રાજ્યભરના હજારો શિક્ષકો આઝાદ મેદાન ઉમટયાઃ ૬૦ ટકા શાળા બંધ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

પગાર કપાશે તેવી ચિમકીને પણ શિક્ષકોએ અવગણી
એક દિવસના આંદોલનમાં વિદ્યાર્થીઓનું નુકશાન જોતી સરકાર શિક્ષકોને કાયમ બિન-શૈક્ષણિક કાર્યમાં વ્યસ્ત રાખે છે ત્યારે નુકશાન નથી દેખતી ઃ શિક્ષકોનો પ્રશ્ન
મુંબઈ - મહારાષ્ટ્રમાં ચૂંટણી સંબંધિત બૂથ લેવલ ઓફિસર (બીએલઓ)ની ફરજ સહિત વધતા બિન-શૈક્ષણિક કામના વિરોધમાં ગુરુવારે રાજ્યભરના હજારો શિક્ષકોએ એક દિવસના 'સ્કૂલ બંધ' આંદોલનમાં ભાગ લીધો હતો. સરકાર દ્વારા આંદોલનમાં જોડાનારા શિક્ષકોના એક દિવસના વેતન કાપવાની ચેતવણી આપવામાં આવી હોવા છતાં શિક્ષકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતર્યાં હતાં. મુંબઈના આઝાદ મેદાન ઉપરાંત વિવિધ જિલ્લાઓમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયા હતા અને શિક્ષક સંગઠનોના દાવા મુજબ રાજ્યની ૬૦ ટકાથી વધુ સરકારી અને અનુદાનિત શાળાઓ બંધ રહી હતી.
શિક્ષક સંગઠનોનું કહેવું છે કે, ચૂંટણી, વસતી ગણતરી અને અન્ય વહીવટી કામો સતત સોંપાતા હોવાથી શિક્ષકો વર્ગખંડથી દૂર રહે છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર થાય છે. ઉનાળાની રજાઓ દરમિયાન પણ અનેક શિક્ષકોને શૈક્ષણિક કામગીરીને બદલે સરકારી કામોમાં વ્યસ્ત રાખવામાં આવ્યા હતા, ત્યારબાદ શાળા શરૃ થતાં જ બીએલઓની ફરજ સોંપાતા અસંતોષ વધુ ઉગ્ર બન્યો હતો. અત્યારે એક દિવસના આંદોલનમાં સરકારને વિદ્યાર્થીઓનું નુકશાન દેખાય છે, પરંતુ દરરોજ બિન-શેક્ષણિક કાર્યમાં શિક્ષકોને વ્યસ્ત રાખતી સરકારને ત્યારે કેમ વિદ્યાર્થીઓનું નુકશાન દેખાતું નથી, એવો પ્રશ્ન પણ શિક્ષકોએ ઉઠાવ્યો હતો.
આંદોલન દરમિયાન શિક્ષકોએ બીએલઓની ફરજમાંથી સંપૂર્ણ મુક્તિ, ૨૦૧૩ પહેલાં નિયુક્ત થયેલા શિક્ષકોને ફરજિયાત ટીઈટીમાંથી છૂટ, હાલની સેવા આપતા શિક્ષકો માટે ટીઈટીની પદ્ધતિમાં ફેરફાર તેમજ જૂના પ્રમોશન અને સ્ટાફિંગ નીતિ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી હતી. શિક્ષક સંગઠનોનું કહેવું છે કે, વર્તમાન નીતિઓ વરિષ્ઠતાના સિદ્ધાંતને અનુરૃપ નથી અને લાંબા સમયથી પ્રલંબિત પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સરકાર નિષ્ફળ રહી છે.
સરકારે અગાઉ પરિપત્ર બહાર પાડી સ્કૂલ બંધ આંદોલનમાં ભાગ લેનારા શિક્ષકો સામે શિસ્તભંગની કાર્યવાહી અને એક દિવસના વેતન કાપવાની ચેતવણી આપી હતી. તેમ છતાં શિક્ષકોના મોટા પ્રમાણમાં મળેલા સમર્થનથી શિક્ષક વર્ગમાં સરકારની નીતિઓ પ્રત્યેનો અસંતોષ સ્પષ્ટ જોવા મળ્યો છે. હવે સરકાર અને શિક્ષક સંગઠનો વચ્ચે ચર્ચા દ્વારા આ પ્રશ્નોનો ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની નજર છે.









