Mumbai

ટીઈટીનું પેપર ફૂટતાં રવિવારે થનારી પરીક્ષા તાબડતોબ સ્થગિત કરાઈ

By GS Team
28 Jun 20262 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રમાં NEET પછી ફરી રાજ્યસ્તરીય શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) 2026નું પેપર લીક થયું છે. ભિવંડીમાં શનિવારે વહેલી પરોઢે કેટલાક શંકાસ્પદ લોકો પાસેથી પરીક્ષાના પ્રશ્નો મળતા કાઉન્સિલે તાત્કાલિક પરીક્ષા રદ કરી. 1028 કેન્દ્રો પર યોજાનારી આ પરીક્ષા રદ થતા લાખો ઉમેદવારો નિરાશ થયા છે. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટીઈટીનું પેપર ફૂટતાં રવિવારે થનારી પરીક્ષા તાબડતોબ સ્થગિત કરાઈ

મહારાષ્ટ્રમાં નીટ બાદ ફરી રાજ્ય સ્તરીય પરીક્ષાનું પેપર ફૂટયું

નીટના પેપર લીકને ધ્યાનમાં રાખી સંપૂર્ણ સુરક્ષા રખાઈ હોવા છતાં પેપર લીક થયું, લાખો આશાસ્પદ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું

મુંબઈ - નીટ પરીક્ષાના પેપર લીકનું પ્રકરણ હજી ભૂલાયું નથી ત્યાં રાજ્યસ્તરીય પરીક્ષાનું પેપર ફૂટયાનું સામે આવ્યું છે. મહારાષ્ટ્ર સ્ટેટ એક્ઝામિનેશન કાઉન્સિલ મારફતે રવિવારે ૨૮મી જૂનના સંપૂર્ણ રાજ્યમાં આયોજિત કરાયેલી શિક્ષક પાત્રતા પરીક્ષા (ટીઈટી) ૨૦૨૬ એકાએક સ્થગિત કરાઈ છે. ભિવંડીમાં શનિવારની વહેલી પરોઢે અમુક સંશયિતો પાસે આ પરીક્ષાના પ્રશ્નો પહોંચી ગયા હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ કાઉન્સિલે સુરક્ષાના ભાગ રુપે આ મોટો નિર્ણય લીધો છે. જોકે તેને કારણે અનેક આશાસ્પદ શિક્ષકોને નિરાશા મળી છે.  

પ્રાપ્ત માહિતીનુસાર, ૨૭મી જૂનને શનિવારની પરોઢે ભિવંડી પોલીસને એક ગુપ્ત માહિતીદાતા પાસેથી જાણવા મળ્યું હતું કે, ભિવંડીના કેટલાંક લોકો પાસે આગામી ટીઈટીના પેપર બાબતની માહિતી અને સામગ્રી છે. આ બાબતની ખાતરી થતાં જ ભિવંડી પોલીસે તત્કાળ ત્યાં છાપો માર્યો હતો.

છાપો મારીને પોલીસે ઝીણવટભરી તપાસ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદના અધિકારીઓને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. અધિકારીઓએ ઘટનાસ્થળેથી જપ્ત કરાયેલ સામગ્રી અને મૂળ પ્રશ્નપત્રની તપાસ કરતાં શંકાસ્પદ યુવાનો પાસેથી મળેલાં કેટલાંક પ્રશ્નો પ્રત્યક્ષ ટીઈટી પરીક્ષાના પ્રશ્નપત્રો સાથે શબ્દેશબ્દ મળતાં હતાં. આથી પેપર લીક થયાની જાણ થતાં જ ભિવંડી પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.

રાજ્યભરના ૧૦૨૮ કેન્દ્રો પર આ પરીક્ષા થવાની હતી. તાજેતરમાં જ થયેલી નીટ ૨૦૨૬ની ગેરરીતિને ધ્યાનમાં લઈ પરીક્ષા પરિષદે કડક સુરક્ષા વ્યવસ્થા રાખી હતી. તેમ છતાં પરીક્ષાના એક દિવસ પહેલાં આ કિસ્સો સામે આવતાં સર્વત્ર ખળભળાટ મચ્યો હતો. પરીક્ષા પરિષદના કમિશ્નરે માહિતી આપતાં જણાવ્યું કે, 'પરીક્ષા કોઈપણ પરિસ્થિતિમાં સંપૂર્ણ પાદર્શકપણે પાર પડવી જોઈએ એજ એક્ઝામિનેશન કાઉન્સિલનો મુખ્ય ઉદ્દેશ છે. આ પ્રકરણની ઝીણવટભેર તપાસ થવી અત્યંત જરુરી હોવાથી આવતીકાલે ૨૮ જૂનના રોજ થનારી પરીક્ષા પાછળ ધકેલવામાં આવે છે.'

અચાનક પરીક્ષા રદ્દ થતાં લાખો ઉમેદવારોને મોટો આંચકો લાગ્યો છે. દરમ્યાન ટીઈટી પરીક્ષાની નવી તારીખો બાબતે હજી એક્ઝામિનેશન કાઉન્સિલે કોઈ જાહેરાત કરી નથી. પરંતુ નવી તારીખ જલ્દી જ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે, એવું પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે.