લોકલ ટ્રેનમાં હત્યાકાંડ બાદ રેલ્વેનું મોટું પગલુંઃ ટ્રેનો-સ્ટેશનોમાં હવે બાઉન્સરોનો પહેરો!
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આરપીએફ-જીઆરપીના ઉચ્ચસ્તરીય બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો
સ્ટેશનથી કોચ સુધી ખાનગી સુરક્ષા ગાર્ડ રહેશે તહેનાત
મુંબઈ - મુંબઈની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેનોમાં વધી રહેલી ગુનાખોરીની ઘટનાઓને પગલે આખરે રેલ્વે વહીવટીતંત્ર જાગ્યું છે. ૨૩ જૂને ચર્ચગેટ-નાલાસોપારા લોકલમાં મયંક લોહાર નામના યુવાનની નિર્દયી હત્યાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું હતું. આ ઘટનાથી મુસાફરોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો અને રેલ્વે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. હવે મુસાફરોની સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં રેલ્વેએ સ્ટેશનો તેમજ લોકલ ટ્રેનોમાં ખાનગી બાઉન્સરો (સુરક્ષા ગાર્ડ) તહેનાત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ભીડવાળી લોકલ ટ્રેનમાં થયેલી હત્યાએ રેલ્વે સુરક્ષા દળ (આરપીએફ) અને સરકારી રેલ્વે પોલીસ (જીઆરપી)ની કામગીરી પર સવાલો ઊભા કર્યા હતા. ત્યારબાદ આરપીએફ અને જીઆરપીના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા, જેમાં બાઉન્સરોની તહેનાતીનો નિર્ણય સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે
ગઈકાલ શુક્રવારે જીઆરપી કમિશનર રાકેશ કલાસાગરે બોરીવલી સ્ટેશનની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે મુસાફર સંગઠનો અને સ્થાનિક નાગરિકો સાથે સીધી ચર્ચા કરી હતી. મુસાફરોએ સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી હતી કે રાત્રિના સમયે અને પીક અવર્સ દરમિયાન પોલીસની હાજરી માત્ર કાગળ પર નહીં, પરંતુ સ્ટેશન અને ટ્રેનોમાં અસરકારક રીતે દેખાવા જોઈએ.
મુસાફરોની ચિંતાને ધ્યાનમાં રાખીને કમિશનરે સુરક્ષા વ્યવસ્થામાં ધરમૂળથી ફેરફાર કરવાની ખાતરી આપી હતી. તેમણે અધિકારીઓને નવી સુરક્ષા બ્લુપ્રિન્ટ તૈયાર કરવા સૂચના આપી છે. આ યોજના હેઠળ સ્ટેશનો અને ટ્રેક પરના 'ડાર્ક સ્પોટ્સ' એટલે કે અસુરક્ષિત વિસ્તારોની ઓળખ કરીને ત્યાં વિશેષ સુરક્ષા ગોઠવવામાં આવશે. વિરાર સ્ટેશનથી શરૃ થનારી આ ઝુંબેશ તબક્કાવાર તમામ મુખ્ય સ્ટેશનો સુધી વિસ્તરશે.
હકીકતમાં રેલ્વેના આ નિર્ણયથી મુસાફરોમાં સુરક્ષાની આશા તો જાગી છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે બાઉન્સરોની આ નવી વ્યવસ્થા ખરેખર મુંબઈગરાની મુસાફરીને વધુ સુરક્ષિત બનાવશે કે પછી તે માત્ર થોડા સમય પૂરતો દેખાવ પૂરતો જ ઉપાય સાબિત થશે? મુસાફરોમાં ચર્ચા છે.
બાઉન્સરોની મુખ્ય જવાબદારીઓ
*સ્ટેશનો અને પ્લેટફોર્મ પર ભારે ભીડનું અસરકારક નિયંત્રણ.
*ટ્રેનમાં ગુંડાગીરી, મારામારી અને અસામાજિક તત્વો સામે તાત્કાલિક કાર્યવાહી.
*પ્લેટફોર્મ અને કોચમાં શંકાસ્પદ હિલચાલ પર સતત નજર રાખી ગુનાઓને અટકાવવાનો પ્રયાસ.
*મુસાફરોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરવી અને જરૃરી સમયે પોલીસને તાત્કાલિક સહયોગ આપવો.




