Mumbai

ગેરકાયદે ક્લિનિક ચલાવતા ૧૦ બોગસ ડોક્ટરો પર દરોડા

By GS Team
7 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે BMC અધિકારીઓ સાથે મળી ભાંડુપ, માનખુર્દ, કુર્લા, જોગેશ્વરી, બોરીવલી અને દહિસરમાં બોગસ ડોકટરો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. 7 ક્લિનિક્સ પર દરોડા પાડી, 10 નકલી ડોકટરો સામે મહારાષ્ટ્ર મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ હેઠળ કેસ નોંધાયા છે. પોલીસે 2.20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ડોકટરો લાયકાત વગર દર્દીઓને છેતરતા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

ગેરકાયદે ક્લિનિક ચલાવતા ૧૦ બોગસ ડોક્ટરો પર  દરોડા

મુંબઈમાં ઠેર ઠેર બોગસ ડોક્ટરોનો રાફડો

ભાંડુપ, માનખુર્દ, કુર્લા, જોગેશ્વરી, બોરીવલી, દહિસરમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમો  ત્રાટકી

મુંબઈ -      મુંબઈ  પોલીસની ક્રાઈમ બ્રાન્ચે વિવિધ વિસ્તારોમાં બોગસ ડોકટરો દ્વારા સંચાલિત અનેક  ક્લિનિક્સ  પર દરોડા પાડયા છે. આ કાર્યવાહી દરમિયાન રૃ.  ૨.૨૦  લાખ રૃપિયાની કિંમતની સિરીંજ, એન્ટિબાયોટિક ગોળીઓ અને અન્ય સાધનો જપ્ત કર્યા છે, એમ મંગળવારે એક અધિકારીએ જણાવ્યું હતું.

   આ  મામલે મહારાષ્ટ્ર મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ ૩૩  અને ૩૬ હેઠળ  ભાંડુપ પોલીસ સ્ટેશનમાં દસ બોગસ ડોક્ટરો  સામે કેસ નોંધવામાં આવ્યો છે.

   ક્રાઇમ બ્રાન્ચના યુનિટ ૭  દ્વારા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના તબીબી અધિકારીઓ સાથે મળીને ઉપનગરીય ભાંડુપ, માનખુર્દ, કુર્લા, જોગેશ્વરી, બોરીવલી અને દહિસરમાં આવેલા ક્લિનિક્સ પર માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

   બોગસ ડોક્ટરો મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલમાં કોઈ તબીબી લાયકાત કે નોંધણી ન હોવા છતાં તેમની પાસે આવતા દર્દીઓને ગુપ્ત રોગો અને  વિવિધ રોગો માટે એલોપેથી અને આયુર્વેદિક, યુનાની દવાઓ આપીને સારવાર આપતા હતા. સામાન્ય નાગરિકો પાસેથી વધુ પડતી ફી વસૂલીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી રહી  હતી.

   સાત ક્લિનિક પર દરોડા પાડયા ત્યારે  પ્રેક્ટિસ કરતા ૧૦  બોગસ ડોકટરો મળી આવ્યા હતા. તેમજ બોટલ, સિરીંજ, એન્ટિબાયોટિક ગોળીઓ અને રૃ. ૨.૨૦ લાખની માલમતા જપ્ત કરાઈ હતી. 

  પોલીસે જણાવ્યું હતું કે કેટલાક કેસમાં  તબીબી સારવારની આડમાં દર્દીઓ પાસેથી વધુ પડતી ફી વસૂલીને સમયસીમા સમાપ્ત થયેલી દવાઓ વેચવામાં આવતી હતી.