પાંચ ગણાં વળતરની લાલચે નિવૃત્ત બેન્કરે દોઢ કરોડ ગુમાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નાણાંમંત્રીને દર્શાવતી ફેસબૂક જાહેરાત જોઈ રોકાણ કર્યું
બે કરોડનાં રોકાણ સામે દસ કરોડનાં વળતરની લાલચ આપીઃ શરુઆતમાં ૪ લાખનો નફો પણ આપ્યો
મુંબઈ - કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને દર્શાવતી નકલી ફેસબુક જાહેરાત પર ક્લિક કર્યા બાદ ૬૮ વર્ષીય નિવૃત્ત બેંક મેનેજર સાથે ૧.૫ કરોડ રૃપિયાની છેતરપિંડી થઈ હતી.છેતરપિંડી કરનારાઓએ દાવો કર્યો હતો કે ઈરાન-યુએસ સંઘર્ષે વિદેશી ક્ડ ઓઇલના વેપારમાં આકર્ષક તકો ઉભી કરી છે અને પીડિતને સેવેક્સા નામના પ્લેટફોર્મ દ્વારા રોકાણ કરવા માટે સમજાવ્યા હતા.
ફોન કરનારાઓએ પોતાને એક અગ્રણી બહુરાષ્ટ્રીય રોકાણ પેઢીના પ્રતિનિધિ તરીકે રજૂ કર્યા અને દાવો કર્યો કે હતો કે હાલ ચાલી રહેલા ઈરાન-યુએસ સંઘર્ષે વિદેશી ક્ડ ઓઇલ બજારોમાં રોકાણ કરીને મોટા પાયે નફો કમાવવાની દુર્લભ તક ઊભી કરી છે. ઝૈન તરીકે ઓળખાવતા એક વ્યક્તિ, જેણે ફંડ મેનેજર હોવાનો દાવો કર્યો હતો, તેણે વારંવાર ઝૂમ મીટિંગ્સ અને ઇમેઇલ્સ દ્વારા નિવૃત્ત બેંકરને રોકાણ કરવા માટે સમજાવ્યા હતા.
મહારાષ્ટ્ર નોડલ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ફરિયાદીએ એક ફેસબુક વિડીયો જોયો હતો જેમાં કથિત રીતે નાણામંત્રી દાવો કરી રહ્યા હતા કે ૨૨ હજાર રૃપિયાના રોકાણથી એક મહિનામાં ૩૦ લાખ રૃપિયાનું વળતર મળી શકે છે.
આરોપીએ શરૃઆતમાં પીડિતનો વિશ્વાસ જીતવા માટે તેમને ચાર લાખ રૃપિયાનો નફો પણ ટ્રાન્સફર કર્યો અને પછી વધુ રોકાણની માંગ કરી હતી. આરોપીએ બે કરોડ રૃપિયાના રોકાણ પર દસ કરોડ રૃપિયાનું વળતર આપવાનું વચન આપ્યું. ફરિયાદીને નફો ટ્રાન્સફર થતા તેમને વિશ્વાસ બેઠો હતો અને તેમણે રોકાણ શરૃ કર્યું હતું.
લિંક પર ક્લિક કર્યા પછી અને પોતાની વિગતો સબમિટ કર્યા પછી, તેમને યુકે સ્થિત ઘણા મોબાઇલ નંબરો પરથી કોલ આવવા લાગ્યા.સાચી દિશામાં રોકાણ થઈ રહ્યું છે તેવું સાચું માનીને, ફરિયાદીએ એપ્રિલ અને મે વચ્ચે અનેક વ્યવહારો દ્વારા પૈસા ટ્રાન્સફર કર્યા.
આ દરમિયાન ફરિયાદીએ કુલ મળી દોઢ કરોડ રૃપિયા ટ્રાન્સફર કર્યા. ત્યારબાદ તેમને ખ્યાલ આવ્યો કે તેઓ છેતરાયા છે. તેમણે તાત્કાલિક આ બાબતે નોડલ સાયબર પોલીસ અને રાષ્ટ્રીય સાયબર ક્રાઈમ હેલ્પલાઈનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે નકલી રોકાણ રેકેટની તપાસ શરૃ કરી છે અને આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઇલ નંબર, બેંક ખાતા અને ડિજિટલ ટ્રેલ શોધી વધુ તપાસ હાથ ધરી છે.




