વર્ષે 9 કરોડ પ્રવાસીની આવ-જા સાથે થાણે દેશનું સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ : દુનિયાના સહુથી મોટા રેલ નેટવર્કમાં ભારતીય રેલવેની ગણતરી થાય છે. જેમાં મોટા પાયે માલવાહનની સાથેસાથે લાખો દૈનિક પ્રવાસીઓ પ્રવાસ કરે છે. ભારતીય રેલવેએ આ પ્રવાસીઓની સંખ્યાના આધારે તેના ટોચના ૧૦૦ સૌથી વ્યસ્ત રેલવે સ્ટેશનોની યાદી બહાર પાડી છે. જેમાં થાણે સ્ટેશન દેશનું સૌથી વ્યસ્ત સ્ટેશન તરીકે ગણાયું છે. આ સ્ટેશને વર્ષે ૯.૩ કરોડ પ્રવાસીઓની અવરજવર થયાનું નોંધાયું છે.
થાણે સ્ટેશન રેન્કિંગમાં ટોચ પર રહ્યા બાદ ૮.૩ કરોડ પ્રવાસીઓ સાથે કલ્યાણ જંકશન બીજા સ્થાને નોંધાયું છે. ઉપરાંત આ યાદીના ટોચના ૧૦ સ્ટેશનોમાં સીએસટી, પનવેલ અને દાદરનો પણ સમાવેશ થાય છે. જ્યાં લોકલ સાથે બહારગામના પ્રવાસીઓની પણ અવરજવર થાય છે.
થાણે સ્ટેશને રોજની લોકલ તથા બહારગામની મળીને એક હજારથી વધુ ટ્રનો પસાર થાય છે. તેનો દૈનિક ફૂટ ફોલ સાડા છ લાખ પ્રવાસીઓનો હોવાનું મનાય છે.
થાણે રેલવે સ્ટેશન વૈશ્વિક અને ભારતીય રેલવે ઇતિહાસમાં પ્રખ્યાત છે. આ સ્ટેશનની સ્થાપના અને ઉદ્ધાટન ૧૬ એપ્રિલ, ૧૮૫૩ના રોજ થયું હતું, જે ભારતની પ્રથમ પેસેન્જર ટ્રેન માટે ડેસ્ટિનેશન ટમનસ તરીકે સેવા આપતું હતું. સુલતાન, સિંધ અને સાહિબ નામના ત્રણ સ્ટીમ લોકોમોટિવ દ્વારા દોડેલી ઐતિહાસિક ટ્રેન બોરી બંદરથી (હાલનું સીએસટી) રવાના થઈ અને ૩૪ કિ.મીના સેક્શનમાં ૪૦૦ લોકો સાથે થાણે પહોંચી હતી. આ ટ્રેનની સફરે એશિયામાં રેલવે યુગની શરૂઆત કરી હતી.
દાયકાઓ સુધી થાણે સ્ટેશન મુંબઈ બહાર અર્ધ-ગ્રામીણ પરિવહન મથક તરીકે કાર્યરત હતું. જોકે ઝડપી ઔદ્યોગિકીકરણ ત્યારબાદ રિયલ એસ્ટેટમાં ભારે તેજીના કારણે થાણે શહેર એક મુખ્ય રહેણાંક અને કમશયલ શહેરમાં ફેરવાયું અને રેલવે સ્ટેશન સેન્ટ્રલ અને ટ્રાન્સ-હાર્બર લાઇનોને જોડનારા વિશાળ મલ્ટી-લાઇન સ્ટેશનમાં રૂપાંતર થયું હતું. હવે આ સ્ટેશન પરની પ્રચંડ ભીડનું વિભાજન કરવા રેલવે દ્વારા થાણે અને મુલુંડ વચ્ચે એક નવું સ્ટેશન વિકસાવાઈ રહ્યું છે.




