મુંબઈમાં આઠ દિવસ પછી સૂર્યનાં દર્શનઃ ગરમી, બફારો વધ્યાં
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

હવે ૪ દિવસ વરસાદની શક્યતા ઓછી
મહાનગરનું જનજીવન ધબકતું થયું, રસ્તાઓ પર ટ્રાફિક જામઃ બેસ્ટ-લોકલોમાં રાબેતા મુજબની ભીડ
મુંબઇ - બરાબર આઠ દિવસના ઘનઘોર વરસાદી માહોલ બાદ આજે નવમા દિવસે મુંબઇના ગગનમાં ભગવાન સૂર્યનારાયણનાં તેજોમય દર્શન થયાં હતાં. આકાશમાં આદિત્યનારાયણના ઉદય સાથે જ સમગ્ર વાતાવરણમાં પ્રકાશ, ઉર્જા, સ્ફૂર્તિનો અનુભવ થયો હતો. સૂર્યપ્રકાશ ન હોય તો સમગ્ર વાતાવરણમાં અને આરોગ્ય પર કેવી વિપરીત અસર થાય તેનો અનુભવ મુંબઇગરાંએ ૨૦૨૬ના ચોમાસામાં કર્યો છે.
૩૦, જૂનથી ૭, જુલાઇ સુધી સતત આઠ દિવસની વરસાદી હેલી અને ૩ થી ૬, જુલાઇ એમ સતત ચાર ચાર દિવસની રેડ એલર્ટનો અનુભવ મુંબઇગરાંએ કદાચ ઘણા ઘણા દાયકા બાદ કર્યો હશે.
જોકે આ જ ભારે તોફાની વરસાદ સાથે મુંબઇ પર વરૃણ દેવની ભરપૂર કૃપા પણ વરસી હોય તેમ આઠ દિવસમાં ૬૧ ઇંચ વરસાદ વરસ્યો છે. મુંબઇને પીવાનં પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં પણ ૪૫ ટકા કરતાં પણ વધુ નવું પાણી જમા થયું છે.
હવામાન વિભાગના વરતારા મુજબ હવે મુંબઇમાં વરસાદી ચક્ર લગભગ શાંત થઇ ગયું છે. હમણાં આવતા ચાર દિવસ(૧૦થી ૧૩- જુલાઇ દરમિયાન મુંબઇમાં અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદી વાતાવરણ સર્જાય તેવાં કુદરતી પરિબળો નથી. હળવી- મધ્યમ વર્ષા થવાની શક્યતા છે.
આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૩૦.૫ અને લઘુત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી , જ્યારે સાંતાક્રૂઝમા મહત્તમ તાપમાન ૩૧.૪ અને લઘુત્તમ તાપમાન ૨૭.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આમ આજે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાનમાં ૨.૧ ડિગ્રી વધારો થયો હતો. હજી આવતા ૪૮ કલાક દરમિયાન મુંબઇમાં મહત્તમ તાપમાન ૩૨.૦ ડિગ્રી નોંધાય તેવી સંભાવના છે. આમ વરસાદી ભીનું વાતાવરણ ઓછું થવા સાથે વાતાવરણમાં ગરમી અને બફારાનો પણ અનુભવ થઇ રહ્યો છે.
આજે ૨૦૨૬ની ૯, જુલાઇએ ઇસરોના ઇન્સેટ - ૩ ડીએસ આઇએમજી સેટેલાઇટ દ્વારા મળેલી ઇમેજ( સાંજના ઃ ૪ ઃ ૩૦ ) માં અરબી સમુદ્ર પરના મુંબઇ નજીકના વિસ્તારમાં નહીંવત કહી શકાય તેટલાં વરસાદી વાદળો જોવા મળ્યાં હતાં. ઇમેજમાં કેરળથી છેક મુંબઇ સુધીના અરબી સમુદ્ર ની પટ્ટી પર પર બહુ જ ઓછાં વરસાદી વાદળો જોવા મળ્યાં છે.
આજે સવારથી જ મુંબઇનું આકાશ ઘણું સ્વચ્છ રહ્યું હતું. ગગનમાં વરસાદીવાદળો બહુ ઓછાં જોવા મળ્યાં હતાં. સમગ્ર વાતાવરણ સાફ રહ્યું હોવાથી મહાનગરનું જનજીવન પણ ફરીથી ધબકતું થઇ ગયું છે. રસ્તા પર, બેસ્ટની બસમાં, લોકલ ટ્રેનોમાં મુંબઇગરાંની રાબેતા મુજબની ભીડ જોવા મળી હતી.
૨૬/૭ બાદ મુંબઈગરાં ભારે વરસાદમાં કાંપે છે
ગઇ ૩૦, જૂને મુંબઇમાં વરસાદી તોફાન શરૃ થયું હતું. જોતજોતામાં તો વરસાદી તોફાને જાણે કે રૌદ્ર સ્વરૃપ ધારણ કર્યું હોય તેમ હવામાન વિભાગે મુંબઇમાં ૩,૪,૫,૬ --જુલાઇ એમ સતત ચાર ચાર દિવસ સુધી રેડ એલર્ટની ગંભીર ચેતવણી જારી કરી હતી. ખાસ કરીને ૬, જુલાઇએ તો મુંબઇમાં જાણે કે વરૃણ દેવની અને પવન દેવની પ્રચંડ થપાટ વાગી હોય તેમ ગાંડાતૂર વરસાદ સાથે ૭૦ -૮૦ કિલોમીટરની પ્રચંડ ગતિએ પવન ફૂંકાયો હતો. પરિણામે મુંબઇકરો એમ કહો કે રીતસર હેબતાઇ ગયાં હતાં.
ભૂતકાળમાં એટલે કે ૨૦૦૫ની ૨૬, જુલાઇએ આ જ મુંબઇનું આભ ફાટીને જાણે કે કટકા થઇ ગયું હોય તેવો ફક્ત ૨૪ કલાકમાં ૯૪૪ મિલિમીટર(૩૭.૭૨ ઇંચ) વરસાદ વરસ્યો હતો. મુંબઇમાં મેઘ તાંડવ સર્જાયું હતું. ૯૪૪ મિ.મિ. વરસાદમાં પણ ૬૪૪ મિ.મિ. ( ૨૫.૩૫ ઇંચ) વરસાદ ફક્ત ૧૨ કલાકમાં ખાબક્યો હતો. તે ધસમસતા વરસાદી પૂરમાં ૧,૦૦૦ કરતાં વધુ વ્યક્તિ કાં તો તણાઇ ગઇ હતી અથવા લાપતા થઇ ગઇ હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ થયા હતા. ૨૦૦૫ની ૨૬, જુલાઇના તે વરસાદી દુ ઃ સ્વપ્ન બાદ મુંબઇગરાંના તન-મનમાં વરસાદના નામ માત્રથી ભયનું લખલખું ફરી વળે છે.









