Mumbai

કોણ છે ‘સિંઘમ IAS’ તુકારામ મુંઢે? 21 વર્ષમાં 25 ટ્રાન્સફર, FDAમાં એન્ટ્રી થતાં જ ભેળસેળિયાઓમાં ફફડાટ!

By GS Team
19 Aug 20263 mins read
TukuTouch Logo
મહારાષ્ટ્રના સિંઘમ IAS અધિકારી તુકારામ મુંઢે ફરી ચર્ચામાં છે. મે 2026માં FDA કમિશનર બન્યા બાદ તેમણે ભેળસેળ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. 1100 દરોડા પાડી, 165 લાયસન્સ સસ્પેન્ડ કર્યા અને રૂ. 50-55 કરોડનો અસુરક્ષિત ખાદ્યપદાર્થ જપ્ત કર્યો છે. હવે પાન મસાલાની જાહેરાત મામલે બોલિવૂડ કલાકારોને નોટિસ પાઠવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કોણ છે ‘સિંઘમ IAS’ તુકારામ મુંઢે? 21 વર્ષમાં 25 ટ્રાન્સફર, FDAમાં એન્ટ્રી થતાં જ ભેળસેળિયાઓમાં ફફડાટ!
IMAGE - IANS

IAS Tukaram Mundhe: મહારાષ્ટ્રમાં હાલમાં જો કોઈ IAS અધિકારી સૌથી વધુ ચર્ચામાં હોય તો તે તુકારામ મુંઢે છે. મે 2026માં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તરીકેનો પદભાર સંભાળ્યા બાદ તેમણે રાજ્યભરમાં ભેળસેળ કરનારાઓ સામે લાલ આંખ કરી છે. માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં 1,100થી વધુ દરોડા, 165 લાયસન્સ સસ્પેન્ડ, રૂ. 50થી 55 કરોડની કિંમતનો અસુરક્ષિત ખાદ્યપદાર્થ જપ્ત, એનાલોગ પનીર પર એક વર્ષનો પ્રતિબંધ અને હવે પાન મસાલાની જાહેરાત મામલે બોલિવૂડ કલાકારોને નોટિસ ફટકારીને તેઓ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.

ખેડૂત પરિવારથી IAS સુધીની સફર

તુકારામ હરિભાઉ મુંઢેનો જન્મ 3 જૂન, 1975ના રોજ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના તાડસોના ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. મર્યાદિત સંસાધનો અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેમણે ઔરંગાબાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીમાંથી બીએ અને એમએનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2005ની બેચના મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી બન્યા હતા. વહીવટી વર્તુળો અને સોશિયલ મીડિયામાં તેઓ તેમની સાદગી અને કડક કાર્યશૈલી માટે જાણીતા છે.

21 વર્ષની કારકિર્દીમાં 25 બદલી: એટલે જ કહેવાય છે 'સિંઘમ IAS'

તુકારામ મુંઢે માત્ર તેમની કડક કાર્યવાહી માટે જ નહીં, પરંતુ વારંવાર થતી બદલીઓને કારણે પણ જાણીતા છે. મીડિયા અહેવાલો મુજબ, તેમની આશરે 21 વર્ષની કારકિર્દીમાં 25 વખત બદલી થઈ ચૂકી છે. ઘણીવાર તો એક જ વર્ષમાં બે-બે કે ત્રણ-ત્રણ વખત તેમની બદલી કરવામાં આવી છે. આ કારણે તેમની સરખામણી હરિયાણાના પૂર્વ IAS અશોક ખેમકા સાથે પણ કરવામાં આવે છે.

નિયમોના ઉલ્લંઘન અને ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ ધરાવતા હોવાથી તેમના સમર્થકો તેમને 'સિંઘમ IAS' તરીકે ઓળખે છે. રાજકીય દબાણ કે પ્રભાવશાળી લોકોની પરવા કર્યા વિના કામ કરવાની તેમની છબીએ તેમને આ ઓળખ અપાવી છે.

FDAમાં આવતા જ ભેળસેળ સામે આક્રમક તપાસ અને દરોડા

25 મે, 2026ના રોજ એફડીએ કમિશનર બનતા જ તેમણે ભેળસેળયુક્ત દૂધ, પનીર, હોટેલ-રેસ્ટોરન્ટ, ગુટખા-પાન મસાલા અને આયુર્વેદિક દવાઓ સામે મોટું સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. આ દરમિયાન:

  • 1100થી વધુ દરોડા અને તપાસ કરવામાં આવી.
  • 165 લાયસન્સ સસ્પેન્ડ કરાયા.
  • 1.6 લાખ લીટર શંકાસ્પદ દૂધ સહિત આશરે રૂ. 50-55 કરોડનો અસુરક્ષિત ખાદ્ય સામગ્રીનો જથ્થો જપ્ત કરાયો.
  • જુલાઈ 2026માં નકલી/નોન-ડેરી (એનાલોગ) પનીરના ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો.
  • આયુર્વેદિક દવા બનાવતી કંપનીઓના લાયસન્સ રદ કર્યા અને ગેરકાયદે ગુટખાના વેપાર સામે અનેક એફઆઈઆર નોંધાવી.
  • પાન મસાલાની જાહેરાત સંબંધિત મામલે શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઇગર શ્રોફ જેવા બોલિવૂડ કલાકારોને નોટિસ પાઠવી.
  • તેમણે બોમ્બે હાઇકોર્ટની કેન્ટીનથી લઈને આઈઆઈટી બોમ્બેની મેસ અને એમેઝોનના ગોડાઉન સુધી તપાસનો દોર લંબાવ્યો હતો.

તાજેતરનો વિવાદ અને મુંઢેનું વલણ

ઓગસ્ટ 2026માં બોમ્બે હાઇકોર્ટે પૂણેની એક સ્વીટ શોપનું લાયસન્સ રદ કરવાનો આદેશ ફગાવી દઈને એફડીએને રૂ. 5 લાખનું વળતર ચૂકવવા આદેશ કર્યો હતો. આ અંગે તુકારામ મુંઢેએ સ્પષ્ટ કર્યું કે, આ કાર્યવાહી ફૂડ પોઈઝનિંગના કેસમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવી હતી અને કોર્ટનો આદેશ મળ્યા બાદ તેઓ આગળના કાનૂની વિકલ્પો વિચારશે. બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ એફડીએને મજબૂત લીગલ ટીમ સહિત પૂરો સહયોગ આપવાની ખાતરી આપી છે. મુંઢેનું માનવું છે કે, દૂધ એ માત્ર સામાન્ય ખોરાક નથી પણ બાળકો અને દર્દીઓ માટે પોષણ છે, તેથી તેમાં કોઈ પણ પ્રકારની ભેળસેળ ચલાવી લેવાય નહીં.