Mumbai

આઈઆઈટી બોમ્બેમાં ૫૭ દિવસથી ચાલતું વિદ્યાર્થી આંદોલન આખરે સમેટાયુ

By GS Team
15 Nov 20262 mins read
TukuTouch Logo
મુંબઈ IIT-બોમ્બેમાં 57 દિવસથી ચાલતું વિદ્યાર્થીઓનું ધરણાં આંદોલન આખરે સમેટાયું છે. વહીવટીતંત્ર સાથેની ચર્ચા બાદ વિદ્યાર્થીઓએ આ નિર્ણય લીધો. સાહિલ વાકોડેના મૃત્યુની તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જોકે વહીવટીતંત્રએ 30 વધારાના સલાહકારોની નિમણૂક સહિત અનેક પગલાં લેવાની ખાતરી આપી છે. વિદ્યાર્થીઓની મોટાભાગની અંગત વસ્તુઓ પરત કરાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આઈઆઈટી બોમ્બેમાં ૫૭ દિવસથી ચાલતું વિદ્યાર્થી આંદોલન આખરે સમેટાયુ

સાહિલ વાકોડેના મૃત્યુની તપાસના અહેવાલની હજીય વિદ્યાર્થીઓને પ્રતીક્ષા

૩૦ વધારાના સલાહકારોની નિમણૂક સહિત વિદ્યાર્થીઓની સુખાકારી માટે

અનેક પગલાં લેવાની વહીવટીતંત્રની ખાતરી, સંવાદ ચાલુ રહેશે

મુંબઈ - મુંબઈની ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી - બોમ્બે)માં છેલ્લા ૫૭ દિવસથી ચાલી રહેલું વિદ્યાર્થીઓનું ધરણાં આંદોલન આખરે સમેટાયું છે. વહીવટીતંત્ર સાથે થયેલી ચર્ચા બાદ વિદ્યાર્થીઓએ આ નિર્ણય લીધો છે. તેમની માગણીઓ પર યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી પણ આપવામાં આવી છે. ૧૮ સપ્ટેમ્બરથી 'જસ્ટિસ કોર્નર ૨.૦'ના બેનર હેઠળ આ આંદોલન શરૃ થયું હતું.

બીજા વર્ષના વિદ્યાર્થી સાહિલ વાકોડેના આત્મહત્યાના બનાવ બાદ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગયા મહિને પોલીસની કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલી વિદ્યાર્થીઓની મોટાભાગની અંગત વસ્તુઓ પરત કરવામાં આવી છે. તેમાં લેપટોપનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, આઈઆઈટી બોમ્બેના નિયામક પ્રા. શિરીષ કેદારે વિદ્યાર્થીઓને ઈ-મેઇલ મોકલીને તેમની માગણીઓ અંગે લેવાઈ રહેલાં પગલાંની માહિતી આપી હતી. જોકે, એક વિદ્યાર્થીનું લેપટોપ હજી પણ સત્તાધીશોના કબજામાં છે.

વિદ્યાર્થીઓની સુખાકારી અને કેમ્પસનું વાતાવરણ સુધારવા માટે વહીવટીતંત્રે અનેક પગલાં લેવાની ખાતરી આપી છે. માનસિક સ્વાસ્થ્ય સેવાઓ મજબૂત બનાવવા માટે ૩૦ વધારાના સલાહકારોની નિમણૂક કરવામાં આવશે. હોસ્ટેલના નિયમોની પણ સમીક્ષા થશે. વિદ્યાર્થીઓની ફરિયાદોનું ઝડપથી નિરાકરણ આવે તે માટે વ્યવસ્થામાં સુધારો કરાશે. મનોરંજનની સુવિધાઓ અને કેમ્પસના માળખાકીય વિકાસ પર પણ ધ્યાન આપવામાં આવશે. અનુસૂચિત જાતિ-જનજાતિ સેલની કામગીરી, હોસ્ટેલની સ્થિતિ અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટેની સેવાઓની સમીક્ષા કરવા અલગ સમિતિઓ રચવામાં આવી છે. પરીક્ષા અને શિસ્તભંગ સંબંધિત નિયમોમાં પણ ફેરફારની સમીક્ષા થશે. આ પ્રક્રિયાને વધુ પારદર્શક અને ન્યાયી બનાવવાનો હેતુ છે. વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને વહીવટીતંત્ર વચ્ચે સંવાદ વધારવા માટે પણ પ્રયાસો કરવામાં આવશે.

જોકે, ધરણાં સમેટાયાં હોવા છતાં વિદ્યાર્થીઓએ ન્યાય અને જવાબદારીની માગણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. સાહિલ વાકોડેના મૃત્યુ અંગે રચાયેલી આંતરિક તપાસ સમિતિના અહેવાલની તેઓ રાહ જોઈ રહ્યા છે. પોલીસ તપાસનાં તારણો પણ મહત્ત્વપૂર્ણ રહેશે. કેમ્પસમાં ભેદભાવ અટકાવવા અને શિસ્તભંગની કાર્યવાહીમાં પારદર્શિતા જાળવવાની વિદ્યાર્થીઓની માગણી યથાવત્ છે. બીજી તરફ, સાહિલનાં માતા-પિતાએ પણ પોતાનો વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. તેઓ ન્યાયપૂર્ણ તપાસ અને પોલીસ ફરિયાદમાં નામજોગ ઉલ્લેખ કરાયેલા પ્રાધ્યાપક સામે કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. આમ, ૫૭ દિવસના આંદોલનનો અંત આવ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓની માગણીઓનો અમલ હવે મુખ્ય મુદ્દો બન્યો છે.