Mumbai

૧૪૬ કરોડના કૌભાંડમાં જતીન અને સોનિયા મહેતા સામે પ્રોક્લેમેશનનો આદેશ

By GS Team
13 Oct 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં કેનેરા બેંકના 146.35 કરોડના કૌભાંડમાં ઝવેરી જતીન મહેતા, તેમની પત્ની અને અન્ય એક સામે CBI કોર્ટે જાહેરનામું બહાર પાડવાનો આદેશ કર્યો છે. આરોપીઓ યુકે ભાગી ગયા હોવાથી, તેમની હાજરી સુનિશ્ચિત કરવા આ કાર્યવાહી કરાઈ છે. જોકે, કોર્ટે તેમની મિલકતો જપ્ત કરવાની CBIની વિનંતી ફગાવી દીધી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

૧૪૬  કરોડના કૌભાંડમાં જતીન  અને સોનિયા મહેતા  સામે પ્રોક્લેમેશનનો આદેશ

કેનેરા બેન્ક સાથે છેતરપિંડી કરી યુકે ભાગી  ગયાં છે

અગાઉ બિનજામીનપાત્ર વોરંટ જારી થયું હતું ઃ મિલ્કતો જપ્ત કરવાની સીબીઆઈની વિનંતી કોર્ટે ફગાવી

મુંબઈ -  કેનેરા બેંક સાથે  ૧૪૬.૩૫ કરોડ રૃપિયાના બેંક છેતરપિંડીના કેસમાં સોમવારે અહીંની એક ખાસ સીબીઆઈ કોર્ટે અબજોપતિ ઝવેરી જતીન મહેતા, તેની પત્ની અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ધ જાહેરનામું બહાર પાડવોે આદેશ આપ્યો છે.

સ્પેશિયલ જજ નીતિન વી જીવાનેએ ફરાર આરોપીઓની હાજરી સુનિશ્ચિત કરવા માટે ફોજદારી કાર્યવાહી સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ આ આદેશ જારી કરવાની માંગ કરતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનની અરજીને મંજૂરી આપી હતી, પરંતુ તેમની મિલકત એકસાથે જપ્ત કરવાની વિનંતીને નકારી કાઢી હતી.

સીબીઆઈએ જતીન મહેતા, તેમની પત્ની સોનિયા મહેતા અને અન્ય બે લોકોની મિલકતો એકસાથે જપ્ત કરવાની માંગ કરી હતી અને એવી આશંકા વ્યક્ત કરી હતી કે આરોપીઓ આ સંપત્તિનો નિકાલ કરી શકે છે.

કોર્ટે જણાવ્યું હતું કે, કાયદા મુજબ કાર્યવાહી દરમિયાન સીબીઆઈ મિલકતો જપ્ત કરવા માટે નવી અરજી દાખલ કરી શકે છે. એજન્સીએ આરોપ લગાવ્યો છે કે જતીન મહેતાની કંપની વિન્સમ ડાયમંડ્સ એન્ડ જ્વેલરી લિમિટેડે ભારતીય બેંકની ગેરંટીના આધારે વિદેશમાં ત્રણ બુલિયન બેંકો - બેંક ઓફ નોવા સ્કોટીયા, સ્ટાન્ડર્ડ બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક પાસેથી સોનું ખરીદ્યું હતું.

સીબીઆઈએ જણાવ્યું હતું કે બાદમાં આ સોનાને પ્રોસેસ કરવામાં આવ્યું હતું અને યુએઈમાં ૧૩ ખરીદદારોને મોકલવામાં આવ્યું હતું.એજન્સીએ જણાવ્યું હતું કે કંપની ગેરંટીના આધારે આયાત કરેલા સોનાની ચુકવણી કરવામાં પણ નિષ્ફળ રહી હતી.

આ સંદર્ભમાં કંપનીએ દલીલ કરી છે કે વિદેશી ખરીદદારો પાસેથી નિકાસની રકમ મળી નથી, (જેના પરિણામે) બુલિયન બેંકો દ્વારા એસબીએલસી(ગેરંટી)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેના કારણે કેનેરા બેંકને રૃ. ૧૪૬.૩૫ કરોડનું ખોટું નુકસાન થયું હતું.

કોર્ટે  નોંધ્યું  હતું કે જૂન ૨૦૧૮માં જારી કરાયેલા બિન-જામીનપાત્ર વોરંટનો અમલ કરવાના અગાઉના પ્રયાસો છતાં, ત્રણેય આરોપીઓ શોધી શકાયા ન હતા અને તેઓ પોતાને છુપાવી રહ્યા હતા. વધુ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ હાલમાં યુનાઇટેડ કિંગડમમાં રહે છે.

કોર્ટે નોંધ્યું હતું કે રેકોર્ડ દર્શાવે છે કે આરોપીઓ સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યા હતા અને આરોપીઓ શોધી ન શકાતા હોવાથી તેનો અમલ કરવામાં આવ્યો ન હતો.

તેથી પ્રથમ દ્રષ્ટિએ એવું નોંધવામાં આવે છે કે, ઉપરોક્ત નામાંકિત આરોપીઓ સામે બિન-જામીનપાત્ર વોરંટ જારી કરવા છતાં, તેઓ બિન-જામીનપાત્ર વોરંટના અમલને ટાળવા માટે પોતાને છુપાવી રહ્યા છે અને ફરાર થઈ ગયા છે. તેથી, આરોપીઓની હાજરી સુનિશ્ચિત કરવા માટે જાહેરનામું જારી કરવાની જરૃર છે,એમ કોર્ટે જણાવ્યું હતું.