પુત્રના ત્રાસથી કંટાળી ૮૪ વર્ષના પિતાની ટ્રેન સામે ઝંપલાવી આત્મહત્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વસઈના વૃદ્ધે નાયગાંવ સ્ટેશને ટ્રેન સામે ઝંપલાવ્યું
પુત્ર પિતાને માર મારતો હતો, જમવાનું પણ અપાતું ન હતું ઃ પુત્રીને સ્યુસાઈડ નોટ સોંપી નીકળ્યા
મુંબઈ - વસઈના સાંડોર વિસ્તારમાં રહેતા ૮૪ વર્ષીય વૃદ્ધે પુત્ર અને તેના સાથીની કથિત હેરાનગતિથી કંટાળીને નાયગાંવ રેલવે સ્ટેશન પર લોકલ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી છે. મૃતકની ઓળખ ગેબ્રિયલ ડોમિનિક કુટિનો તરીકે થઈ છે. આ મામલે તેમની પુત્રીની ફરિયાદના આધારે ભાયંદર જીઆરપી પોલીસે પુત્ર શામ કુટિનો અને તેના સાથી સાગર વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધ્યો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ગેબ્રિયલ કુટિનાને તેમનો પુત્ર શામ છેલ્લા કેટલાક વર્ષોથી નાની-નાની બાબતોમાં પિતાને કથિત રીતે હેરાન કરતો અને તેમની સાથે દુર્વ્યવહાર કરતો હતો. સતત હેરાનગતિથી કંટાળીને ગેબ્રિયલ થોડા સમય માટે પોતાની પુત્રી સાથે રહેવા જતા રહ્યા હતા. જોકે, મે ૨૦૨૬માં શામ અને તેના સાથી સાગરે તેમને ફરી ઘરે પરત લાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
ફરિયાદ મુજબ, ઘરે પરત આવ્યા બાદ પણ વૃદ્ધ સાથે કથિત રીતે હેરાનગતિ ચાલુ રહી હતી. તેમને યોગ્ય રીતે ભોજન આપવામાં આવતું નહોતું, ઘરની બહાર જવા દેવામાં આવતા નહોતા અને મારપીટ પણ કરવામાં આવતી હોવાનો આરોપ છે.
૨૮ સપ્ટેમ્બરની સવારે ગેબ્રિયલ પોતાની પુત્રીને મળ્યા હતા. તેમણે મોબાઇલ ફોન, આધારકાર્ડ, પાનકાર્ડ, રોકડ રકમ અને એક સુસાઇડ નોટ ધરાવતી બેગ પુત્રીને આપી હતી. સુસાઇડ નોટમાં પુત્ર શામ અને સાગરથી મળતા કથિત ત્રાસને કારણે આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેઓ નાયગાંવ રેલવે સ્ટેશન પહોંચ્યા અને લોકલ ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવી દીધું હતું.
મૃતકની પુત્રીએ પોલીસ ફરિયાદમાં વધુ ગંભીર આક્ષેપો કર્યા છે. થોડા દિવસ તેના ભાઈએ પિતાને માર માર્યો હોવાનો આરોપ છે. ઉપરાંત, ગેબ્રિયલ પુત્રી સાથે રહેતા હતા ત્યારે શામે બંધ ઘરના તાળાં તોડી બળજબરીથી ઘરમાં પ્રવેશ કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. અગાઉ પુત્રે પિતાને મારવા માટે બારીમાંથી લોખંડનો સળિયો ફેંક્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.




