સતત 4થા દિવસે ટ્રાફિક જેમનો સિલસિલો શરૃ 30 થી 35 કિલોમીટર સુધી વાહનોની કતારો

નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ
મુંબઈ - મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સતત ચોથા દિવસે પણ યથાવત રહેતાં હજારો વાહનો કલાકો સુધી આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયાં હતાં. ત્રણ કિમીનું અંતર કાપતાં પણ છ થી આઠ કલાક લાગતા હોવાની ફરિયાદ વાહનચાલકોએ કરી હતી. કેટલાંય વાહનો ૧૨-૧૨ કલાક સુધી ટ્રાફિકમાં ફસાયેલાં રહેતાં તેના પ્રવાસીઓની હાલત કફોડી બની હતી. વર્સોવા બ્રિજથી વિરાર ફાટા વચ્ચે ભારે ટ્રાફિક જામ થયો હતો અને ૩૦થી ૩૫ કિમી સુધી વાહનોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. સંખ્યાબંધ એમ્બ્યુલન્સ, સ્કૂલ બસ પણ જામમાં ફસાઈ હતી. અસંખ્ય પ્રવાસીીઓ ટ્રાફિક જામને કારણે તેમની ટ્રેન અને ફલાઈટ્સ ચૂકી ગયા હતા. થાણે-ઘોડબંદર રોડની ખરાબ હાલતને કારણે છેલ્લા ચાર દિવસથી ઘાટ માર્ગ પર સમારકામ ચાલી રહ્યું છે. સત્તાવાળાઓએ ઘોડબંદર રોડ પર ભારે વાહનો માટે ત્રણ દિવસ પહેલાં નિયંત્રણો જાહેર કર્યાં હતાં પરંતુ તેના અમલ માટે અસરકારક તંત્ર ગોઠવાયું ંન હતું. આથી, અમદાવાદ નેશનલ હાઈવે પર સતત ચાર દિવસથી ટ્રાફિક જામની કપરી સ્થિતિ સર્જાઈ હતી. બુધવારે સવારથી જ વર્સોવા બ્રિજ અને વિરાર ફાટા વચ્ચે વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ટ્રાફિક જામ હવે ઢેકાલે-મનોર સુધી લંબાયો હતો. ગુજરાત-મુંબઈ વચ્ચે અવરજવર કરતાં વાહનો આ ટ્રાફિકમાં ફસાયાં હતાં. બહારગામથી આવતા લોકો ઉપરાંત પાલઘર, તારઘર, બોઈસરના ઔદ્યોગિક વિસ્તારોમાં કામ કરતા નોકરિયાતો, સ્થાનિક ગ્રામજનો, થાણે-વિરાર વચ્ચે અવરજવર કરતા લોકો પણ જામમાં ફસાયા હતા.
એક પ્રવાસી વરુણ સોનીએ કહ્યું હતું કે દસ મિનીટનું અંતર કાપતાં પણ બે કલાક લાગે છે. કેટલાંય વાહનો તો લાંબા સમય સુધી એક જ જગ્યાએ અટવાયેલાં રહેે છે. આ પરિસ્થિતિની કલ્પના નહિ હોવાથી લોકો પાણી કે ખોરાક લીધા વિના જ નીકળ્યા હતા તેમની હાલત વધારે કફોડી બની હતી. મહિલાઓ, વૃદ્ધો અને બીમાર લોકોએ કલાકો સુધી ટોઈલેટ ગયા વિના બેસવું પડતાં તેમની પરિસ્થિતિ અસહ્ય બની હતી. લોકો વાહનોમાંથી બહાર નીકળી ટોળાં જમાવી આક્રોશ વ્યક્ત કરતા નજરે જોવા મળ્યા હતા.
પ્રતિબંધ લદાયો પણ અમલ નહિ
રિપેર કાર્યને કારણે થાણે-ઘોડબંદર રોડ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, પ્રતિબંધના સમયગાળા દરમિયાન, આ ભારે વાહનો વિરાર ફાટાથી વર્સોવા બ્રિજ રૃટ પર આવી રહ્યા છે. આને કારણે ટ્રાફિક જામ વધવા લાગ્યો છે. નાગરિકોનો આરોપ છે કે પોલીસ સહિતની એજન્સીઓ આ પ્રતિબંધનો અમલ કરાવવામાં નિષ્ફળ જતાં આ હાલત સર્જાઈ છે.
ઓક્ટોબર 'હિટ'ની માઠી અસર
હાલ ગરમી વધતાં ટ્રાફિક જામમાં ફસાયેલા મુસાફરો અને શાળાના વિદ્યાર્થીઓને આ ઉનાળાની ભારે યાતના સહન કરવી પડી રહી છે. મુસાફરો માટે આવી ગરમીમાં કલાકો ટ્રાફિક જેમમાં રહેવું અસહ્ય બન્યંછ છે. એક ડ્રાઈવર યુગેશ પાટીલે જણાવ્યું હતું કે,બધા વાહનોમાં એર કન્ડીશનીંગ હોતું નથી. આ હાલતમાં કલાકો જામમાં ફસાયેલા રહેવામાં ભારે અકળામણનો સામનો કરવો પડયો હતો.
રો-રો પણ ફુલ..
નેશનલ હાઇવે પર અસંખ્ય ટ્રાફિક જેમથી બચવા લોકો વસઈ-ભાયંદર રો રો સેવા તરફ વળ્યા હતા. પરંતુ, ત્યાં સુધી પહોંચવા જ બે કિમી લાંબા લાઇન જોવા મળી હતી. તેમ જ રો રો પણ ફુલ જતી આવતી હોવાથી ત્યાં પણ લોકોએ લાંબી રાહ જોવી પડી હતી.









