બોરીવલી પશ્ચિમમાં ફ્રૂટ શોપમાં ફળોના ટોપલા પર ફરતા ઉંદરો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

મુંબઇ - સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોથી ભારે ચર્ચા
રસ્તા-ફૂટપાથો પર બેસી ફળો,શાકભાજી વેચતા ફેરિયાઓ દ્વારા સ્વચ્છતા નિયમોનું ભાગ્યે જ પાલન, પણ હજુ એફડીએની નજર પડી નથી
મુંબઇ સહિતના શહેરોમાં દૂધમાં મિલાવટ, ખાદ્યચીજોમાં ભેળસેળ, ગંદકી વચ્ચે આઇસક્રિમની બનાવટ વિરુદ્ધ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના વડા તુકારામ મુંઢેએ કાર્યવાહી તેજ કરી તરખાટ મચાવ્યો છે ત્યારે બોરીવલીની એક વિડિયો સોશ્યલ મિડિયામાં વાઇરલ થતા લોકો ચોંકી ગયા છે. આ વિડિયોમાં બોરીવલી પશ્ચિમની એક ફ્રૂટશોપની બહાર રાખેલા કેળામાં ઉંદરો ફરતા જોવા મળે છે.
આ વિડિયો અધિકૃત છે કે નહીં તેની પુષ્ટિ નથી મળી. આમ છતાં આ વિડિયોને કારણે કેટલી ગંદકી અને અન્ન સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરીને ફળો તેમ જ અન્ય ખાદ્યપદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય છે તેનો ખ્યાલ આવે છે. જીવજંતુ કે ઉંદરો ફરતા હોય એવી ચીજો ખાવાથી લોકોના આરોગ્ય સામે ખતરો રહે છે. ચર્ચગેટની આઇસક્રિમ કંપનીમાં ફર્શ ઉપર ઊંદરો ફરતા જોવા મળતા એફડીએ તરફથી તરત જ લાયસન્સ સસ્પેન્ડ કરાયું હતું. તો ફળોની દુકાનોમાં ઉંદરો ફરતા દેખાય તો કયા પગલાં લેવાશે એવો નેટીઝનોએ સવાલ કર્યો છે.
ફૂડ સેફ્ટી વિષયના જાણકારોના કહેવા મુજબ રસ્તા અને ફૂટપાથો પર બેસી ફળો- શાકભાજી વેંચતા ફેરિયાઓ તરફથી સ્વચ્છતાને લગતા નિયમોનું પાલન જ નથી કરાતું. ફળોને ક્રેટમાં વ્યવસ્થિત રીતે જમીનથી ઊંચા સ્થાને ઢાંકીને રાખવા જોઇએ, જીવજંતુ કે ઉંદરથી બચાવવા જોઇએ. સ્વચ્છતા રાખવી જોઇએ.
બોરીવલીની વિડિયો વાઇરલ થયા પછી મહાપાલિકા અને એફડીએ તરફથી તત્કાળ તપાસ કરવી જોઇએ એવી નાગરિકોએ માગણી કરી છે. તપાસમાં એવું સાબીત થાય કે ખરેખર કેળાની ઉપર ઉંદરો ફરતા હતા તો એ વિક્રેતા સામે કાયદેસરના પગલાં લેવા જોઇએ.
બીજી તરફ નાગરિકોને પણ બહારથી ફળો કે કોઇ પણ ખાદ્યપદાર્થ ખરીદ કરતા પહેલાં ખાસ સાવધાની રાખવાની પૂરતી જરૃર છે. ફળ તાજા છે કે નહીં? વેચાણની જગ્યા સ્વચ્છ છે કે નહીં એ જોઇને પછી જ ફળ ખરીદવા જોઇએ અને ઘરે લાવ્યા પછી સ્વચ્છ પાણીમાં ધોઇને પછી જ ખાવા જોઇએ એવી નિષ્ણાતોએ સલાહ આપી છે.




