Mumbai

નવી મુંબઈના ફ્લેમિંગો લેકના રક્ષણની માંગ સાથે શનિવારે મૂક-મોર્ચો

By GS Team
7 May 20261 min read
નવી મુંબઈના ફ્લેમિંગો લેકના રક્ષણની માંગ સાથે શનિવારે મૂક-મોર્ચો

પર્યાવરણ પ્રેમીઓ તથા સંગઠનો સામેલ થશે

ડીપીએસ ફ્લેમિંગો લેકના સંવર્ધન માટે એન.જી.ટી. તરફથી 'સિડકો'ને બે મહિનાની ડેડલાઈન

મુંબઈ -  નવી મુંબઈમાં ફ્લેમિંગો વેટલેન્ડ અને જૈવ વિવિધતાના રક્ષણની માગણી સાથે શનિવારે વિશ્વ પ્રવાસી પક્ષી દિન નિમિત્તે  પર્યાવરણ પ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા મૂક-મોર્ચો કાઢવામાં આવશે.

'સેવ ફ્લેમિંગો લેક્સ' થીમ પર આધારિત આ સાયલન્ટ માર્ચ શનિવારે સવારે આઠ વાગ્યે સીવુડ્સના એનઆરઆઈ ફેઝ-ટુ સ્થિત વનશ્રી બિલ્ડિંગ પાસે એનઆરઆઈ લેકથી શરૃ થશે અને ડી.પી.એસ. ફ્લેમિંગો લેક સુધી જશે.

વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘના સહયોગથી ચલાવવામાં આવતું વૈશ્વિક જનજાગૃતિ અભિયાન છે. યાયાવર પક્ષીઓ અને તેમના કુદરતી આવાસોનું રક્ષણ કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવાના આશયથી આ અભિયાન ચલાવવામાં આવે છે.

દરમ્યાન નવી મુંબઈમાં પર્યાવરણની રક્ષાના મુદ્દે સતત અવાજ ઉઠાવતા સંગઠન નેટકનેક્ટ ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે નવી મુંબઈના ડી.પી.એસ. ફ્લેમિંગો લેકના સંવર્ધન માટે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ તરફથી આક્રમક ભૂમિકા અખત્યાર કરવામાં આવી છે. ટ્રીબ્યુનલ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી તપાસણી સમિતીએ સિડકો (સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ ઓથોરિટી)ને બે મહિનામાં તળાવના રક્ષણ માટે નક્કર ઉપાય યોજના કરવાની તાકીદ કરી છે.

ડી.પી.એસ. ફ્લેમિંગો લેકમાં દરિયાનું પાણી ભરતી અને ઓટ વખતે કુદરતી રીતે આવ-જા કરી શકે તેની ખાતરી કરવાની અને પ્રવાસી પક્ષીઓના અધિવાસનો વિસ્તાર કરીને ડેવલપમેન્ટ પ્લાનમાં ફેરફાર કરવાની સ્પષ્ટ સૂચના સિડકોએ આપવામાં આવી છે.