ભાડાંના ૫૦ રુપિયાની તકરારમાં રિક્ષાચાલકની હત્યાઃ બેની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોપરખૈરણે રેલવે સ્ટેશન પાસે ચાકુથી હુમલો કર્યો
ઝડપાયેલો એક આરોપી તાજેતરમાં જ હત્યાના પ્રયાસના કેસમાં જામીન પર છૂટયો છે
મુંબઈ - નવી મુંબઈમાં ૫૦ રુપિયા ભાડા બાબતે થયેલી દલીલ બાદ ૧૮ વર્ષીય ઓટોરિક્ષા ચાલકની ચાકુના ઘા ઝીકીને હત્યા કરનારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
સિનિયર ઇન્સ્પેક્ટર વિકાસ ઘોડકેએ કહ્યું હતું કે માનખુર્દમાં રહેતા આરોપી સાહિલ આનંદ સુર્વે અને સાહિલ યશવંત ખરાતની પોલીસે ધરપકડ કરી છે.
ઘનસોલીના રહેવાસી ડ્રાઈવર સુજનકુમાર મહતો સાથે ઓટોરિક્ષા ભાડા અંગે થયેલા નજીવા ઝઘડાને કારણે આ હુમલો કરવામાં આવ્યો હતો. ૨૯ ઓગસ્ટના રોજ વહેલી સવારે આરોપી કોપરખૈરાણે રેલ્વે સ્ટેશન નજીક સુજનકુમારની રિક્ષામાં ઘૂસી ગયા અને માનખુર્દ લઈ જવા કહ્યું હતું.
ડ્રાઈવરે બંનેને જણાવ્યું કે માનખુર્દ જવાનું ભાડું ૧૫૦ રૃપિયા છે. પરંતુ આરોપીઓ પાસે ફક્ત ૧૦૦ રૃપિયા હતા. આમ તેમણે વધારે ૫૦ રૃપિયા આપવાને લઈને ઝઘડો કર્યો હતો. બાદમાં પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી. બંનેએ ચાકુથી ડ્રાઈવરને ધમકી આપી તેને રીક્ષા ચલાવવા દબાણ કર્યું હતું.
તેઓ વાશી પહોંચ્યા ત્યારે સુજનકુમારને બીજા ગ્રાહકનો ફોન આવ્યો હતો. તેણે આરોપીઓને રિક્ષામાંથી નીચે ઉતરવા કહ્યું હતું. જેના લીધે ફરી જોરદાર ઝઘડો થયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું. તે સમયે બંનેએ સુજનકુમારના ગળા, માથા અને હાથ પર ચાકુથી હુમલો કર્યો હતો. બાદમાં તેઓ નાસી ગયા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે આ ગુનાની તપાસ માટે તાત્કાલિક અનેક ટીમો બનાવવામાં આવી હતી. પોલીસે ગુપ્ત માહિતી અને સીસીટીવી ફૂટેજના ટેકનિકલ વિશ્લેષણના આધારે તેમને પકડવામાં આવ્યા હતા.
તેમણે કહ્યું કે સુર્વેનો ભૂતકાળમાં ગુનાહિત રેકોર્ડ છે અને તેના પર અગાઉ હત્યાના પ્રયાસનો કેસ નોંધાયેલો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં તે જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો.




