Mumbai

200 વર્ષ પછી પરિવારમાં પહેલી દીકરી જન્મતાં રથમાં બેસાડી ધામધૂમથી સ્વાગત

By GS Team
3 Sep 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં દહીફળે પરિવારમાં 200 વર્ષ પછી દીકરીનો જન્મ થતા ખુશીનો માહોલ છવાયો છે. ચાર પેઢીથી પુત્રી ન હોવાનો વસવસો હતો, જે હવે દૂર થયો છે. ગાર્ગી નામ અપાયેલી બાળકી અને માતાને શણગારેલા રથમાં હોસ્પિટલથી ઘરે સરઘસ આકારે લાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પરિવારે ધામધૂમથી ઉજવણી કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

200 વર્ષ પછી પરિવારમાં પહેલી દીકરી જન્મતાં રથમાં બેસાડી ધામધૂમથી સ્વાગત
  • બીડમાં પુત્રી અવતરતા પરિવારમાં પર્વનો માહોલ
  • ચાર પેઢીથી પરિવારમાં કોઈ પુત્રીનું આગમન ન હતું થયું તેનો પરિવારને વસવસો હતો

મુંબઇ : એકવીસમી સદીમાં પણ જ્યારે ઘણાં પરિવારોમાં પુત્ર જન્મે એવી ઝંખના હોય છે ત્યારે બીજી તરફ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના એક પરિવારમાં ૨૦૦ વર્ષ પછી દીકરીનો જન્મ થતા માતા-પુત્રીને શણગારેલા રથમાં હોસ્પિટલથી ઘરે સરઘસાકારે લાવવામાં આવી હતી.
બીડના દહીફળે પરિવારમાં તો પુત્રીરત્નના આગમનને પગલે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. પુત્રીને ગાર્ગી નામ આપવામાં આવ્યું છે. ગાર્ગીના દાદાજી લીંબાજી દહીફળેએ આંખમાં હરખના આંસુ અને ગળગળા સાદે કહ્યું હતું કે અમે બહું ભાગ્યશાળી છીએ કે બે સદી બાદ પરિવારમાં દીકરીનો જન્મ થયો છે.
છેલ્લી ચાર પેઢીથી અમારા ખાનદાનમાં કોઇ કન્યારત્નનો જન્મ નહોતો થયો એનો અમને વસવસો રહી ગયો હતો. દીકરી જન્મે એવી અમારી પ્રાર્થના ફળી છે. અમે પુત્રવધુને ઘરની દીકરીની જેમ જ રાખીએ છીએ. પુત્રવધુએ જ્યારે પુત્રીને જન્મ આપ્યો એવી ખબર પડતાની સાથે પરિવારમાં જાણે હરખની હેલી વરસી હતી.
ગાર્ગીની દાદી સુરેખા દહીફળેએ ઉમળકો દર્શાવતા કહ્યું હતું કે અમારા પરિવારમાં લક્ષ્મીજીનું આગમન થતા સહુએ તેને હોસ્પિટલમાંથી વાજતે-ગાજતે ઘરે લાવવાનો ફેંસલો કર્યો હતો. આમ અમે શણગારેલા રથમાં માતા-પુત્રીને બેસાડીને શાનદાર સરઘસ કાઢી ધૂમધામ સાથે ઘરે લાવ્યા હતા. ગાર્ગીના પિતાએ કહ્યું હતું કે સામાન્ય રીતે લોકો પુત્રની આશા રાખતા હોય છે પણ પુત્રી જન્મે એનો આનંદ અનેરો હોય છે.
દીકરીને અમે કોમળ ફુલની જેમ ઉછેરશું.