રવિના ટંડનની માતાની કેરટેકર જ લાખોના દાગીનાની ચોરીમાં ઝડપાઈ

પરિવારનો વિશ્વાસ જીતી પચ્ચીસ લાખનાં દાગીના તફડાવ્યાં
ચોરી પ્રકાશમાં આવ્યા બાદ પોતાને પોલીસની બાતમીદાર ગણાવી રવિનાના
પરિવારજનોને ખોટા ડ્રગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી
મુંબઈ
- રવિના ટંડનની માતાની કેરટેકર મહિલાએ જ તેમના ઘરેથી પચ્ચીસ લાખનાં સોના તથા હીરાના દાગીનાની
ચોરી કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ગત ઓક્ટોબર માસમાં થયેલી ચોરી બાબતે હવે ૪૭
વર્ષીય રાશિ છાબરિયાની ધરપકડ કરી તેને પોલીસ રિમાન્ડ અપાયા છે. રાશિએ પોતાની ચોરી
પકડાઈ ગયા પછી પોતાને પોલીસ બાતમીદાર
ગણાવી રવિનાના પરિવારજનોને ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો પણ
આક્ષેપ થયો છે.
બોલિવુડ અભિનેત્રી રવિના ટંડનના ભાઈના ઘરેથી પચ્ચીસ લાખ રૃપિયાના સોના અને હીરાના દાગીનાની ચોરી
કરવા બદલ ૪૭ વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી છે. આ મહિલાએ પરિવારનો વિશ્વાસ
જીત્યા પછી તેમના ઘરેથી સોના અને હીરાના દાગીનાની ચોરી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખારમાં રહેતી આરોપી યુવતી રાશિ છાબરિયાને
રવિનાની માતા વીણા ટંડનની સંભાળ રાખવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે ચોરીની આ
ઘટના ગયા વર્ષે ઓક્ટોબરમાં પ્રકાશમાં આવી હતી, જ્યારે પરિવારે તેમની
તિજોરી તપાસી હતી, ત્યારે તે તૂટેલી જોવા મળી હતી, જેમાં સોના અને હીરાના ઘરેણાં અને બે વૈભવી કાંડા ઘડિયાળો સહિત ઘણી વસ્તુઓ
ગાયબ હતી.
પ્રથમ માહિતી અહેવાલ (એફઆઈઆર) મુજબ, જ્યારે રાજીવ ટંડને ચોરીની આ ઘટના
વિશે પૂછયું ત્યારે રાશિ છાબરિયાએ શરૃઆતમાં તેની સંડોવણીનો ઇનકાર કર્યો હતો પરંતુ
બાદમાં તેણે ગુનો કબૂલ્યો હતો. તેણે બે ચોરાયેલી ઘડિયાળો પરત કરી હતી અને દાવો
કર્યો હતો કે ઘરેણાં જગદીશ નામના તેના
સહયોગીને સોંપવામાં આવ્યા હતા, અને તે પરત કરવાનું વચન
આપ્યું હતું.જોકે, વારંવાર ફોલો-અપ કરવા છતાં, આરોપી મહિલા કથિત રીતે ઘરેણાં પરત કરવામાં નિષ્ફળ રહી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
રાજીવ ટંડને પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે રાશિ છાબરિયા ૨૦૨૦થી પરસ્પર પરિચિતો દ્વારા
પરિવારની મુલાકાત લેતી હતી અને તેના પતિ અને માતા-પિતાના મૃત્યુ પછી, તેણે
કથિત રીતે પરિવાર સાથે ગાઢ સંબંધો વિકસાવ્યા હતા અને તેમને ઘરમાં કોઈપણ રોકટોક વગર
ક્યારેય પણ આવા જવાની છૂટ હતી.
ફરિયાદમાં જણાવાયું છે કે કિંમતી વસ્તુઓ જ્યાં રાખવામાં આવી હતી તે
નિવાસસ્થાનના બીજા માળે ફક્ત પરિવારના સભ્યો અને રાશિને જ પ્રવેશની મંજૂરી હતી.
ઓગસ્ટ ૨૦૨૫માં તેમના ઘરમાં રીનોવેશનનું કામ શરૃ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન
તેમણે મૂલ્યવાન વસ્તુઓ અને દાગીના વગેરે બહેનના ઘરે સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.
જોકે તેમના માતાના સોના અને હીરાના દાગીના અહીં શેફમાં સુરક્ષિત રીતે મૂકવામાં
આવ્યા હતા. જે ચોરાઈ ગયા હોવાનું પછીથી પ્રકાશમાં આવ્યું હતું.
ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે રાશિએ તેના એક સહયોગી દ્વારા પોતાને પોલીસ બાતમીદાર
ગણાવીને ધમકી આપી હતી કે જો તે ઘરેણાં પરત કરવા માટે દબાણ કરશે તો તેને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવી દેશે.
અધિકારીએ જણાવ્યું હતું કે રાશિ છાબરિયાની ૨૧ મેના રોજ ધરપકડ કરવામાં આવી
હતી અને કોર્ટમાં કરાતાં તેને ૨૯મી મે
સુધીના રિમાન્ડ અપાયા હતા.









