શિંદે સેનાના નેતા નીલેશ સાંબ્રે દ્વારા ૭૩ લાખનાં સરકારી ભંડોળની ઉચાપત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

બિલમાં ચેડાં કરી રકમ જીજાઉ કન્સ્ટ્રક્શનમાં ડાઈવર્ટ કરી
શિક્ષિત બેરોજગાર એન્જિનિયરના નામે મંજૂર સાત કામોમાં કૌભાંડઃ જાહેર બાંધકામ વિભાગના અધિકારીઓની પણ સંડોવણી
મુંબઈ - જવાહર પોલીસે શિંદે જૂથના ઉપનેતા તથા જીજાઉ કન્સ્ટ્રક્શનના ભાગીદાર નીલેશ ભગવાન સાંબ્રે સહિત જાહેર બાંધકામ વિભાગના તત્કાલીન અધિકારીઓ અને કર્મચારીઓ સામે ૭૩ લાખ ૧૩ હજાર ૮૮૪ રૃપિયાના સરકારી ભંડોળની કથિત ઉચાપત બદલ ગુનો નોંધ્યો છે. શિક્ષિત બેરોજગાર ઇજનેરોના નામે મંજૂર કરાયેલા સાત કામોના બિલ અને સરકારી દસ્તાવેજોમાં ફેરફાર કરીને સરકારી રકમ જીજાઉ કન્સ્ટ્રક્શન તરફ વાળવામાં આવી હોવાનો ફરિયાદમાં આરોપ કરવામાં આવ્યો છે.
પાલઘર પોલીસ અધિક્ષકે ૨૮ ઓગસ્ટે જવાહરના એક્ઝિક્યુટ એન્જિનિયરને આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. ત્યાર બાદ સાર્વજનિક બાંધકામ વિભાગના એન્જિનિયર સિદ્ધાર્થ તાંબે પાસેથી માર્ગદર્શન અને પ્રતિસાદ લેવામાં આવ્યો હતો. અંતે જવાહર સબ-ડિવિઝનના એક્ઝેટિવ એન્જિનિયર સંજય ડોંગરેએ ૨૧ સપ્ટેમ્બરે જવાહર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે સાંબ્રે સહિત સંબંધિત તત્કાલીન અધિકારીઓ અને કર્મચારીઓ સામે કેસ નોંધાયો છે.
ફરિયાદ મુજબ, જવાહર બાંધકામ બાંધકામ વિભાગના 'બી-૧'રજિસ્ટરમાં વર્ષ ૨૦૧૪-૧૫ના કરાર નંબર ૩૩૧, ૩૩૨, ૩૩૪, ૩૩૫, ૩૩૬, ૩૩૭ અને ૩૪૪ હેઠળના સાત કામોની તપાસ કરવામાં આવી હતી. આ કામો શિક્ષિત બેરોજગાર ઇજનેરોના નામે મંજૂર કરાયા હતા. જોકે, ૩૧ માર્ચ ૨૦૧૯ના રોજ બિલની ચુકવણી કરતી વખતે ઓનલાઈન કેશબુક, કેશબુક તથા સંબંધિત દસ્તાવેજોમાં મૂળ કોન્ટ્રાક્ટરના નામને બદલે જીજાઉ કન્સ્ટ્રક્શનના નામે એન્ટ્રીઓ કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ ઉપરાંત, ફરિયાદમાં આરોપ મૂકાયો છે કે સી.એમ.પી. ઓનલાઈન ચુકવણી પ્રણાલી દ્વારા ૭૩ લાખ ૧૩ હજાર ૮૮૪ રૃપિયાની સરકારી રકમ જીજાઉ કન્સ્ટ્રક્શન તરફ વાળવામાં આવી હતી અને બેંક મારફતે રકમ ઉપાડી નાણાકીય લાભ માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં વડાવલી દેહરા-આકેરે-તલાવલી માર્ગ પર ગટર ખોદકામ, જવાહર-પાલી માર્ગનું સુધારણા કામ, ૪૮ ટેમ્ભુર-ઝાપ-નંદગાંવ-કેલઘર-સખરીથી રાજ્ય ધોરીમાર્ગ ૩૭ સુધીના માર્ગ પર ગટર ખોદકામ, મોખાડા ચાસ-હાતેરી-સરસુનથી રાજ્ય ધોરીમાર્ગ ૩૬ સુધીના માર્ગનું કામ, મુખ્ય જિલ્લા માર્ગ ૧૮ પર ખાડા પૂરવાનું કામ, ખારડી-પરલી-ઉજાની માર્ગનું સુધારણા અને ગટર ખોદકામ તથા વાડા-માલવાડા-જવાહર-ખંભાલાથી રાજ્ય સરહદ સુધીના માર્ગના સુધારણા અને ગટર ખોદકામ સહિતના સાત કામોનો સમાવેશ થાય છે.
ફરિયાદ મુજબ આ સાતેય કામોની કુલ ૭૩ લાખ ૧૩ હજાર ૮૮૪ રૃપિયાની રકમના વ્યવહારોમાં ગેરરીતિ કરવામાં આવી હતી. જોકે, સરકારી રકમ પરત જમા કરવામાં આવી હોવા છતાં દસ્તાવેજોમાં ફેરફાર કરીને રકમ કેવી રીતે વાળવામાં આવી, ઓનલાઈન ચુકવણી કોણે મંજૂર કરી અને તેમાં તત્કાલીન અધિકારીઓ તથા કર્મચારીઓની શું ભૂમિકા હતી, તેની તપાસ હવે પોલીસ કરશે.
પોલીસ અધિક્ષકની સૂચના બાદ પણ ફરિયાદ નોંધવામાં લગભગ એક મહિનાનો સમય લાગ્યો હોવાથી સાર્વજનિક બાંધકામ વિભાગની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. હવે કેસ નોંધાયા બાદ પોલીસ તપાસમાં સરકારી ભંડોળના વ્યવહારો અને સંબંધિત દસ્તાવેજોની વધુ તપાસ કરવામાં આવશે.




