Mumbai

ટાઈગર પર ફાયરિંગ કરી ભાગેલા ત્રણ કોટામાં ટ્રેનમાંથી પકડાયા

By GS Team
19 Oct 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર ફાયરિંગ કરનારા 3 આરોપીઓની રાજસ્થાનના કોટામાંથી ધરપકડ કરાઈ છે. જુહૂમાં થયેલા આ હુમલામાં રેહાન ઉર્ફે સુક્કાએ ગોળીઓ વરસાવી હતી, જ્યારે રિતિક કુમાર ઉર્ફે રોશને બાઈક ચલાવી હતી. ત્રીજો આરોપી ફૂલસિંહ પણ પકડાયો છે. પોલીસે CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેમને ટ્રેનમાંથી ઝડપી પાડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ટાઈગર પર ફાયરિંગ કરી ભાગેલા ત્રણ કોટામાં ટ્રેનમાંથી પકડાયા

મુંબઈ : બોલિવુડ અભિનેતા ટાઇગર શ્રોફ પર રવિવારની સાંજે મુંબઈના જુહૂમાં થયેલાં ફાયરિંગની ઘટનામાં ત્રણ આરોપીઓની રાજસ્થાનના કોટામાં ધરપકડ કરવામાં આવી છે. મૂળ હરિયાણાના રેહાન ઉર્ફે સુક્કાએ ટાઈગર પર ગોળીઓ વરસાવી હતી જ્યારે મૂળ બિહારના અને મુંબઈમાં રેપિડો રાઈડર તરીકે કામ કરતો રિતિક કુમાર ઉર્ફે રોશને બાઈક ચલાવવાની કામગીરી સંભાળી હતી. જોકે, ફૂલસિંહની ગન અણીના વખતે લોક થઈ જતાં ટાઈગર બચી ગયો હતો. ફૂલસિંહ સગીર હોવાનો દાવો અગાઉ કરાયો હતો પરંતુ મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે તે ૧૮ વર્ષનો છે.
જુહૂમાં ફાયરિંગ બાદ ત્રણેય આરોપી અંધેરી તરફ ભાગ્યા હતા. અંધેરી રેલવે સ્ટેશને પહોંચી તેમણે ત્યાંથી બોરીવલી જતી લોકલ ટ્રેન પકડી હતી. બોરીવલી ઉતરી ગયા બાદ તેઓ કેબ દ્વારા સુરત પહોંચ્યા હતા. સુરતથી તેઓ પુણે-જયપુર ટ્રેનમાં બેસી ગયા હતા. તેમણે અંધેરી સ્ટેશન પાસે બાઈક છોડી દીધી હતી તે પોલીસે જપ્ત કરી હતી. સીસીટીવી ફૂટેજ તથા ટેકનિકલ સર્વેલન્સ ઉપરાંત આંતરરાજ્ય પોલીસ સંકલન દ્વારા મુંબઈ પોલીસે ત્રણેયનું પગેરું મેળવ્યું હતું. રાજસ્થાન પોલીસને બાતમી આપી દેવાયા બાદ કોટા સ્ટેશને સ્થાનિક પોલીસે જાળ બિછાવી હતી. ટ્રેન આવી કે ગણતરીની મિનિટમાં પોલીસે ટ્રેનમાંથી ત્રણેયની ધરપકડ કરી હતી. કોટામાં તેમને અદાલત સમક્ષ રજૂ કરાતાં અદાલતે ત્રણેયને મુંબઈ લઈ જવા ટ્રાન્ઝિટ રિમાન્ડ આપ્યા હતા.
