મીરા ભાયંદરમાં ૨૦૦ કરોડથી વધુના પ્રોપર્ટી ટેક્સની વસૂલાત

હવે બે માસમાં વસૂલાત માટે ખાસ ઝુંબેશ
ઓફલાઈન કરતાં ઓનલાઈન ચૂકવણી વધારેઃ હવે બાકીદારો સામે નોટિસ-જપ્તીની કાર્યવાહી થશે
મુંબઇ - મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકનો મુખ્ય આધાર એવા મિલકત વેરા દ્વારા ૨૦૭ કરોડ રૃપિયાથી વધુની વસૂલાત કરવામાં આવી છે. નાણાકીય વર્ષના બાકીના બે મહિનામાં મોટી વસૂલાત થવાની ધારણા છે.
જાન્યુઆરીના અંત સુધીમાં, મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦૭ કરોડ ૨૮ લાખ ૪૭ હજાર ૮૦૬ રૃપિયાનો મિલકત વેરો વસૂલવામાં આવ્યો છે. તેમાંથી એક લાખ ૪૨ હજાર ૭૮૧ મિલકત માલિકોએ મિલકત વેરો ઓનલાઈન ભરીને ૧૧૦ કરોડ ૭૧ લાખ ૪૮ હજાર ૯૪૮ રૃપિયા મહાનગરપાલિકામાં જમા કરાવ્યા છે. ઉપરાંત, એક લાખ ૩૨ હજાર ૭૩૪ મિલકત માલિકોએ મિલકત વેરો ઓફલાઈન એટલે કે રોકડ અને ચેક દ્વારા ભરીને ૯૬ કરોડ ૫૬ લાખ ૯૮ હજાર ૮૫૯ રૃપિયા જમા કરાવ્યા છે.
મ્યુનિસિપલ કમિશનર અને વહીવટદાર રાધાબિનોદ એ. શર્માએ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી અને મિલકત વેરા વસૂલાત અંગે ચર્ચા કરી હતી.
જેમાં ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરા વસૂલાતની વર્તમાન સ્થિતિ, વોર્ડવાર અને વિભાગવાર, નિર્ધારિત લક્ષ્યો સામે થયેલી પ્રગતિ અને પાછલા વર્ષોની સરખામણીમાં થયેલા વધારાનો સમાવેશ છે. તેમણે કર વસૂલાત પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને અસરકારક બનાવવા માટે ક્ષેત્રવાર કાર્ય યોજનાઓ તૈયાર કરવા પણ નિર્દેશ આપ્યો હતો. તેમણે ઓનલાઈન કર ચુકવણી સુવિધાઓનો મહત્તમ ઉપયોગ કરવા, ડિજિટલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરવા અને કર ચુકવણી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે નાગરિકોમાં વ્યાપક જાગૃતિ ઝુંબેશ ચલાવવા જરૃરી સૂચનાઓ આપી હતી. બાકી મિલકતો અંગે નિયમો મુજબ નોટિસ ફટકારવા અને જપ્તી માટે કાયદેસરની કાર્યવાહી કરવા તેમણે નિર્દેશ આપ્યો હતો. તેમણે માળખાગત સુવિધાઓ, નાગરિક સેવાઓ, સ્વચ્છતા, પાણી પુરવઠો, રસ્તાઓ, શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો અમલ કરવા માટે નાગરિકોને સમયસર અને સંપૂર્ણ મિલકત વેરો ભરવાની પણ અપીલ કરી હતી.









