Mumbai

પુત્રને ત્રાસ આપીને તેની હત્યા કરવામાં આવી હતી, અમને ન્યાય જોઈએ છે

By GS Team
20 Sep 20263 mins read
TukuTouch Logo
મુંબઈ: IIT બોમ્બેમાં 22 વર્ષીય સાહિલ વાકોડેની આત્મહત્યા બાદ તેના માતા-પિતાએ ત્રાસનો આરોપ લગાવ્યો છે. પવઈ પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો નોંધી, FIR દાખલ કરી છે. સાહિલ પરીક્ષામાં મોબાઈલ વાપરતા પકડાયા બાદ હોસ્ટેલ રૂમમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. આ ઘટનાથી કેમ્પસમાં ભારે વિરોધ પ્રદર્શનો થયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પુત્રને ત્રાસ આપીને તેની હત્યા કરવામાં આવી હતી, અમને ન્યાય જોઈએ છે

આઈઆઈટી બોમ્બેના વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં માતા-પિતાનો દાવો

ભારે વિરોધ પ્રદર્શન અને આરોપો બાદ પવઈ પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કર્યાનો ગુનો નોંધ્યો

મુંબઈ -     ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી (આઈઆઈટી) બોમ્બેના  બીજા વર્ષમાં અભ્યાસ કરતા બાવીસ વર્ષીય વિદ્યાર્થી સાહિલ વાકોડેની આત્મહત્યા  બાદ તેનપા માતાપિતાએ  સાહિલને ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આરોપ કરતાં પોલીસે આત્મહત્યા માટે પ્રવૃત્ત કર્યાનો ગુનો નોંધ્યો છે. સાહિલના પિતાએ અનેક લોકોના નામ આપ્યા છે એ તમામ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

 સાહિલના માતાપિતાએ આરોપ કર્યો હતો કે પરીક્ષા દરમિયાન કથિત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પકડાઈ ગયા બાદ  તેને ત્રાસ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેણે આખરે હોસ્ટેલ રૃમમાં પોતાનું જીવન સમાપ્ત કરવાનું કડક પગલું ભર્યું હતું.

   મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લાનો  વતની સાહિલ રવિન્દ્ર વાકોડે શુક્રવારે સાંજે પવઈ કેમ્પસમાં હોસ્ટેલ નંબર ચારમાં તેના રૃમમાં છતના પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

  સાહિલની માતા શાળામાં શિક્ષિકા છે, જ્યારે તેના પિતા બેંકમાં નોકરી કરે છે. સાહિલના મૃત્યુના સમાચાર સાંભળ્યા પછી તેના માતા-પિતા અને કાકા   મુંબઈ આવ્યા  હતા.  સાહિલની માતા આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની બાજુમાં બેઠેલા  જોવા મળ્યા હતા.

સાહિલના પિતાનો આરોપ

 પત્રકારો સાથે વાત કરતા મૃતકના માતા-પિતાએ જણાવ્યું હતું કે તે અમારું એકમાત્ર સંતાન હતું. જ્યાં સુધી અમને ન્યાય ન મળે ત્યાં સુધી અમે અહીં બેસી રહીશું. તે ખરેખર મહેનતુ હતો અને તેનામાં અપાર હિંમત હતી. તે આત્મહત્યાનો પ્રયાસ કરી શકે એવી વ્યક્તિ નહોતો. અમે તેના મૃત્યુ માટે સંસ્થાને દોષ આપીએ છીએ.

   વાકોડેની માતાએ આરોપ લગાવ્યો કે તેમના પુત્ર પર ત્રાસ ગુજારવામાં આવ્યો હતો.  મારા પુત્રની હત્યા કરવામાં આવી હતી, ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. મને ન્યાય જોઈએ છે, એમ તેમણે  પત્રકારોને કહ્યું હતું. તેમણે જણાવ્યું કે વાકોડે એનર્જી સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગમાં બીટેકના બીજા વર્ષનો  વિદ્યાર્થી હતો.

