રાજ્યના થર્ડ યરના ૮ થી ૯ લાખ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપ આપવાનો મોટો પડકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એનઈપીનો અમલ થઈ ગયો પણ પડકારો દૂર થયાં નથી
મુંબઈ સહિત રાજ્યભરની કૉલેજોનો મોટો પ્રશ્ન એ છે કે ઈન્ટર્નશિપ ક્યાં આપવી, આથી શિક્ષકોને પણ હવે આ બાબતે તાલીમ આપવામાં આવશે
મુંબઈ - રાષ્ટ્રીય શૈક્ષણિક નીતિ (એનઈપી) ૨૦૨૦ અંતર્ગત રાજ્યની જાહેર યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન મહાવિદ્યાલયોમાં કલા, વાણિજ્ય અને વિજ્ઞાાન પ્રવાહના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ૮થી ૯ લાખ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ એટલે કે કાર્યપ્રશિક્ષણની તક ઉપલબ્ધ કરાવવાનો મોટો પડકાર ઉચ્ચ શિક્ષણ વિભાગ સમક્ષ છે. આ વિદ્યાર્થીઓને કાર્યપ્રશિક્ષણ અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે પ્રાધ્યાપકોને પણ તાલીમ આપવામાં આવશે, તેવી માહિતી મહારાષ્ટ્ર રાજ્ય અધ્યાપક વિકાસ સંસ્થાના કાર્યકારી નિયામક ડૉ. શૈલેન્દ્ર દેવળાણકરે આપી હતી.
એનઈપી ૨૦૨૦ અનુસાર વિદ્યાર્થીઓને ડિગ્રીના સ્તરે જ રોજગારલક્ષી બનાવવા માટે તેમને ઉદ્યોગો, સંસ્થાઓ અને વિવિધ કાર્યક્ષેત્રોમાં જઈને કામનો પ્રત્યક્ષ અનુભવ અપાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. નવા ચાર વર્ષીય ડિગ્રી કોર્સની રચના અનુસાર ચોથું વર્ષ સંશોધન માટે રહેશે, જ્યારે ત્રીજા વર્ષ બાદ વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. તેથી ડિગ્રી કોર્સના છઠ્ઠા સત્રમાં વિદ્યાર્થીઓ માટે કાર્યપ્રશિક્ષણ પૂર્ણ કરવું જરૃરી રહેશે. રાજ્યમાં આ નીતિનો અમલ શરૃઆતમાં ૧૫૦થી વધુ સ્વાયત્ત (ઓટોનોમસ) મહાવિદ્યાલયોમાં કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ સંલગ્ન મહાવિદ્યાલયોમાં પણ નવો ડિગ્રી કોર્સ શરૃ કરવામાં આવ્યો છે. સંલગ્ન મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓની સંખ્યા મોટી હોવાથી ૮થી ૯ લાખ વિદ્યાર્થીઓને કાર્યપ્રશિક્ષણ અપાવવું મોટો પડકાર બનશે. આજે મુંબઈ શહેરમાં પણ અનેક મહાવિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને ઈન્ટર્નશીપ ક્યાં આપવી એ પ્રશ્ન શિક્ષકો અને વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે.
આ બાબતને પગલે વિદ્યાર્થીઓને તેમના સંબંધિત જિલ્લામાં કયા ક્ષેત્રોમાં કાર્યપ્રશિક્ષણની તક મળી શકે તેની માહિતીનો અહેવાલ તૈયાર કરીને તેનું સંકલન કરવામાં આવશે અને તેના આધારે પુસ્તક પ્રકાશિત કરવાની યોજના છે. આ માહિતીનો ઉપયોગ અન્ય મહાવિદ્યાલયો અને વિદ્યાર્થીઓને પણ થઈ શકશે. વિદ્યાર્થીઓ વ્યાવસાયિકો, ઉદ્યોગસાહસિકો, સંસ્થાઓ અથવા કંપનીઓ જેવી વિવિધ જગ્યાએ કાર્યપ્રશિક્ષણ પૂર્ણ કરીને તેનું પ્રમાણપત્ર રજૂ કરી શકશે, જેના કારણે તેમને પ્રત્યક્ષ કામનો અનુભવ મળશે. આ ઉપક્રમ માટે ઝારખંડ સરકાર સાથે કરાર કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉપરાંત, તામિલનાડુમાં પણ આવા જ પ્રકારની સંસ્થા ઊભી કરવા માટે સહયોગ અંગે એમએસએફડીએને પૂછપરછ કરવામાં આવી હોવાનું ડૉ. દેવળાણકરે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર રાજ્ય અધ્યાપક વિકાસ સંસ્થા શરૃ થયા બાદ છેલ્લા છ વર્ષમાં ૨૦ હજારથી વધુ પ્રાધ્યાપકોને તાલીમ આપવામાં આવી છે. તેમાં નેતૃત્વગુણો, કૃત્રિમ બુદ્ધિમત્તા, ટેક્નોલોજી અને બહુવિદ્યાશાખાકીય શિક્ષણ જેવા વિષયોનો સમાવેશ થાય છે.




