રિવર્સ શોલેઃ બોયફ્રેન્ડે લગ્નની ના પાડતાં યુવતી ટાવર પર ચઢી ગઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વાડા તાલુકાના ઉચાટમાં બે કલાક તમાશો
પરિણીત બોયફ્રેન્ડ પત્નીને છૂટાછેડા આપવા તૈયાર થયો તે પછી યુવતી નીચે ઉતરી
મુંબઈ - વાડા તાલુકાના ઉચાટ ગામની તાનસા નદી પાસે મંગળવારે સાંજે એક યુવતી બોયફ્રેન્ડ લગ્ન માટે તૈયાર ન હોવાથી ૫૦ ફૂટ ઊંચા વીજ ટાવર પર ચઢી ગઈ હતી. યુવતીએ ટાવર પરથી કૂદી જવાની ધમકી આપતાં પોલીસ અને પરિવારજનોમાં ચિંતા ફેલાઈ હતી. લગભગ બે કલાક સુધી ચાલેલા આ ઘટનાક્રમનો અંત યુવકના લગ્નના વચન બાદ આવ્યો હતો.
આ બનાવ વિશે મળેલી માહિતી મુજબ, મંગળવારે સાંજે આશરે ચાર વાગ્યે યુવતી ટાવર પર ચઢી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. યુવતીને નીચે ઉતરવા માટે સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તે નીચે આવવા તૈયાર નહોતી.
યુવતીને ગામના એક પરિણીત યુવક સાથે સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. યુવતીની માગ હતી કે યુવક તેની પત્નીને છોડીને તેની સાથે લગ્ન કરે. યુવકે લગ્ન નહીં કરે તો ટાવર પરથી કૂદી જવાની ધમકી આપતાં પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી.
આ દરમિયાન યુવક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેણે યુવતીને તેની સાથે લગ્ન કરવાનું અને પત્નીને છોડવાનું વચન આપ્યું હતું. ત્યાર બાદ યુવતી ટાવર પરથી નીચે આવવા તૈયાર થઈ હતી. પોલીસે તેને સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલા આ ઘટનાક્રમને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.




