Mumbai

આજથી 3 દિવસ સેન્ટ્રલની કેટલીક લોકલો રદ, અનેક ટ્રેનના સ્ટોપેજમાં ફેરફાર

By GS Team
15 May 20262 mins read
આજથી  3 દિવસ સેન્ટ્રલની કેટલીક લોકલો રદ, અનેક ટ્રેનના સ્ટોપેજમાં ફેરફાર

વિદ્યાવિહાર સ્ટેશને નવા બ્રિજના ગર્ડર માટે બ્લોક

સ્લોની ટ્રેનો ફાસ્ટ લાઈન પર દોડશે એટલે વિદ્યાવિહાર, કાંજુરમાર્ગ, નાહુર સ્ટેશને નહીં ઉભી રહેઃ મોટાભાગે નાઈટની ટ્રેનોનેે અસર

મુંબઇ -   મધ્ય રેલવે દ્વારા વિદ્યાવિહાર રેલવે સ્ટેશન ખાતે વચ્ચે બનાવાયેલ રાહદારી પુલ (ફૂટ ઓવર બ્રિજ) માટે ગર્ડર લોન્ચિંગનું કામ હાથ ધરવામાં આવવાનું છે, જેથી ૧૫ થી ૧૮ મે દરમિયાન રાત્રી સમયે ખાસ ટ્રાફિક અને પાવર બ્લોક જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરીને કારણે કુર્લાથી ભાંડુપ વચ્ચે મધ્યરાત્રી દરમિયાન લોકલ ટ્રેન સેવાઓ પર અસર પડશે.

મધ્ય રેલવે અનુસાર ૧૫/૧૬ મેની રાત્રે ૧.૧૫ થી ૪.૧૫ વાગ્યા સુધી અપ અને ડાઉન સ્લો લાઇન પર બ્લોક રહેશે. ત્યારબાદ ૧૬/૧૭ મેની રાત્રે ૧.૧૫ થી ૩.૦૫ વાગ્યા સુધી સ્લો તથા ફાસ્ટ લાઇન સાથે પાંચમી અને છઠ્ઠી લાઇન પર પણ બ્લોક લેવામાં આવશે.  ૧૭/૧૮ મેની રાત્રે પણ કામગીરી ચાલુ રહેશે. આ દરમિયાન કેટલીક લોકલ ટ્રેનોને ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે, જ્યારે કેટલીક ટ્રેનો રદ અથવા અંશતઃ રદ કરવામાં આવશે.

બ્લોક દરમિયાન વિદ્યાવિહાર, કાંજુરમાર્ગ અને નાહુર સ્ટેશનો પર કેટલીક લોકલ ટ્રેનો રોકાશે નહીં. સીએસએમટીથી કર્જત જતી રાત્રિની સ્લો લોકલ ટ્રેનોને માટુંગાથી મુલુંડ વચ્ચે ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે. તે જ રીતે કસારા, બદલાપુર, અંબરનાથ અને કર્જત તરફથી આવતી કેટલીક અપ સ્લો લોકલ ટ્રેનો પણ મુલુંડથી માટુંગા વચ્ચે ફાસ્ટ લાઇન પરથી દોડશે, જેથી આ ત્રણ સ્ટેશનોના મુસાફરોને મશ્કેલી પડી શકે છે.

મધ્ય રેલવેએ મધ્યરાત્રી બાદની કેટલીક લોકલ સર્વિસ રદ કરવાનો નિર્ણય પણ લીધો છે. થાણે-કુર્લા, થાણે-સીએસએમટી અને સીએસએમટી-થાણે વચ્ચેની કેટલીક લોકલ સંપૂર્ણપણે રદ રહેશે. ઉપરાંત કેટલીક સીએસએમટી-થાણે એસી લોકલને કુર્લા સુધી જ ચલાવવામાં આવશે, જ્યારે ડોંબિવલી-સીએસએમટી લોકલને થાણે ખાતે ટૂંકાવવામાં આવશે. કેટલીક વહેલી સવારની ટ્રેનોના પ્રારંભિક સ્ટેશનમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

રેલવે પ્રશાસને જણાવ્યું છે કે પાદચારી પુલનું કામ મુસાફરોની સુરક્ષા અને માળખાકીય વિકાસ માટે જરૃરી છે. ૧૫/૧૬ મે તથા ૧૭/૧૮ મેના બ્લોક દરમિયાન મુખ્ય રેલવે ટ્રાફિક પર વિશેષ અસર નહીં થાય અને ૧૬/૧૭ મેની રાત્રે મેઈલ તથા એક્સપ્રેસ ટ્રેનોની અવરજવર પણ યથાવત રહેશે. જોકે મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેન સમયપત્રક તપાસીને જ પ્રવાસ કરવાની સલાહ આપવામાં આવી છે.