Mumbai

ફ્રોઝન ડેઝર્ટને રબડી તરીકે વેચવાનું તરકટઃ કાંદિવલીમાં દરોડો

By GS Team
13 Jun 20262 mins read
ફ્રોઝન ડેઝર્ટને રબડી તરીકે વેચવાનું તરકટઃ કાંદિવલીમાં દરોડો

રબડી કુલ્ફીમાં ભારોભાર પામ ઓઈલ અને સ્ટાર્ચ

લેબલ પર દર્શાવાયેલાં ઘટકો  કરતાં જુદી જ સામગ્રીઃ એફડીએ દ્વારા ૫૮ કિલો જથ્થો જપ્ત

મુંબઈ - મુંબઈના  કાંદિવલી (પશ્ચિમ)ના ચારકોપ વિસ્તારમાં અન્ન અને ઔષધિ પ્રશાસન (એફડીએ)એ ભેળસેળયુક્ત રબડી કુલ્ફી બનાવતી એક કંપની પર દરોડો પાડી  ૫૮.૪ કિલોગ્રામ રબડી કુલ્ફીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જેની બજાર કિંમત રુપિયા ૧૭,૪૦૦ હોવાનું જણાવાયું છે.

એફડીએને  મળેલી માહિતીને આધારે ચારકોપ સ્થિત કે.સી. એન્જિનિયરિંગ નામની  રબડી કુલ્ફી ઉત્પાદક કંપનીની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પામ તેલ અને સ્ટાર્ચ ધરાવતા 'ફ્રોઝન ડેઝર્ટ'ને રબડી કુલ્ફી તરીકે વેચાણ માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા. વધુમાં, ઉત્પાદનના પેકેટ પર દર્શાવેલી માહિતી અને વાસ્તવિક ઘટકો વચ્ચે વિસંગતિ મળી આવી હતી. સ્થળ પરથી લેબલ વગરનો ક્રીમનો જથ્થો પણ મળી આવ્યો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઉત્પાદનોમાં ગ્રાહકોને ગેરમાર્ગે દોરે તેવી માહિતી આપવામાં આવી હતી, જે અન્ન સુરક્ષા અને માપદંડ કાયદા-૨૦૦૬ની જોગવાઈઓનું ઉલ્લંઘન ગણાય છે. તેથી રબડી કુલ્ફી ઉપરાંત સંબંધિત ક્રીમનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ખાદ્ય પદાર્થોેના નમૂનાઓ વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે અને કાનૂની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.

તાજેતરમાં એફડીએ દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં ભેળસેળ અને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોે સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કમિશનર તુકારામ મુંઢેના કાર્યભાર સંભાળ્યા બાદ રાજ્યભરમાં અનેક દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કરોડો રૃપિયાના ભેળસેળયુક્ત અને પ્રતિબંધિત ખાદ્ય પદાર્થોે જપ્ત કરાયા છે