મુંબઈમાં ડીસીપી રાજતિલક રોશને મીડિયાને માહિતી આપતાં કહ્યું હતું કે ત્રણમાંથી એક આરોપી ૧૮ વર્ષનો છે અને બીજા બે બાવીસ વર્ષના છે. ઝડપાયેલા ત્રણમાંથી બેએ પાંચથી છ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. રિતિક કુમાર ઉર્ફે રોશન રેપિડો બાઈક રાઈડર હોવાથી તે બાઈક ચલાવવામાં કુશળ હતો અને તેને તમામ રસ્તાની માહિતી હતી. આથી તેણે બાઈક ચલાવી હતી. રિતિકે જ બોરીવલી પહોંચી ત્યાંથી એપ દ્વારા સુરતની કેબ બૂક કરી હતી. ડીસીપીએ જણાવ્યું હતું કે શૂટર દ્વારા ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ અંધેરી વિસ્તારમાંથી મળી આવી હતી.ત્રણ શંકાસ્પદો પાસેથી કોઈ શ મળી આવ્યું નથી. અમે આરોપીઓને રાજસ્થાનથી મુંબઈ લાવી રહ્યા છીએ.
ડીસીપીએ ે કહ્યું કે ટાઇગર શ્રોફ દ્વારા જીવના જોખમની કોઈ ફરિયાદ પહેલા મળી ન હતી. અભિનેતા પર ગોળીબાર કરવા પાછળનો હેતુ હજુ સુધી સ્પષ્ટ થયો નથી. શંકાસ્પદ હુમલાખોરોની પૂછપરછ કર્યા પછી અમે ગોળીબારનું ચોક્કસ કારણ જાણી શકીશું.
દેખીતી રીતે જ આરોપીઓએ બાઈક, લોકલ ટ્રેન, કેબ ફરી લાંબા અંતરની ટ્રેન એમ જુદા જુદા પરિવહન વિકલ્પોનો ઉપયોગ કરી તપાસ એજન્સીઓને ગૂંચવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ દિલ્હી, ગુજરાત અને રાજસ્થાન પોલીસ દળોની સક્રિય ટેકનિકલ અને ઓપરેશનલ સહાય સાથે ક્રાઈમ બ્રાન્ચની ૨૦ વિશેષ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલા ઝડપી આંતરરાજ્ય ઓપરેશનમાં ઘટનાના ૧૫ કલાકની અંદર રાજસ્થાનના કોટામાં ટ્રેનમાંથી ત્રણેયને ઝડપી લેવાયા હતા.
સુરતથી તેઓ પુણે-જયપુર ટ્રેનમાં બેઠા હતા. તેઓ ચોક્કસ કયાં કમ્પાર્ટમેન્ટમાં બેઠા છે તેની માહિતી પણ મુંબઈ પોલીસે મેળવી લીધી હતી. સચોટ માહિતીને આધારે કોટા પોલીસે ટ્રેનમાં તરત જ આ કમ્પાર્ટમેન્ટમાં પહોંચી ત્રણેયને પકડી લીધા હતા.
રિતિકે હુમલામાં વપરાયેલી બાઈક હજુ ગઈ ૧૧મી સપ્ટેમ્બરે જ ખરીદી હતી. તેણે તેના માલિકીના કાગળો પણ ટ્રાન્સફર કરાવ્યા ન હતા. ૨૦૨૨થી આ બાઈકની માલિકી અલગ અલગ ચાર લોકો વચ્ચે બદલાઈ હતી. રિતિકને બાઈક કોણે ઉપલબ્ધ કરાવી અને તેના પૈસા ક્યાંથી આવ્યા તેના આધારે પોલીસ આ ગોળીબારના સૂત્રધારો સુધી પહોંચી શકે છે.
ત્રણમાંથી બે આરોપીઓ એક જ સ્થળના રહેવાસી અને એકબીજાના પરિચિત હતા. સીસીટીવી ફૂટેજમાં કેપ પહેરેલો આરોપી દેખાયો છે તે રેહાન હતો. ગોળીબારમાં બે હથિયારોનો ઉપયોગ થયો હતો. અનેક રાઉન્ડ ફાયર થયા હતા. તમામ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો લગાડવામાં આવી છે. પોલીસ ગોળીબારની જવાબદારી લેતી લોરેન્સ બિશ્નોઈ ગેંગની સોશિયલ મીડિયા પોસ્ટની સત્યતા વિશે પણ હજુ તપાસ કરી રહી છે એમ ડીસીપીએ જણાવ્યું હતું. ટાઈગર શ્રોફને આ પહેલાં કોઈ દ્વારા ધમકી મળ્યાની કોઈ ફરિયાદ પોલીસ રેકોર્ડ પર નથી.