Mumbai

પોલીસ વાનને હાથેથી રોકનારી રિયા વિદ્યાર્થી આંદોલનનો ચહેરો બની ગઈ

By GS Team
24 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં ઝેન ઝીના દેખાવો દરમિયાન મોડેલ રિયા અહિરે વિદ્યાર્થીઓને લઈ જતી પોલીસ વાનને રોકવાનો પ્રયાસ કર્યો હતો. વરસતા વરસાદમાં પોલીસ વાનની સામે ઉભેલી રિયાનો વીડિયો વાયરલ થયો. લોકોએ તેની હિંમતને બિરદાવી અને તેને દેશભરમાંથી મેસેજ-કોલ્સ મળી રહ્યા છે. 27 વર્ષની રિયાએ કહ્યું કે સાહસિકતા તેના લોહીમાં છે.

Summarized by AI; it may make mistakes. Check important info

પોલીસ વાનને હાથેથી રોકનારી રિયા વિદ્યાર્થી આંદોલનનો ચહેરો બની ગઈ

મુંબઈ દેખાવો વખતનો રિયાનો વીડિયા ભારે વાયરલ

લોાકોએ કહ્યું પોલીસ પગલાં સામે વિરોધની આ નિર્ણાયક ક્ષણ, મોડલ રિયાની હિંમતને બિરદાવતા મેસેજ-કોલ્સનો મારો

મુંબઇ -  મુંબઈના શિવાજી પાર્ક મેદાન પર યોજાયેલા ઝેન ઝીના દેખાવો  વખતે મુંબઈની મોડલ રિયા અહિર વિદ્યાર્થીઓની અટકાયત કરીને લઈ જતી પોલીસ વાનની સામે ઉભી રહી ગઈ હતી અને પોતાના હાથેથી તેને અટકાવવાની કોશીશ કરી હતી. રિયાનો આ વીડિયો દેશભરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. લોકોએ તેને મુંબઈમાં દેખાવોની આ નિર્ણાયક અને પ્રતીકરુપ ક્ષણ હોવાનું  જણાવ્યું હતું અને તેની હિંમતને બિરદાવી હતી. તેને હવે દેશભરમાંથી ફોન કોલ્સ તથા મેસેજીસ મળી રહ્યા છે.

વાયરલ થયેલા વિડીયો અનુસાર વરસતા વરસાદમાં રેઈનકોટ પહેરીને દેખાવો માટે આવેલી રિયા તરત પોલીસ વાનની સામે ધસી ગઈ હતી અને વાનના આગળના ભાગે હાથ મૂકી દઈ તેને રોકવાની કોશીશ કરી હતી. તેણે પોલીસને કહ્યું હતું કે તમે ખોટી રીતે આ વિદ્યાર્થીઓની અટકાયત કરીને લઈ જાઓ છો. તેની હિંમત જોઈ બાદમાં અન્ય દેખાવકારો પણ તેની સાથે જોડાયા હતા.

૨૭  વર્ષની રિયાએ બાદમાં મીડિયાને જણાવ્યું હતું કે મારા મિત્રો તથા મારા માતાપિતા પણ મારા સપોર્ટમાં રહ્યાં છે. તેણે કહ્યું હતું કે પોતે આ વિરોધનો એક ચહેરો બની જશે તેવી કલ્પના કરી ન હતી. વિદ્યાર્થીઓને લઈ જતી પોલીસ વાનને જોઈ તેને સહસા જ ઈચ્છા થઈ હતી કે પોતે આ વાનને રોકવા  પ્રયાસ કરવો જોઈએ. તેણે કહ્યું હતું કે પોતે શરુઆતમાં એક મહિલા દેખાવકારને વાનમાંથી નીચે ઉતારવા  પ્રયાસ કર્યો હતો. પરંતુ, પોલીસે તેમ થવા ન દીધું એટલે પોતે વાનની સામે ઉભી રહી ગઈ હતી. તે પછી વાનના ડ્રાઈવરે વારંવાર એન્જિનની ઘરઘરાટી બોલાવી તેને ડરાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તે ડરી ન હતી. આખરે અન્ય વિદ્યાર્થીઓ પણ તેની સાથે જોડાયા બાદ પોલીસે પીછેહઠ કરી હતી.  રિયા આ પહેલાં દિલ્હી પ્રોટેસ્ટમાં પણ ભાગ લેવા ગઈ હતી. બાદમાં તે મુંબઈ આવી હતી. તેના પિતા ઈન્ડો તિબેટન બોર્ડર ફોર્સમાં કામ કરી ચૂક્યા છે. તેના પરિવારના અન્ય સભ્યો પણ સશસ્ત્ર દળોમાં છે. તેણે કહ્યું હતું કે સાહસિકતા મારાં લોહીમાં છે.  તેણે કહ્યું હતું કે નીટનાં પેપરમાં ભૂલ થઈ છે તો તે સ્વીકારી શિક્ષણ પ્રધાને રાજીનામું આપવું જોઈએ. આ વાત ફક્ત નીટ પુરતી મર્યાદિત નથી પરંતુ સમગ્ર શિક્ષણ સિસ્ટમને સુધારવા માટે છે. મને પોતાને આ સિસ્ટમનો માઠો અનુભવ થયેલો છે.

 ઉલ્લેખનીય છે કે  રિયા સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર તેમના વિચારો માટે જાણીતી છે. તે એક ઉદ્યોગસાહસિક પણ છે અને પોતાના વસ્ત્રો સ્વયં હાથે બનાવે છે. તે એક ક્લોથિંગ બ્રાન્ડની માલિક છે અને  તેણે અનેક મ્યુઝિક વીડિયોમાં કામ પણ કર્યું છે. તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાખ ફોલાઅર્સ છે. તેણે એક વીડિયો આલ્બમમાં પણ કામ કર્યું છે.