   આઈઆઈટી બોમ્બેના  નિવેદન અનુસાર આ વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન જવાબો મેળવવા માટે કથિત રીતે ચેટજીપીટી પર પરીક્ષાનું પ્રશ્નપત્ર અપલોડ કર્યું હતું.ત્યારે એક પરીક્ષકે તેને મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોયો હતો.  ત્યારબાદ તે પરીક્ષા ખંડ છોડીને હોસ્ટેલ રૃમમાં પાછો ફર્યો હતો.

    પોલીસના જણાવ્યા મુજબ સાહિલએ  મિત્રોના ફોનનો જવાબ ન આપતા તેઓ ચિંતિત થયા હતા.  તેઓ તેના રૃમમાં ગયા હતા. દરવાજો અંદરથી બંધ જોતાં તેમણે અધિકારીઓને જાણ કરી હતી. બાદમાં  પોલીસને માહિતી આપવામાં આવી હતી. રૃમમાં તપાસ કરતા  તે  મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

  પોલીસને પ્રાથમિક તપાસમાં ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઇડ  નોટ મળી નહોતી. આ દુઃખદ ઘટનાથી કેમ્પસમાં વિદ્યાર્થીઓમાં ગુસ્સો ફેલાયો હતો. વહીવટીતંત્ર પાસેથી જવાબ માંગવા માટે વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેમણે પરીક્ષા પ્રભારી, સંસ્થાના ડિરેક્ટર,  એનર્જી સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના ફેકલ્ટી સભ્યોના રાજીનામાની પણ માંગ કરી હતી. પોલીસે તપાસના ભાગ રૃપે વિદ્યાર્થીનો ડેટા મેળવવા માટે તેનો મોબાઇલ ફોન પણ જપ્ત કર્યો છે. આ ઘટના પહેલાની તેની ગતિવિધિઓ શોધવા માટે કેમ્પસમાંથી સીસીટીવી  ફૂટેજ એકત્રિત કર્યા છે.

પકાડાયા બાદ શું થયેલું?

શુક્રવારે મોડી રાત્રે જારી કરાયેલા એક નિવેદનમાં સંસ્થાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી પરીક્ષા ખંડમાં   મોબાઇલ ફોનનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. પરંતુ તેની સામે શિસ્તભંગની કોઈ કાર્યવાહી શરૃ કરવામાં આવી ન હતી.

 પ્રશિક્ષક અને વિભાગના વડાએ વિદ્યાર્થી સાથે આ બાબતે ચર્ચા કરી હતી અને તેનું કાઉન્સેલિંગ કર્યું હતું તેને ખાતરી આપી હતી કે આ ઘટના તેના શૈક્ષણિક કારકિર્દી પર પ્રતિકૂળ અસર કરશે નહીં. ત્યારબાદ તે તેના હોસ્ટેલ રૃમમાં પાછો ફર્યો અને સાંજે તે મૃત હાલતમાં મળી આવ્યો હતો.  સંસ્થા આ દુઃખદ ઘટનાથી પ્રભાવિત વિદ્યાર્થીના મિત્રો, સહપાઠીઓ, ફેકલ્ટી સભ્યો અને અન્ય લોકોને સહયોગ  પૂરી પાડી રહી છે, એમ  નિવેદનમાં જણાવાયું હતું.

 છેલ્લા સાત મહિનામાં આત્મહત્યાનો આ ત્રીજો કેસ 

    ફેબુ્રઆરીમાં  બીજા વર્ષના વિદ્યાર્થીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી હતી. જુલાઈ ૨૦૨૬માં  નવા સેમેસ્ટરની શરૃઆતમાં બીટેકના બીજા વર્ષના ૨૦ વર્ષીય વિદ્યાર્થીએ પણ પોતાનું જીવન સમાપ્ત કર્યું હતું.