હિમાલયમાં બરફ વર્ષા છતાં મુંબઇમાં ટાઢો માહોલ થવાના કોઇ જ સંકેત નથી

3 દિવસ બાદ મુંબઇના લઘુતમ તાપમાનમાં વધારો શક્ય
અગ્નિ દિશાના પવનો સાથે ગરમ હવા આવી રહી છે ઃ જોકે મહારાષ્ટ્રમાં ટાઢોડું યથાવત્
મુંબઇ - મુંબઇમાં છેલ્લા બે દિવસથી સવારે ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. ટાઢાબોળ પવનોને કારણે વાતાવરણમાં પણ ઠંડકનો અનુભવ થઇ રહ્યો છે. ખાસ કરીને પૂર્વનાં અને પશ્ચિમનાં પરાંમાં વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો મજેદાર અનુભવ થઇ રહ્યો છે.
બીજીબાજુ મહારાષ્ટ્રમાં પણ લઘુત્તમ તાપમાનમાં ફરીથી ઘટાડો થયો હોવાના સમાચાર મળે છે. આજે મધ્ય મહારાષ્ટ્રનું નાશિક ૧૧.૯ ડિગ્રી સેલ્સિયસ સાથે આખા રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું.
હવામાન વિભાગે એવી માહિતી આપી છે કે આજે કોલાબામાં મહત્તમ તાપમાન ૨૮.૫ અને લઘુત્તમ તાપમાન ૧૮.૮ ડિગ્રી, જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૨૯.૮ અને લઘુત્તમ તાપમાન ૧૬.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે કોલાબામાંભેજનું પ્રમાણ ૭૬ -૭૩ ટકા, જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૯૧-૭૩ ટકા જેટલું વધુ રહ્યું હતું.
હાલ જમ્મુ -કશ્મીર અને નજીકના પાકિસ્તાન પર ૩.૧ થી ૭.૬ કિલોમીટરના અંતરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસર છે. સાથોસાથ સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર છે. આ બંને કુદરતી પરિબળની તીવ્ર અસરથી જમ્મુ -કશ્મીર સહિત આખા હિમાચલ પ્રદેશમાં ભારે બરફ વર્ષા, વરસાદ, તીવ્ર પવનનું જબરું ત્રેખડ સર્જાયું છે.
હવામાન વિભાગ(મુંબઇ કેન્દ્ર)ના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ વિક્રમ સિંહે ગુજરાત સમાચારને એવી માહિતી આપી છે કે હાલ કશ્મીર સહિત આખા હિમાચલ પ્રદેશમાં ભારે બરફ વર્ષા થઇ રહી છે. સાથોસાથ વરસાદ અને તીવ્ર ગતિથી પવન પણ ફૂંકાઇ રહ્યા છે. જોકે કશ્મીર અને હિમાચલપ્રદેશમાં થઇ રહેલી બરફ વર્ષાની અસર મુંબઇ સુધી થાય તેવી શક્યતા નથી. કારણ એ છે કે હાલ મુંબઇ પર દક્ષિણ-પૂર્વ-દક્ષિણ(અગ્નિ) દિશાના પવનો ફૂંકાઇ રહ્યા છે.
વળી, અગ્નિ દિશાના પવનો સાથે ગરમ હવા પણ આવી રહી છે. પવનો ઉત્તરના હિમાલય તરફથી આવે તો મુંબઇમાં ફરીથી ઠંડીનો ફૂલગુલાબી માહોલ સર્જાઇ શકે. આવાં બદલાયેલાં કુદરતી પરિબળોની અસરથી આવતા ત્રણેક દિવસ બાદ મુંબઇના લઘુત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આમ છતાં આવતા ફેબુ્રઆરી દરમિયાન મુંબઇમાં ફરીથી ઠંડું વાતાવરણ સર્જાવાની સંભાવના ખરી.
મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં આવતા ચાર દિવસ(૨૫થી ૨૮, જાન્યુઆરી) દરમિયાન હવામાન સૂકું રહેવાની સંભાવના છે.
આજે મહારાષ્ટ્રના જળગાંવમાં લઘુત્તમ તાપમાન ૧૨.૫, ગિરિ મથક મહાબળેશ્વરમાં ૧૨.૬, જેઉર-૧૩.૦, ઉસ્માનાબાદ-૧૩.૨, સાતારા-૧૩.૫, અહમદનગર -૧૩.૭, માલેગાંવ-૧૩.૮, ઔરંગાબાદ -૧૪.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.









