Mumbai

હેલ્મેટ નહિ હોવાનો દંડ કરનારો જવાન પોતે નંબર પ્લેટ નહિ હોવા માટે દંડાયો

By GS TEAM
30 Oct 20252 mins read
હેલ્મેટ નહિ હોવાનો દંડ કરનારો જવાન પોતે નંબર પ્લેટ નહિ હોવા માટે દંડાયો

હેલ્મેટ વિના પકડતાં યુવકે સામે ઝઘડો કર્યો, તારી બાઈકમાં નંબર પ્લેટ ક્યાં છે

વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે દાખલો   નિષ્પક્ષ કાર્યવાહીનો દાખલો બેસાડવા ટ્રાફિક જવાનને પણ બે હજારનો દંડ કર્યો

મુંબઇ -  થાણેના  વાગ્લે  એસ્ટેટમાં બનેલી એક અસામાન્ય ઘટનામાં હેલમેટ ચલાવ્યા વગર બાઇક ચલાવનાર એક યુવાનને તો દંડ ફટકારવામાં આવ્યો હતો પણ આ કેસમાં ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલના વાહન પર પણ નંબર પ્લેટ અસ્પષ્ટ અને વંચાતી ન હોવાથી તેને બે હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટનાને લીધે ટ્રાફિક પોલીસને પણ બોધપાઠ મળ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. 

આ બાબતે વધુ વિગતાનુસાર સોમવારે  થાણેના વાગ્લે એસ્ટેટ વિસ્તારમાં આ ઘટના બની હતી જેમાં  ટ્રાફિક કોન્સ્ટેબલે હેલ્મેટના ઉલ્લંઘન બદલ એક વ્યક્તિને અટકાવ્યો હતો. તેને કોન્સ્ટેબલે દંડ ફટકાર્યો હતો. જો કે આ બાબતના એક વાયરલ વીડિયોમાં  અનુસાર આ વ્યક્તિએ ને દંડ ફટકારનાર પોલીસ કોન્સ્ટેબલની બાઇક પર જ નંબર  પ્લેટ અયોગ્ય અને વંચાતી ન હોવાનો આરોપ મૂકી તેણે પણ નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો આરોપ મૂકી સામો ઝઘડો કર્યો હતો. 

આ વીડિયો વાયરલ થયા બાદ અંતે ટ્રાફિક વિભાગના આ કોન્સ્ટેબલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેને પણ બે હજાર રૃપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ બાબતે ટ્રાફિક પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે કોન્સ્ટેબલના બાઇકની આગળ નંબર પ્લેટ સ્પષ્ટ હતી પણ પાછળની નંબર પ્લેટ સ્પષ્ટ નહોતી તેથી તે મુજબ કાર્યવાહી કરી કોન્સ્ટેબલને પણ દંડિત કરવામાં આવ્યો હોવાનું  સ્પષ્ટ કર્યું હતું. બંને પક્ષે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે અને વીડિયો પુરાવાના આધારે વધુ તપાસ ચાલી રહી છે તેવું ટ્રાફિક પોલીસના સૂત્રોએ  સ્પષ્ટ કર્યું હતું.