનેક પ્રાણી તથ પક્ષીઓ અને સરિસૃપોને પણ માઠી
અસર થઈ રહી છે. ગરમીની અસરમાં સપડાયેલાં ત્રણ કાચબા અને અજગરનું રેસ્ક્યુ કરાયું
હતું.
આંતરરાષ્ટ્રીય પ્રાણી સંરક્ષણ
સંસ્થા અમ્મા કેર ફાઉન્ડેશન અને પ્લાન્ટ એન્ડ એનિમલ વેલ્ફેર સોસાઇટી દ્વારા
મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી ત્રણ ભારતીય સ્ટાર ટોરટોઇઝ (કાચબા)ને ઉગારી લેવામાં
આવ્યા હતા. માટુંગા લેબર કેમ્પ વિસ્તારમાં એક કાચબાને ઉંદર કરડવાથી ઇજા થઈ હતી
જ્યારે મલાડ પશ્ચિમના સુંદરનગર વિસ્તારમાંથી બે કાચબાને બચાવવામાં આવ્યા હતા અને
તાત્કાલિક સારવાર આપવામાં આવતા જીવ બચી ગયો હતો.
પ્રાણીરક્ષક સંસ્થાના સ્વયંસેવકોએ મુલુન્ડ અને દહીંસરના રહેણાંક
વિસ્તારમાંથી બે અજગરને રેસ્ક્યુ કર્યા હતા. પ્રાણીરક્ષક સુનીશ સુબ્રમણ્યમે
જણાવ્યું હતું કે અસહ્ય ગરમીમાં અજગર અને બીજા સરીસૃપો ઠંડકવાળી જગ્યામાં ઘૂસી જાય
છે. સામાન્ય રીતે પાણીની ટાંકી અથવા તો બાથરૃમમાં પેસીને રાહત મેળવતા હોય છે. આવી
જ રીતે મુલુન્ડ અને દહીંસરના રહેણાંક વિસ્તારમાંથી બે અજગરને બચાવી લેવામાં આવ્યા
હતા અને મેડિકલ ચેકઅપ પછી જંગલમાં છોડી મૂકવામાં આવ્યા હતા.
ગરમીમાં પક્ષીઓ માળામાંથી પડી જતાં કે ઉડતાં ઉડતાં ડિહાઈડ્રેશનથી
પડી જતાં હોવાના કિસ્સા પણ નોંધાયા
છે.









