૨૦૦ વર્ષ પછી પરિવારમાં પહેલી દીકરી જન્મતાં રથમાં બેસાડી ધામધૂમથી સ્વાગત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બીડમાં પુત્રી અવતરતા પરિવારમાં પર્વનો માહોલ
ચાર પેઢીથી પરિવારમાં કોઈ પુત્રીનું આગમન ન હતું થયું તેનો પરિવારને વસવસો હતો
મુંબઇ - એકવીસમી સદીમાં પણ જ્યારે ઘણાં પરિવારોમાં પુત્ર જન્મે એવી ઝંખના હોય છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એક પરિવારમાં ૨૦૦ વર્ષ પછી દીકરીનો જન્મ થતા માતા-પુત્રીને શણગારેલા રથમાં હોસ્પિટલથી ઘરે સરઘસાકારે લાવવામાં આવી હતી.
બીડના દહીફળે પરિવારમાં તો પુત્રીરત્નના આગમનને પગલે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. પુત્રીને ગાર્ગી નામ આપવામાં આવ્યું છે. ગાર્ગીના દાદાજી લીંબાજી દહીફળેએ આંખમાં હરખના આંસુ અને ગળગળા સાદે કહ્યું હતું કે અમે બહું ભાગ્યશાળી છીએ કે બે સદી બાદ પરિવારમાં દીકરીનો જન્મ થયો છે. છેલ્લી ચાર પેઢીથી અમારા ખાનદાનમાં કોઇ કન્યારત્નનો જન્મ નહોતો થયો એનો અમને વસવસો રહી ગયો હતો. દીકરી જન્મે એવી અમારી પ્રાર્થના ફળી છે. અમે પુત્રવધુને ઘરની દીકરીની જેમ જ રાખીએ છીએ. પુત્રવધુએ જ્યારે પુત્રીને જન્મ આપ્યો એવી ખબર પડતાની સાથે પરિવારમાં જાણે હરખની હેલી વરસી હતી.
ગાર્ગીની દાદી સુરેખા દહીફળેએ ઉમળકો દર્શાવતા કહ્યું હતું કે અમારા પરિવારમાં લક્ષ્મીજીનું આગમન થતા સહુએ તેને હોસ્પિટલમાંથી વાજતે-ગાજતે ઘરે લાવવાનો ફેંસલો કર્યો હતો. આમ અમે શણગારેલા રથમાં માતા-પુત્રીને બેસાડીને શાનદાર સરઘસ કાઢી ધૂમધામ સાથે ઘરે લાવ્યા હતા. ગાર્ગીના પિતાએ કહ્યું હતું કે સામાન્ય રીતે લોકો પુત્રની આશા રાખતા હોય છે પણ પુત્રી જન્મે એનો આનંદ અનેરો હોય છે. દીકરીને અમે કોમળ ફુલની જેમ ઉછેરશું.
સામાજિક કાર્યકર અનંત ઇંગળેએ પુત્રીના આગમનની ઉજવણીને બિરદાવતા જણાવ્યું હતું કે આજે સંકુચિત માનસવાળા ઘણાં લોકો દીકરીના જન્મ પ્રત્યે અણગમો દાખવતા હોય છે ત્યારે દહીફળે પરિવારે કન્યારત્નના જન્મને એક ઉત્સવ તરીકે ઉજવ્યોને સમાજમાં અનોખું ઉદાહરણ પૂરૃં પાડયું છે.




