ટીઈટી પેપર લીક કેસમાં બિહાર અને હરિયાણાના ત્રણની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આરોપીઓ પાસેથી ચાર પ્રશ્નપત્રોના સેટ મળ્યા
આરોપીઓ દિલ્હીથી પેપર લઈને અહીં ૧.૫ કરોડમાં વેચવા આવ્યાનો ખુલાસોઃ તપાસ માટે એસઆઈટીની રચના
મુંબઈ - ભિવંડીના કોનગાંવ વિસ્તારમાં છટકું ગોઠવીને પોલીસે મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીઈટી) ૨૦૨૬ પેપર લીક કેસના સંબંધમાં ચાર પ્રશ્નપત્રોના સેટ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. આરોપીઓ આ પેપર ૧.૫ કરોડની કિંમતમાં વેંચવા માટે ભિવંડી પહોંચ્યા હતા.
પ્રાપ્ત માહિતી મુજબ, આ કેસમાં બિહારના રહેવાસી રાજીવ શાહ, આકાશ કુમાર અને હરિયાણાનો રહેવાસી ધીરજ કુમારની ધરપકડ કરવામાં આવી હતી. તો આ કેસનો મુખ્ય આરોપી હાલ ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ડેપ્યુટી પોલીસ કમિશનર (ઝોન આઈટી) દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ, ટીઈટી પરીક્ષા ૨૮ જૂન, ૨૦૨૬ ના રોજ મહારાષ્ટ્રના ૧,૦૨૮ પરીક્ષા કેન્દ્રો પર યોજાવાની હતી. જોકે, ચોક્કસ બાતમીના મળી હતી કે ત્રણ શખ્સો ટીઈટી પરીક્ષાના પેપરો વેચવા આવી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરતા કોનગાંવ વિસ્તારમાં છટકું ગોઠવ્યુ હતું અને શુક્રવારે સવારે ૧૧ વાગ્યે ત્રણેય આરોપીઓને પકડી પાડયા હતા.
કાર્યવાહી દરમિયાન અધિકારીઓએ આરોપીઓ પાસેથી ટીઈટી પરીક્ષાના પેપરના ચાર સેટ અને અનેક ડેબિટ તથા ક્રેડિટ કાર્ડ્સ મળી આવ્યા હતા. વધુમાં ત્રણેયના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા.પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમ ુજબ, આરોપીઓ આ પરીક્ષાના પેપર દિલ્હીથી લાવ્યા હતા અને ૧.૫ કરોડમાં આ પેપર વેંચવાના હોવાનું સામે આવ્યું હતું. જો કે, આ ડીલ પૂર્ણ થાય તે પહેલાં જ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. પરંતુ આ કેસનો મુખ્ય આરોપી હાલ ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત આરોપીઓ કોચિંગ કલાસ, પરીક્ષા એજન્ટ કે અન્ય કોઈ આ રેકેટમાં સંડોવાયેલ છે કે કેમ તે અંગે જાણવા માટે ૨૦ લોકોની ખાસ ટીમ બનાવીને તપાસ માટે વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી છે. આમાં આ પ્રશ્નપત્ર કોના દ્વારા અહીં પહોંચાડવામાં આવ્યું હતું અને આ ષડયંત્રમાં અન્ય કેટલા લોકોની સંડોવણી છે. આ પેપર કેટલા ઉમેદવારો સુધી પહોંચ્યું હતું. આ તમામ બાબતે તપાસ હાથ ધરવામાં આવી હતી.








