Mumbai

ઉનાળાની અસરઃ સરકારી અને મ્યુ. હોસ્પિટલોમાં લોહીની ખેંચ

By GS Team
20 May 20262 mins read
ઉનાળાની અસરઃ સરકારી અને મ્યુ. હોસ્પિટલોમાં લોહીની ખેંચ

સ્વયંસેવી સંસ્થાઓને બ્લ્ડ ડોનેશન કેમ્પ યોજવાની અપીલ

નેગેટિવ બ્લડની વ્યવસ્થા કરવા માટે સ્વજનોને દોડધામઃ ઉનાળામાં અનેક લોકો બહારગામ જતા રહેતા હોવાથી અસર

મુંબઇદર વખતની જેમ આ વખતે પણ ઉનાળાનું વેકેશન પડતાની સાથે જ લોહીના પુરવઠાની ખેંચ ઉભી થઇ છે. મુંબઇની સાર્વજનિક તેમ જ મ્યુનિસિપલ હોસ્પિટલોની બ્લડ બેન્કોમાં સંગ્રહાયેલો રક્ત પુરવઠો ચિંતાજનક સપાટીએ પહોંચી ગયો છે.

નેગેટીવ  બ્લડ ગુ્રપનો જથ્થો ઘણા ઠેકાણે ખલાસ થવા આવ્યો છે. દુર્લભ બ્લડ ગુ્રપનું લોહી મેળવવા માટે દરદીઓના  પરિવારજનોએ રક્તદાતાને શોધવા માટે દોડધામ કરવી પડે છે.

પરેલની કેઇએમ હોસ્પિટલમાં એકંદર ૬૫ યુનિટ લોહીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે મુંબઇ સેન્ટ્રલની નાયર હોસ્પિટલમાં ૧૧૧ યુનિટ લોહી બચ્યું છે. સાયન હોસ્પિટલની બ્લડ બેન્કમાં ૧૩૮ યુનિટ જ્યારે ભાયખલાની જે.જે. હોસ્પિટલમાં ૨૦૪ યુનિટ રક્ત ઉપલબ્ધ છે.

જી.ટી. હોસ્પિટલ, નાયર હોસ્પિટલ અને કૂપર હોસ્પિટલની બ્લડ બેન્કમાં પણ રક્તનો મર્યાદિત  જથ્થો બચ્યો હોવાની માહિતી સ્ટેટ બ્લડ ટ્રાન્સફ્યુઝન કાઉન્સિલે આપી હતી.

ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામાં લોકો બહારગામ જતા હોય છે એટલે લોહીની ખેંચ ઉભી થાય છે. પણ આ વખતે દર વર્ષ કરતાં સ્થિતિ વધુ ગંભીર જણાઇ રહી છે.

નાયર મ્યુનિસિપલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલી સીમા શાહ (નામ બદલ્યું છે) નામની મહિલા દરદીના ઓપરેશન વખતે ઓ-નેગેટીવ બ્લડની જરૃર પડતા તેના પરિવારજનોએ દોડધામ કરવી પડી હતી.

થેલેસેમિયા, સિક્લ સેલ, કેન્સર જેવી બીમારીથી ગ્રસ્ત દરદીને લોહીની બહુ જરૃર પડે છે. લોહી સમયસર ઉપલબ્ધ ન થાય તો ઘણી વાર જીવનું જોખમ ઉભું થાય છે.

સાર્વજનિક હોસ્પિટલો તરફથી સ્વયંસેવી સંસ્થાઓને રક્ત એકઠું કરકવા માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવાની અપીલ કરવામાં આવી છે.